ભાઈજાન માટે ફિલ્મસિટીમાં સેટ બનાવાયો:આર્ટિફિશિયલ હેલિપેડ, મંદિર અને પોલીસ સ્ટેશન; નિર્માતાઓની પહેલી પસંદ છે ફિલ્મ સિટી
મુંબઈની પ્રખ્યાત ફિલ્મસિટી 520 એકરમાં ફેલાયેલી છે. અહીં એકસાથે 1-2 નહિ, પરંતુ 1000 ફિલ્મના સેટ લગાવી શકાય છે. અહીં આર્ટિફિશિયલ હેલિપેડ, મંદિર, જેલ, કોર્ટ, ગામડાં અને પિકનિક સ્પોટ છે. તમે ફકત પૈસા આપીને એક-બે ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ અહીં શૂટિંગ શરૂ કરી શકો છો. લગભગ તમામ મોટી ફિલ્મો અને શોનું શૂટ ફિલ્મસિટીમાં થાય છે. ફિલ્મસિટી બન્યાને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, શૂટિંગ માટે હવે ઘણા વિકલ્પો છે, એમ છતાં ફિલ્મસિટી નિર્માતાઓની પ્રથમ પસંદગી છે. આ એટલા માટે છે, કારણ કે અન્ય સ્થળોની તુલનામાં અહીં શૂટિંગ કરવું ખૂબ અનુકૂળ છે. જો સુરક્ષાના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ સ્થળ બેસ્ટ છે. કદાચ આ જ કારણ છે કે, સલમાન ખાન તેની આગામી ફિલ્મ 'સિકંદર'નું મોટા ભાગનું શૂટિંગ ફિલ્મસિટીમાં કરી રહ્યો છે. આ માટે અહીં 3 એકરમાં સેટ પણ બનાવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેના ઘર પર પણ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ વખતે રીલ ટુ રિયલમાં અમે મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં આવેલી 'દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી' પહોંચ્યા હતા. આ મુખ્યત્વે ફિલ્મસિટી તરીકે ઓળખાય છે. અમે ટૂરિસ્ટ પ્લેસના રણવીર સિંહ, વિદ્યા ભોંસલે અને ફિલ્મસિટી હેઠળ આવતા 'બોલિવૂડ પાર્ક'ના લોકેશન મેનેજર વિજય સાથે વાત કરી હતી. ફિલ્મ મેકર્સ માટે ફિલ્મસિટીમાં શૂટિંગ કરવું સરળ છે
ફિલ્મસિટીમાં અત્યારસુધીમાં હજારો ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. ફિલ્મસિટીમાં શૂટિંગ કરવું એ ફિલ્મ મેકર્સ માટે એક સરળ ડીલ છે. ઓરિજિનલ લોકેશન પર શૂટ કરવા જતાં અનેક પ્રકારની પરમિશન લેવી પડે છે. જો તમારે મુંબઈમાં ક્યાંક શૂટિંગ કરવું હોય તો તમારે પહેલા BMC, સ્થાનિક પોલીસ, ARTO અને ફાયરબ્રિગેડની પરવાનગી લેવી પડશે. પરવાનગી મેળવવા માટે જેટલા પૈસાનો ખર્ચ થાય છે તેટલા જ પૈસામાં ફિલ્મસિટીમાં સેટ સરળતાથી ભાડે મળે છે. ફિલ્મસિટી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.. સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફિલ્મસિટીમાં 3 એકરમાં સેટ બનાવવામાં આવ્યો
