‘ભાજપનાં પાપનો ઘડો’ લઈ કોંગ્રેસ નીકળશે:ગુજરાતની ન્યાયયાત્રાના રૂટમાં છુપાયેલી છે રણનીતિ; આ જિલ્લા પસંદ કરવા પાછળનું રાજકીય ગણિત સમજો
‘તમને આ વખતે ગુજરાતમાં હરાવીશું, તમને આ વખતે વિરોધ પક્ષ INDIA ગઠબંધન ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે.’ સંસદમાં રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું ને ગુજરાતમાં મૃત:પ્રાય બનેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા. રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ અચાનક જ ગુજરાત કોંગ્રેસમાં એક નવી ઊર્જા જોવા મળી રહી છે. આવતીકાલ એટલે કે 9 ઓગસ્ટથી ગુજરાતમાં કોંગ્રેસ ન્યાયયાત્રા શરૂ કરશે. છેલ્લાં બે વર્ષમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ આ યાત્રા કાઢી રહ્યું છે. આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત કરી શકશે. કોંગ્રેસ તેને ભાજપના પાપનો ઘડો નામ આપી રહી છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે. મોરબીથી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે. આ યાત્રામાં સંભવત રાહુલ કે પ્રિયંકા ગાંધી પણ જોડાઈ શકે છે. પણ રાજકીય વિશ્લેષકોને આ ન્યાય યાત્રાના રૂટમેપમાં કોંગ્રેસની રણનીતિ છૂપાયેલી હોય તેમ લાગી રહ્યું છે. તો આવો જાણીએ કે આ રૂટ પસંદ કરવા પાછળ કોંગ્રેસનું રાજકીય ગણિત શું છે?... આવો સૌપ્રથમ કોંગ્રેસની ન્યાય યાત્રા અને તેના રૂટમેપ વિશે જાણીએ... છેલ્લાં બે વર્ષમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢવા જઈ રહ્યું છે. મોરબીથી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે. આ યાત્રામાં શરૂઆતથી અંત સુધી જોડાનારને ન્યાયયાત્રી, પોતાના જિલ્લામાં જોડાનારા જિલ્લાયાત્રી તથા અતિથિયાત્રી પણ હશે. ભાજપનો પાપનો ઘડો લઈ નીકળશે કોંગ્રેસ
આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને કોંગ્રેસ તેને ભાજપના પાપનો ઘડો નામ આપી રહી છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે. દરરોજ 100 લોકો 20-25 કિલોમીટર ચાલશે
આ યાત્રા અંગે કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આગામી 9 ઓગસ્ટના રોજ ક્રાંતિ દિવસથી અમે શરૂઆત મોરબીથી કરીશું. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારો, રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને સાથે રાખી આ ન્યાયયાત્રા કરવામાં આવશે. મોરબીના ઝૂલતા પુલથી આ યાત્રાની શરૂઆત થશે. રાષ્ટ્રધ્વજ ફરકાવીને યાત્રાનો સવારે 9 વાગ્યે પ્રારંભ કરવામાં આવશે. ત્યાંથી નીકળીને ટંકારા અને ટંકારાથી ગૌરીદડ, રતનપર રોકાશે. 13 ઓગસ્ટે રાજકોટ છોડીને સુરેન્દ્રનગર તરફ પ્રયાણ કરશે. સુરેન્દ્રનગરથી આ યાત્રા ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ અને અમદાવાદ ગાંધી આશ્રમ અને ત્યાંથી ગાંધીનગર પહોંચશે. 100 પદયાત્રી દરરોજ 20થી 25 કિલોમીટર ચાલશે
યાત્રામાં રોજ સવારે ધ્વજવંદન થશે. રાજકોટના જ પીડિત પરિવારો નહીં, પરંતુ ગુજરાતમાં થયેલા તક્ષશિલાકાંડ, હરણી બોટકાંડ, મોરબી પુલ દુર્ઘટના અને રાજકોટ TRP અગ્નિકાંડ સહિત તમામ પીડિત પરિવારોને સાથે રાખી તેમના ન્યાય માટે કોંગ્રેસ પક્ષ લડત આપશે. 100 જેટલા લોકો આ પદયાત્રામાં દરરોજ 20થી 25 કિલોમીટર ચાલીને પદયાત્રા કરશે. રાહુલ-પ્રિયંકા પણ હાજર રહે એવી શક્યતા
