હસીના કહેતા હતા- યુનુસને ગંગામાં ડૂબાડી દો:હવે યુનુસ જ સરકાર બનાવશે; લોકોને ગરીબીમાંથી બહાર કાઢનાર વિરોધી કેવી રીતે બન્યો - At This Time

હસીના કહેતા હતા- યુનુસને ગંગામાં ડૂબાડી દો:હવે યુનુસ જ સરકાર બનાવશે; લોકોને ગરીબીમાંથી બહાર કાઢનાર વિરોધી કેવી રીતે બન્યો


જાન્યુઆરી 2007ની વાત છે. સેનાએ બાંગ્લાદેશમાં સત્તા કબજે કરી લીધી હતી. બંને ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને ખાલિદા ઝિયા ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ હતા. સેનાએ બાંગ્લાદેશના નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને દેશ ચલાવવા માટે કાર્યકારી વડાપ્રધાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુનુસે આટલી મોટી જવાબદારી લેવાથી પાછીપાની કરી હતી. 17 વર્ષ બાદ બાંગ્લાદેશમાં ફરી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા છે. હવે વચગાળાની સરકાર ચલાવવાની જવાબદારી એ જ મોહમ્મદ યુનુસ પર આવી ગઈ છે, જેમણે 17 વર્ષ પહેલા વડાપ્રધાન પદને ફગાવી દીધું હતું. આ વખતે યુનુસે પણ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. તેઓ વચગાળાની સરકારના ચીફ એડવાઈઝર હશે. યુનુસનું નામ સામે આવ્યા બાદ આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે. યુનુસ કોઈ અજાણ્યો વ્યક્તિ નથી. તેને ગરીબી દુર કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે. શેખ હસીનાના કટ્ટર વિરોધી કહેવાતા મોહમ્મદ યુનુસ કોણ છે, તે બાંગ્લાદેશની રાજનીતિમાં આટલું મોટું નામ કેવી રીતે બની ગયું અને કેવી રીતે હસીના સાથે તેની દુશ્મની 16 વર્ષ પહેલા શરૂ થઈ… સ્ટોરીમાં તેનું વ્યક્તિત્વ જાણો. વર્ષો સુધી અર્થશાસ્ત્ર ભણાવ્યા પછી નકામું કહ્યું
મોહમ્મદ યુનુસ એક સામાજિક કાર્યકર, બેંકર અને અર્થશાસ્ત્રી છે. તેમનો જન્મ 28 જૂન 1940ના રોજ ગુલામ અને અવિભાજિત ભારતમાં થયો હતો. તેમનો જન્મ બંગાળના ચટગામમાં એક ઝવેરી હાજી મોહમ્મદ શૌદાગરને ત્યાં થયો હતો. ઢાકા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ અમેરિકા ગયા. જ્યાં તેમણે પીએચડી કર્યું અને અર્થશાસ્ત્ર ભણાવવાનું શરૂ કર્યું. બાંગ્લાદેશની આઝાદી બાદ યુનુસ દેશ પરત ફર્યા હતા. તેઓ ચટગામ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગના વડાના હોદ્દા પર હતા. આ એ સમય હતો જ્યારે દેશની સ્થિતિ સારી નહોતી. 1971ના યુદ્ધ પછી, બાંગ્લાદેશના લાખો લોકો દિવસમાં બે ટંકના ભોજન માટે તડપતા હતા. આ લોકોને રોજેરોજ ગરીબી સામે ઝઝૂમતા જોઈને યુનુસ અર્થશાસ્ત્ર ભણાવવાથી નિરાશ થઈ ગયા. તેમણે તેને નકામી બાબત ગણાવી. ટાઈમ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે અર્થશાસ્ત્રે તેમને નથી જણાવ્યું કે લોકોની ભૂખ કેવી રીતે સંતોષી શકાય. આ પછી, યુનુસ તેની આસપાસના ગામડાઓમાં ભટકવા લાગ્યા અને લોક કલ્યાણની તકો શોધવા લાગ્યા. મહિલાને 500 રૂપિયાની લોન આપી, આનાથી તેમનું જીવન બદલાઈ ગયું
