સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા-શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે કરી પૂર્વ તૈયારીઓ: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ - At This Time

સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા-શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે કરી પૂર્વ તૈયારીઓ: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ


*ગુજરાતમાં આગામી ૭ જુલાઈ, અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ અને અન્ય દેવી-દેવતાની ૭૩ શોભાયાત્રાઓ નીકળશે*
************
*સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા-શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે કરી પૂર્વ તૈયારીઓ: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
*************
*અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાને લઈને તમામ તૈયારીઓને આપી રહ્યો છે આખરી ઓપ*
*************
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં આગામી તા. ૭ જુલાઈ અને અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ તેમજ અન્ય ૭૩ શોભાયાત્રાઓ મળી કુલ ૨૦૯ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા નીકળશે, જે ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. અમદાવાદ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમની સુરક્ષા-સલામતી તેમજ રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

તેમને જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ કરી છે. રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તાર ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર VISWAS પ્રોજેક્ટ અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત કરેલા CCTV કેમેરાના માધ્યમથી સતત નિરીક્ષણ કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રથયાત્રામાં શાંતિ-સલામતી સુનિશ્ચિત કરવા ડ્રોન આધારિત કેમેરા સીસ્ટમ અને બોડી વોર્ન કેમેરા સીસ્ટમનો મહત્તમ ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવશે. રથયાત્રા નિર્વિઘ્ન ચાલે તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ ડીપ્લોય કરવામાં આવી છે. સાથે જ એસ.આર.પી.એફ, હોમગાર્ડ, GRD અને TRBની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત શાંતિ સમિતિ અને મોહલ્લા સમિતિઓ સાથે બેઠક કરીને રથયાત્રા દરમિયાન જુદા-જુદા ધર્મના પ્રતિનિધિઓ અને સ્વયંસેવકો પોલીસની મદદમાં ઉપસ્થિત રહે તે આયોજન પણ કરવામાં આવ્યું છે.
***********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.