મોરબીથી ગાંધીનગર સુધીની આ ન્યાય પદયાત્રામાં દેશભરમાંથી નેતાઓ જોડાશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આ ન્યાયયાત્રામાં સાથે જોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેઓ પણ સાથે એક દિવસ કોઈ જગ્યાએ જોડાઈ એવી શક્યતા છે. પદયાત્રાનું સ્વાગત દરેક જગ્યાએ થશે, પણ કોઈ જગ્યાએ ઢોલ-નગારાંથી નહીં, પરંતુ સૂતરની આંટી વડે સ્વાગત કરવામાં આવશે. હવે એ જાણીએ કે કોંગ્રેસ આ ન્યાય યાત્રા કેમ કરી રહ્યું છે અને આ રૂટમેપ પસંદ કરવા પાછળ કોંગ્રેસનું રાજકીય ગણિત શું છે... 5 જિલ્લામાંથી નીકળશે ન્યાય યાત્રા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ 3 વર્ષથી વધુ સમય બાકી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આ મજબૂત કિલ્લાને ધ્વસ્ત કરવા માટે કોંગ્રેસે મિશન-ગુજરાત પર કામ શરૂ કરી દીધું છે. કોંગ્રેસ સૌપ્રથમ તે જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં બેઠકોની દ્રષ્ટિએ તેની સ્થિતિ શૂન્ય છે. આ રણનીતિ હેઠળ પાર્ટીએ ગુજરાતના 5 જિલ્લામાંથી ન્યાય યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. તાજેતરના સમયમાં વહીવટી નિષ્ફળતાને કારણે દુર્ઘટનાઓ થઈ અને સેંકડો લોકો મૃત્યુ પામ્યા. કોંગ્રેસ ભલે આ ન્યાય યાત્રાની શરૂઆત એ જિલ્લામાંથી કરતી હોય પણ તેનો રૂટ એ રીતે પસંદ કરવામાં આવ્યો છે, જેનાથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થાય. યાત્રાનો ચહેરો પીડિત પરિવાર
પાર્ટીએ યાત્રાનો ચહેરો પીડિત પરિવારને જ રાખ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા પોસ્ટરમાં સ્થાનિક કક્ષાના કોઈ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી. કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તાથી બહાર
કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવવા માટે આ યાત્રા કાઢી રહી છે, પરંતુ પક્ષોની દરેક કામગીરીનો ચોક્કસ રાજકીય અર્થ હોય છે. ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જ્યાં કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તાથી બહાર છે. રાહુલ ગાંધીએ હાલમાં જ સંસદમાં ગુજરાતમાં ભાજપને હરાવવાની વાત કરી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસની ન્યાય યાત્રા જે જિલ્લાઓમાંથી નીકળી રહી છે તેના રાજકીય સમીકરણો જાણીએ. 5 જિલ્લામાં વિધાનસભાની 42 બેઠકો
કોંગ્રેસની ન્યાય યાત્રા જે 5 જિલ્લામાંથી નીકળશે, ત્યાં વિધાનસભાની 42 બેઠકો છે. સૌથી વધુ અમદાવાદમાં વિધાનસભાની 21 બેઠકો છે. આ પછી રાજકોટમાં 8, ગાંધીનગરમાં 5, સુરેન્દ્રનગરમાં 5 અને મોરબીમાં 3 બેઠકો છે. રાજ્યમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 92 બેઠકો જરૂરી છે. કોંગ્રેસ 42માંથી માત્ર 2 બેઠક જીતી
2022ની વિધાનસભા ચૂંટણીમાં આ 42 બેઠકોમાંથી ભાજપે 40 બેઠકો જીતી હતી. 2022માં ભાજપે મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લામાં ક્લીન સ્વિપ કરી હતી. જ્યારે અમદાવાદમાં કોંગ્રેસ માત્ર 2 જ બેઠકો જીતી શકી હતી. 2017માં કોંગ્રેસે 42માંથી 18 બેઠકો જીતી હતી
2017માં કોંગ્રેસે આ જિલ્લાઓમાં 42માંથી 18 બેઠકો જીતી હતી. કોંગ્રેસે મોરબીની 3માંથી 3, સુરેન્દ્રનગરની 5માંથી 4, ગાંધીનગરની 5માંથી 3, અમદાવાદમાં 21માંથી 6 અને રાજકોટમાં પણ 8માંથી 2 બેઠકો જીતીને સારો દેખાવ કર્યો હતો. સૌરાષ્ટ્ર, શહેરી વિસ્તાર અને ઉત્તર ગુજરાતને સાધવાનો પ્રયાસ
કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી એટલે કે સૌરાષ્ટ્રથી થશે. આ ન્યાય યાત્રા સૌરાષ્ટ્રના 3 જિલ્લા મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી પસાર થશે. ત્યારબાદ યાત્રાનો અમદાવાદ જિલ્લામાં પ્રવેશ થશે. જો કે અમદાવાદ જિલ્લો મધ્ય ગુજરાતમાં ગણી શકાય પણ યાત્રાના રૂટ મુજબ વિરમગામ યાત્રા જશે. વિરમગામની હદ મોટાભાગે ઉત્તર ગુજરાતને અડીને છે. સાથે જ યાત્રા સાણંદ થઈને અમદાવાદના શહેરી વિસ્તારમાં આવેલા ગાંધી આશ્રમ પણ પહોંચશે. એટલે કે ગુજરાતની આર્થિક રાજધાનીમાંથી પણ પસાર થશે. સાથે જ છેલ્લે યાત્રાનું સમાપન ગાંધીનગર એટલે કે ઉત્તર ગુજરાતમાં થશે. આમ એક યાત્રાથી કોંગ્રેસ સૌરાષ્ટ્ર, શહેરી વિસ્તાર અને ઉત્તર ગુજરાતના મતદારોને સાધવાનો પ્રયાસ કરશે. ગુજરાતનું રાજકીય સમીકરણ
એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતું ગુજરાત છેલ્લા 30 વર્ષથી ભાજપનો ગઢ બની ગયું છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં કોંગ્રેસની સતત પડતી થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોંગ્રેસનો ધીરે-ધીરે સફાયો થઈ રહ્યો છે. CSDS અનુસાર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસને માત્ર 30 ટકા વોટ મળ્યા હતા. આ આંકડો 2017માં 43 ટકા અને 2012માં 42 ટકા હતો. શહેરી વિસ્તારોમાં પણ કોંગ્રેસના મતો ઘટ્યા છે. 2022માં પાર્ટીને શહેરી વિસ્તારોમાં લગભગ 24 ટકા વોટ મળ્યા હતા, જે 2017માં 39 ટકા અને 2012માં 35 ટકા કરતા ઘણા ઓછા હતા. બેઠકોની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસ પાસે હાલમાં 12 બેઠકો છે અને પક્ષને વિપક્ષના નેતાની ખુરશી પણ મળી નથી. હવે છેલ્લે એ 4 ગોઝારી દુર્ઘટના વિશે જાણીએ જેને ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. રાજકોટ- TRP ગેમઝોન અગ્નિકાંડ
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 27 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો હતો. ગેમઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં હતા, જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે મોકલાયા હતાં. વડોદરા, હરણી બોટ દુર્ઘટના
હરણી બોટ દુર્ઘટના 18 જાન્યુઆરી, 2024ના રોજ બની હતી, જેમાં પ્રવાસે આવેલા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતની બોટ તળાવમાં ડૂબતાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષક એમ કુલ 14 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જેમાં ઘટનાના દિવસે સાંજે કુલ 18 આરોપી સામે IPCની કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં કુલ આરોપીઓની સંખ્યા 20 થઈ હતી. મોરબી- ઝૂલતો બ્રિજ દુર્ઘટના
30 ઓક્ટોબર, 2022ના રોજ મચ્છુ નદી ઉપર આવેલો મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતાં બાળકો, મહિલાઓ સહિત કુલ 135 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જેમાં 10 આરોપી સામે IPCની કલમ 304, 308, 336, 337, 338, 114 મુજબ ગુનો નોંધાયો હતો. એમાં ઓરેવાં કંપનીના CMD જયસુખ પટેલ, ઓરેવાના બે મેનેજર દિનેશ દવે અને દીપક પારેખ, બ્રિજ રિપેર કરનારા દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પરમાર અને પ્રકાશ પરમાર ઉપરાંત ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. આ કેસમાં ચાર્જ ફ્રેમ પૂર્ણ થયો છે. બાદના વચગાળાના હિયરિંગ પર મોરબી કોર્ટમાં છે. તમામ આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, જેમાંથી 9 આરોપીને હાઈકોર્ટ અને જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. સુરત- તક્ષશિલા આગ દુર્ઘટના
વર્ષ 2019માં સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આગ લાગવાથી ત્યાં ટ્યૂશન ક્લાસીસમાં આવતા 22 વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. તેના તમામ 14 આરોપીને જામીન મળી ચૂક્યા છે. આરોપીઓમાં કોમ્પ્લેક્સના માલિક અને શિક્ષકોનો સમાવેશ થાય છે. આરોપીઓ પર IPCની કલમ 304, 308, 465, 467, 468, 471, 114 મુજબ ગુનો નોંધાયો હતો. કેસ અત્યારે ફરિયાદ પક્ષના સાહેદો અને પુરાવા તપાસવાના સ્ટેજ પર સુરતની કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.