ચૂંટણી:ફ્રાન્સમાં ડાબેરી પાર્ટીને સૌથી વધુ સીટ 66 વર્ષ પછી કોઈ પક્ષને બહુમત નહીં - At This Time

ચૂંટણી:ફ્રાન્સમાં ડાબેરી પાર્ટીને સૌથી વધુ સીટ 66 વર્ષ પછી કોઈ પક્ષને બહુમત નહીં


ફ્રાન્સનાં ચૂંટણી પરિણામોમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. ફ્રાન્સના ઇતિહાસમાં 66 વર્ષ પછી આવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામ પછી પેરિસ સહિત 10 શહેરમાં રમખાણો ફાટી નીકળ્યાં છે. અનપેક્ષિત રીતે પહેલા ક્રમે આવેલી લેફ્ટ અને ત્રીજા ક્રમે સરકેલી દક્ષિણપંથી નેશનલ રેલીના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. અનેક ઠેકાણે આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ બની હતી. પેરિસમાં 30 હજાર પોલીસકર્મી તૈનાત કરી દેવાયા છે. વૈચારિક દૃષ્ટિએ વહેંચાયેલા ફ્રાન્સમાં રાજકીય અવરોધની સ્થિતિ સર્જાઈ છે. ફ્રાન્સના સંસદીય ચૂંટણીના બીજા ચરણના પરિણામ આવ્યા પછી દક્ષિણપંથી નેશનલ રેલી (આરએન) પાર્ટીના મુખ્યાલય પર સન્નાટો છવાયો છે. વળી, બીજી તરફ પ્રથમ ચરણમાં બીજા સ્થાને રહેનાર ડાબેરી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ (એનપીએફ)ના કાર્યકર્તા વધારે જુસ્સામાં છે. તેમની રણનીતિ અને યોગ્ય તાલમેલથી ન માત્ર નેશનલ રેલી પાર્ટીને બહુમત મેળવતા અટકાવી પરંતુ તે પાર્ટીને ત્રીજા સ્થાને પહોંચાડી દીધી હતી. યુરોપિયન સંસદ માટેના વોટિંગમાં દક્ષિણપંથી નેશનલ પાર્ટીને બહુમત મળ્યા બાદ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તા.9 જૂને સંસદીય ચૂંટણીની ઘોષણા કરી દીધી હતી. પરંતુ એવું તો શું થયું કે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં સૌથી આગળ રહેનારા દક્ષિણપંથી સંસદીય ચૂંટણીના બીજા તબક્કાના પરિણામ આવતાં આવતાં બધાથી પાછળ પડી ગયા હતા. રણનીતિ... 4 લેફ્ટ પાર્ટીએ સાથે મળી 10 જૂને એનપીએફ ગઠબંધન બનાવ્યું હતું
રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમવાર આ ચૂંટણીમાં ડાબેરીઓ એકજૂટ થયા હતા. ઈયુ સંસદના રિઝલ્ટ પછી દક્ષિણપંથી લી પેનની નેશનલ રેલી પાર્ટીને સત્તામાંથી ઉખાડી ફેંકવા બધા ડાબેરી દળો એક થઇ ગયાં હતાં. અંદાજિત 1 માસ પહેલાં 10 જૂને 4 ડાબેરી પક્ષોએ મળીને ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ (એનપીએફ) વતી ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. એનપીએફમાં સામેલ 4 પાર્ટીમાં કમ્યુનિસ્ટ, સોશિયાલિસ્ટ, ગ્રીન્સ અને એકદમ આક્રમક ડાબેરી પક્ષ ફ્રાન્સ અનબોન્ડે સાથે મળી કામ કર્યું હતું. વાયદા... ન્યૂનતમ વેતન વધારવા, 10 લાખ નવાં મકાન અને ધનિકો ઉપર ટેક્સનો વાયદો
ડાબેરી પાર્ટીઓએ ફ્રાન્સમાં ન્યૂનતમ માસિક વેતન વધારવા, કાયદાકીય રિટાયર થવાની ઉંમર 64થી ઘટાડી 60 કરવા, આગલાં 10 વર્ષમાં 10 લાખથી વધુ એફોર્ડેબલ મકાન બનાવવા સિવાય ભોજન, ઊર્જા તથા ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજોની કિંમતોને સ્થિર રાખવાના વાયદા કર્યા હતા. રાજ્ય પરિવારો અને તેમનાં બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા દરેક ખર્ચની ચુકવણી કરશે. જેમાં કાફેટેરિયા ફૂડ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ગતિવિધિઓ સામેલ કરાઇ છે. દક્ષિણપંથી પાર્ટીઓએ ઇમિગ્રેશનમાં મોટા ઘટાડાનો વાયદો કર્યો હતો. આગળ શું: રાષ્ટ્રપતિ મેક્રોને પીએમનું રાજીનામું નામંજૂર કર્યું
ચૂંટણીનાં પરિણામમાં પોતાની પાર્ટી બહુમત હાંસલ કરવામાં નિષ્ફળ રહેતાં ફ્રાન્સના પીએમ ગેબ્રિયલ અટ્ટલે સોમવારે રાજીનામું ધરી દીધું હતું. આની વચ્ચે રાષ્ટ્રપતિભવનના સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ ગૈબિયલ અટ્ટલને હાલ પદ પર બની રહેવા કહ્યું છે. અટ્ટલે સોમવાર સવારે તેમનું રાજીનામું આપ્યું હતું પરંતુ રાષ્ટ્રપતિએ તેને સ્વીકાર કરવાની ના પાડી હતી. રાષ્ટ્રપતિએ અટ્ટલને દેશની સ્થિરતા સુનિશ્ચિત કરવા સુધી પદ પર ચાલુ રહેવા જણાવ્યું છે. તા.9થી 11 જુલાઈની વચ્ચે અમેરિકાના વૉશિંગ્ટનમાં નાટોની બેઠક યોજાવાની છે. વળી, 26 જુલાઇથી 11 ઓગસ્ટ સુધી ઓલિમ્પિક પણ યોજાવાની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.