શહેરમાં 7 દિવસમાં ટાઈફોઈડના 5, ડેન્ગ્યુના 4 અને કમળાનો એક કેસ
મિશ્ર હવામાનના લીધે શહેરીજનોનું આરોગ્ય લથડ્યું પાણીજન્ય અને મચ્છરજન્ય બંને પ્રકારના રોગચાળાએ તંત્રને દોડાવ્યું
રાજકોટ શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે. એક જ સપ્તાહમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગની સંખ્યા એક જ સપ્તાહમાં બમણીથી પણ વધારે થઈ ગઈ છે જેથી તંત્રને દોડવું પડ્યું છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે.
મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર તા.15થી 22 દરમિયાન ડેન્ગ્યુના 4 કેસ નોંધાયા છે. જોકે આ વખતે એક જ સપ્તાહમાં ટાઈફોઈડના 5 અને કમળાનો પણ એક કેસ આવ્યો છે. ગત સપ્તાહે કોલેરાના કેસ આવ્યા હતા અને હવે ટાઈફોઈડ અને કમળો પણ દેખાયો છે. વરસાદની પેટર્નને કારણે એક તરફ મચ્છરોનો ત્રાસ વધ્યો છે અને સાથે સાથે હાલ જળસ્રોતોમાં સ્તર ઘટતા પાણીજન્ય રોગચાળો પણ વધ્યો છે. આ ઉપરાંત મિશ્ર હવામાનને કારણે વાઇરલ રોગ પણ વધ્યા છે. મનપાના આરોગ્ય કેન્દ્રમાં એક જ સપ્તાહમાં શરદી-ઉધરસના 1162, સામાન્ય તાવના 488 અને ઝાડા-ઊલટીના 452 કેસ નોંધાયા છે. તબીબોએ જણાવ્યું છે કે, હાલની સિઝનમાં આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડે છે તેથી ખાસ કરીને ખોરાક પર ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. બહારનો ખોરાક તદન બંધ કરવો જોઇએ અને ઘરનો તાજો રાંધેલો ખોરાક જ આરોગવો જોઈએ. આ ઉપરાંત લોકોએ શરીર પૂરતું ઢંકાઈ તેવા કપડાં પહેરવા જોઈએ અને ખાસ કરીને બાળકોને મચ્છર કરડી ન જાય તેની તકેદારી રાખવી જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.