ચાલુ સપ્તાહમાં સૌરાષ્ટ્ર- ગુજરાતમાં વરસાદનો સારો-સાર્વત્રિક રાઉન્ડ
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૨ જુલાઈ સુધીની આગાહી: શુક્રવાર સુધીમાં જ સારો વરસાદ વરસવાની શકયતા
ગુજરાતમાં ચોમાસાના આગમનને સવા મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં સાર્વત્રિક વરસાદની ગેરહાજરી રહી છે ત્યારે હવે તા.૧૯ને શુક્રવાર સુધી રાજયભરમાં વરસાદનો સારો રાઉન્ડ વરસવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજયમાં સારા વરસાદ માટે સાનુકુળ સિસ્ટમ સર્જાઈ છે. ચોમાસુ ધરી જેસલમેર, કોટા, ગુના, સાગર, પુરી થઈને મધ્યપુર્વ બંગાળની ખાડી તરફ લંબાઈ છે. આ સિવાય ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉતર કેરળ સુધી સક્રીય છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને તેને લાગુ ઓરિસ્સા-ઝારખંડ પર ૫.૮ કી.મી.નું અપરએર સાયકલોનીક સરક્યુલેશન છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આવતા ચારેક દિવસ ચોમાસુ ધરી દરિયાઈ સપાટીથી ૧.૫ કી.મી.ના લેવલમાં નોર્મલથી દક્ષિણે રહેશે અને તે દરમ્યાન ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં આવવાની સંભાવના છે. આ જ રીતે બંગાળ બાજુથી આવતી સીસ્ટમ અને ગુજરાત પર સર્જાનારા અપરએર સાયકલોનીક સરકયુલેશન સાથે એક બહોળુ સરકયુલેશન અથવા ટ્રફ ૩.૧ કી.મી.ના લેવલમાં સર્જાવાની સંભાવના છે. આ તમામ સાનુકુળ પરીબળોના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર- કચ્છ અને ગુજરાતમાં ૧૫થી૨૨ જુલાઈ દરમ્યાન વરસાદનો સારો રાઉન્ડ સર્જાવાની સંભાવના છે. મુખ્યત્વે ૧૯મી જુલાઈ સુધીમાં સારો વરસાદ વરસી શકે છે. આ દરમ્યાન અનેક ભાગોમાં વરસાદના એકથી વધુ રાઉન્ડ આવી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં બે થી ચાર ઈંચ વરસાદની શકયતા છે જયારે છુટાછવાયા અપરએર સાયકલોનીક સરકયુલેશનની સીધી અસર ધરાવતા ભાગોમાં ૮ ઈંચ સુધીનો વરસાદ પણ થઈ શકે છે. તા. ૧૭ જુલાઈથી પવનનું જોર પણ વધવાની સંભાવના છે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.