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, એક દિવસ એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે યુનુસે એક મહિલાને જોઈ, જે તેની ઝૂંપડીની બહાર વાંસનું ટેબલ બનાવી રહી હતી. મહિલા સાથે વાત કર્યા બાદ ખબર પડી કે તેણે એક શાહુકાર પાસેથી 500 ટાકા (બાંગ્લાદેશી રૂપિયા)ની લોન લીધી હતી. શાહુકારે તેને આ ટેબલ કોઈપણ બજારમાં ન વેચવાની શરત મૂકી છે. તે આ ટેબલો મનમરજીના ભાવે ખરીદે છે અને વેચે છે. યુનુસે કહ્યું કે આ કોઈ ધંધો નથી પણ ગુલામી છે જેમાં શાહુકારે માત્ર 500 રૂપિયા આપીને મહિલાની કુશળતા ખરીદી છે. યુનુસે મહિલાને 500 રૂપિયા આપીને લોન ચુકવવા કહ્યું હતું. તેણે મહિલાને પૈસા મળે ત્યારે જ પરત કરવાનું કહ્યું હતું. આ પછી યુનુસે 42 મહિલા જૂથોને લોન આપી. તેને માઇક્રોક્રેડિટ નામ આપવામાં આવ્યું હતું. તેની ખાસ વાત એ હતી કે તે મહિલાઓએ આ લોન માટે કોઈ સિક્યોરિટી જમા કરાવવાની પણ જરૂર નહોતી. મહિલાઓના આ જૂથોએ ટૂંક સમયમાં યુનુસની લોન પરત કરી દીધી. આ લોન આપવાની સિસ્ટમની સફળતા પછી જ 1983માં બાંગ્લાદેશમાં ગ્રામીણ બેંકનો પાયો નાખવામાં આવ્યો હતો. મોહમ્મદ યુનુસ દ્વારા રચાયેલી ગ્રામીણ બેંકે છેલ્લા 40 વર્ષમાં 1 કરોડથી વધુ ગરીબોને 4.3 લાખ કરોડ ટકા (3.1 લાખ કરોડ ભારતીય રૂપિયા)થી વધુની લોન આપી છે. જેમાં મોટાભાગની મહિલાઓ છે. બાંગ્લાદેશમાં ગ્રામીણ બેંકની સફળતા જોઈને અન્ય દેશોએ પણ તેને અપનાવી. હવે માઇક્રોક્રેડિટનું ચલણ 100થી વધુ દેશોમાં કાર્યરત છે. અમેરિકા જેવા વિકસિત દેશોએ પણ તેને અપનાવ્યું છે. ગ્રામીણ બેંકની સફળતા પછી, યુનુસે 1997માં ગ્રામીણ ફોન કંપની શરૂ કરી. આ કંપની બાંગ્લાદેશમાં પ્રીપેડ મોબાઈલ સેવા શરૂ કરનાર પ્રથમ કંપની હતી. આજે ગ્રામીણફોન બાંગ્લાદેશની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક કંપની છે. તે બજારનો 48% હિસ્સો ધરાવે છે. તેના 8 કરોડથી વધુ ગ્રાહકો છે. સરકારને સૌથી વધુ ટેક્સ ચૂકવતી આ કંપની છે. નોબેલ પુરસ્કાર મળ્યા બાદ રાજકારણમાં અન્ટ્રી
લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાના કારણે મોહમ્મદ યુનુસ 'ગરીબના મિત્ર' અને 'ગરીબના બેંકર' તરીકે ઓળખાયા. ગ્રામીણ બેંક અને મોહમ્મદ યુનુસને ગરીબી નાબૂદી માટે 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 18 ફેબ્રુઆરી 2007ના રોજ, યુનુસે 'નાગરિક શક્તિ' નામના રાજકીય પાર્ટી બનાવી. તેમણે કહ્યું કે તેઓ આ પાર્ટીમાં સ્વચ્છ છબી ધરાવતા લોકોને જ સામેલ કરશે. યુનુસનો ઈરાદો 2008ની ચૂંટણી લડવાનો હતો. આ માટે તેણે પોતાની પાર્ટીમાં મોટા નામ જોડ્યા જેમાં પ્રોફેસરો અને પ્રખ્યાત પત્રકારો પણ સામેલ હતા. જો કે ત્યારે યુનુસના પગલા પાછળ સેનાનો હાથ હોવાનું કહેવાયું હતું. યુનુસે નવી પાર્ટી બનાવીને હસીના સાથે દુશ્મની કરી
મોહમ્મદ યુનુસે નવો પક્ષ બનાવ્યો હોવા છતાં તેઓ ગ્રામીણ બેંક સાથે જોડાયેલા હતા. તેના પર ગ્રામીણ બેંક છોડવાનું દબાણ વધવા લાગ્યું. તેમની પાર્ટીમાં રાજકારણ સાથે જોડાયેલા કોઈ લોકો નહોતા, જેના કારણે આ પાર્ટી કોઈ ખાસ આકર્ષણ બનાવી શકી ન હતી. આટલું જ નહીં, તે હવે નેતાઓની આંખોમાં પણ ખટકવા લાગ્યો હતો. શેખ હસીનાએ યુનુસને રાજકારણ માટે ખતરો ગણાવ્યો હતો. નામ લીધા વિના તેમણે કહ્યું, "રાજકારણમાં નવા આવનારાઓ ઘણીવાર ખતરનાક હોય છે. તેમને શંકાની નજરે જોવું જોઈએ. તેઓ દેશને સારા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે." પાર્ટીની સ્થાપનાના માત્ર 76 દિવસ બાદ 3 મેના રોજ યુનુસે પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. રાજકારણને અલવિદા કર્યા પછી પણ શેખ હસીનાએ તેમને દુશ્મન માનવાનું ચાલુ રાખ્યું. 