દોઢ ઇંચ વરસાદમાં ફરી રાજકોટ જળબંબાકાર : રાજમાર્ગો ફરી ડૂબ્યા..
રાજકોટમાં ગઇકાલે સાંજે હળવા-ભારે ઝાપટારૂપે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. છ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ અંધારૂ થયું ત્યાં સુધી ધીમી ગતિએ ચાલુ રહેતા વધુ એક વખત શહેરના 150 ફુટ રીંગ રોડ સહિતના માર્ગો પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાત્રે ટ્રાફિકની અવરજવરના સમયે પાણી ભરાતા અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા.
સૌરાષ્ટ્રની સાથે રાજકોટ શહેરમાં પણ ચોમાસુ બેસી ગયું છે પરંતુ હજુ નોંધપાત્ર વરસાદ વરસતો નથી. અગાઉ પણ પોણોથી એક ઇંચ જેટલો વરસાદ વરસતા ત્યારે પણ પાણી ભરાવાની સમસ્યા ઓવરફલો થઇ હતી. બાદમાં ગઇકાલે સાંજે ભારે બફારા વચ્ચે ધીમો વરસાદ શરૂ થતા રાત્રે તો ધોધમાર વરસાદ આવશે તેવી આશા હતી પરંતુ બેક કલાકમાં માંડ વરસેલા દોઢેક ઇંચ વરસાદના કારણે પણ પૂરની જેમ પાણી નીકળી ગયા હતા.
150 ફુટ રોડ પર જયાં શહેરના સૌથી વધુ બ્રીજ બંધાયેલા છે તે પુલના ખુણા પર ઉ5રથી આવતું પાણી ધોધની જેમ વહેતુ હતું. દરેક ચોકમાં પાણી ભરાયેલા દેખાતા હતા. સાંજે 6 થી 8 વાગ્યા વચ્ચે કામકાજથી અવરજવર કરતા વાહન ચાલકો કલાકો સુધી ફસાઇ ગયા હતા. રૈયા ચોક, મવડી ચોક, નાણાવટી ચોક, રામાપીર ચોક, ઉમિયા ચોક, નાના મવા ચોક, રૈયા ટેલીફોન એકસચેંજ ચોકમાં વધુ એક વખત પાણીના ભરાવા સાથે વાહનોની લાઇન લાગી ગઇ હતી. ટ્રાફિક પોલીસ પણ આ ટ્રાફિક કલીયર કરાવવામાં થાકી ગઇ હતી.
દર વર્ષે મહાપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અને તેનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ ચોમાસામાં રાજમાર્ગથી માંડી વોંકળા સુધી આ કામગીરી ધોવાઇ ગયેલી જોવા મળે છે. હવે તો મહાપાલિકા તંત્રએ સીસીટીવી કમાન્ડ સેન્ટરમાં જ કંટ્રોલ રૂમ બનાવી લીધો છે. તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પાણી ભરાવાની હાલત સ્ક્રીન પર જોઇ શકે છે. જયાં પહેલા મદદની જરૂર હોય ત્યાં ટીમો દોડાવે છે. પરંતુ સામાન્ય વરસાદ પડે ત્યારે પણ પાણી ભરાઇ જતું હોય હવે તો આવા ચોકે ચોકે કાયમી ટીમ રાખવી પડે તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે.
શહેરમાં હજુ સુધી લોકો વરસાદી પાણી ભરાયાની ફરિયાદો કરે એટલો વરસાદ તો પડયો નથી. પરંતુ જયારે રાજકોટમાં પાંચ-દસ ઇંચ જેટલો વરસાદ પડશે ત્યારે શું થશે તેવો સવાલ અવારનવાર ટ્રાફિક જામમાં ફસાતા વાહન ચાલકો કરી રહ્યા છે. રાજકોટમાં આમ તો ભારે ઝાપટુ આવે તો પણ વાહન ચાલકોને ન દેખાય તેવા ખાડામાં પાણી ભરાઇ જાય છે અને અનેક વખત વાહનો સ્લીપ થવાના બનાવ બને છે. પરંતુ વરસાદના કારણે ૧૫૦ ફુટ રોડ પર આવો ટ્રાફિક જામ થાય ત્યારે રાજકોટની હાલત અમદાવાદ અને મુંબઇ જેવી જ હોય તેવું દ્રશ્યો પરથી દેખાય છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.