2008માં સરકાર બનાવ્યા બાદ તરત જ હસીનાએ યુનુસ બાદ તપાસ એજન્સીઓને તહેનાત કરી હતી. યુનુસના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા. તેમના પર સરકારને જાણ કર્યા વિના વિદેશથી પૈસા લેવાનો અને ટેલિકોમ નિયમોનો ભંગ કરવાનો આરોપ હતો. યુનુસ સામે તેની જ કંપનીના સ્ટાફે કેસ કર્યો હતો. શેખ હસીનાએ હવે યુનુસ પર ખુલ્લેઆમ પ્રહારો શરૂ કર્યા છે. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ત્યારે તે અમેરિકન એમ્બેસીમાં છુપાઈ ગયો હતો
શેખ હસીનાનો આરોપ છે કે યુનુસ ગરીબોને ઊંચા વ્યાજે લોન આપે છે. તેઓ ગરીબોના મદદગાર નથી, પરંતુ તેઓ ગરીબોનું લોહી ચૂસી રહ્યા છે. આ પછી, 2011માં, તેને તેની પોતાની ગ્રામીણ બેંકમાંથી બળજબરીથી કાઢી મૂકવામાં આવ્યો. એવું કહેવાય છે કે નિવૃત્તિની વય 60 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ તેઓ ગ્રામીણ બેંકના મેનેજિંગ ડિરેક્ટર હતા. હસીનાએ યુનુસને વિદેશી તાકાતની કઠપૂતળી ગણાવ્યા હતા. જ્યારે પણ દેશમાં કંઇક ખોટું થાય તો તે યુનુસ પર દોષારોપણ કરતા હતા. 2012માં, વિશ્વ બેંકે પદ્મા (ગંગા) નદી પર પુલ બનાવવા માટે ભંડોળ આપવાનો ઇનકાર કર્યો હતો. આનાથી હસીના એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે કહ્યું કે યુનુસે પોતાના સંબંધોની ઉપયોગ કરીને વિશ્વ બેંકને ગેરમાર્ગે દોરી. જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ યુનુસને ઢાકામાં યુએસ એમ્બેસીમાં પરિવાર સાથે થોડો સમય છુપાઈને રહેવું પડ્યું હતું. દસ વર્ષ બાદ વર્ષ 2022માં પદ્મા નદી પરનો પુલ તૈયાર થયો હતો. આ પછી, અવામી લીગની બેઠકમાં શેખ હસીનાએ કહ્યું કે યુનુસને પદ્મા નદીમાં ડૂબાડી દેવો જોઈએ અને જ્યારે તેના શ્વાસ રુંધાય, ત્યારે તેને પુલ પર પાછો ખેંચી લેવો જોઈએ, જેથી તે પાઠ ભણી શકે. પિતાના કટ્ટર સમર્થક, પુત્રીના દુશ્મન બન્યા
શેખ હસીના અને મોહમ્મદ યુનુસ વચ્ચે હંમેશા દુશ્મની ન હતી. 1997માં યુનુસે અમેરિકામાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં હસીનાને કો-ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આમાં હસીનાએ યુનુસના ખૂબ વખાણ કર્યા હતા અને તેમને દુનિયામાંથી ગરીબી દૂર કરનાર કહ્યા હતા. યુનુસ શેખ હસીનાના પિતા શેખ-મુજીબુર-રહેમાનના કટ્ટર સમર્થક હતા. ટેનેસીમાં ભણાવતી વખતે, યુનુસે બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધ વિશે જાગૃતિ લાવવા માટે એક અખબાર શરૂ કર્યું, પરંતુ પદ માટે લડવાના તેમના નિર્ણયથી શેખ હસીના સાથેના તેમના સંબંધોમાં તણાવ આવ્યો. જાન્યુઆરી 2024માં યુનુસ વિરુદ્ધ 100થી વધુ કેસ પેન્ડિંગ હતા. કોર્ટે તેને ભ્રષ્ટાચારના કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. મોહમ્મદ યુનુસે શેખ હસીનાને બાંગ્લાદેશમાં લોકશાહીની હત્યારી ગણાવી છે. તેમનું કહેવું છે કે હસીના ભારતના ઈશારે તાનાશાહ બની ગયા અને બાંગ્લાદેશમાં બળજબરીથી સત્તા મેળવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.