લોકેશન મેનેજર રણવીર સિંહે જણાવ્યું હતું કે 'આ દિવસોમાં સલમાન ખાનની આગામી ફિલ્મ 'સિકંદર'નો સેટ ફિલ્મસિટીમાં લગાવવામાં આવ્યો છે. આ સેટ 3 એકરમાં બનાવવામાં આવ્યો છે. લખનઉ અને મુંબઈમાં સ્થિત સિક્વન્સ ફિલ્મસિટીમાં શૂટ કરવામાં આવશે.' આ પહેલાં સલમાન રિયલ લોકેશન પર ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેના જીવને જોખમ હોવાના કારણે તે મોટા ભાગે ફિલ્મસિટીમાં શૂટિંગ કરી રહ્યો છે. એક્ટરોની સેફટી સૌથી જરૂરી, આ માટે ફિલ્મસિટીમાં શૂટિંગ માટે બેસ્ટ
આ અંગે સંસ્કૃતિ ફિલ્મ્સના મેનેજિંગ ડિરેક્ટર વિદ્યા ભોંસલે કહે છે, 'એક્ટર્સને સલામતીનો અહેસાસ કરાવવો ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ ફ્રેશ માઇન્ડ સાથે શૂટિંગ કરી શકે અને તેની કામ પર નકારાત્મક અસર ન પડે.' વિદ્યાએ કહ્યું હતું કે એક્ટરોની સેફટી તેમના માટે સૌથી મહત્ત્વની છે. આ કારણોસર તબીબી અથવા અન્ય પરિસ્થિતિઓ ધરાવતા કલાકારોને ફિલ્મસિટીમાં શૂટિંગ કરવાની સલાહ આપવામાં આવે છે. ફિલ્મસિટીમાં કલાકારો કે ક્રૂ માટે રહેવાની કોઈ વ્યવસ્થા નથી
વિદ્યાએ એ પણ જણાવ્યું હતું કે ફિલ્મસિટીમાં કલાકારો કે પ્રોડક્શન ટીમના રહેવાની કોઈ વ્યવસ્થા નથી. કલાકારોને રહેવા માટે ત્યાં વેનિટી વેનની એન્ટ્રીની મંજૂરી છે. બીજી તરફ જમવાની જવાબદારી પણ પ્રોડક્શન ટીમની છે. અન્ય નાની વસ્તુઓ માટે કેન્ટીન છે. લાઈવ લોકેશન પર શૂટ કરવું કેમ મુશ્કેલ છે?
જ્યારે કોઈ ફિલ્મનું શૂટિંગ રસ્તાઓ, ચાલ, શહેરો, ગામો, પહાડો અને નદીઓ પાસે થાય છે ત્યારે એને લાઈવ લોકેશન કહેવામાં આવે છે. સૌથી મોટું કામ રસ્તાઓ અને ચાલ જેવાં શૂટિંગ સ્થળો પર સ્થાનિક લોકોને મેનેજ કરવાનું છે. સેલેબ્સને જોઈને ભીડ બેકાબૂ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, આપણે મુંબઈમાં ડોંગરી અને ધારાવી જેવાં સ્થળોનો દાખલો લઈએ. જો અહીં કોઈ ફિલ્મનું શૂટિંગ કરવું હોય તો અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ કારણોસર ફિલ્મ મેકર્સ ફિલ્મસિટી તરફ વળે છે. ફિલ્મસિટીમાં જ આર્ટ ડિરેક્ટર લાઈવ લોકેશન જેવો સેટ બનાવે છે. કલાકારો ભીડભાડવાળાં સ્થળોએ શૂટિંગ કરવાથી દૂર રહે છે
શું ક્યારેય એવું બને છે કે કલાકારો કોઈ ચોક્કસ લોકેશન પર શૂટિંગ કરવાનો ઇનકાર કરે? જવાબમાં વિદ્યા કહે છે, 'આવું ઘણી વખત થયું છે. ઉદાહરણ તરીકે, અત્યારે શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ 'દેવા' માટે શૂટિંગ કરી રહ્યો છે. થોડા દિવસો પહેલાં તેનું માર્કેટમાં શૂટિંગ કરવાનું હતું, પરંતુ ત્યાં ભીડ જોઈને તે શૂટ કરતાં ડરી ગયો હતો અને અસલામતીનો અનુભવ કરવા લાગ્યો હતો. અમે શાહિદને ઘણું સમજાવ્યું કે તે એકદમ સુરક્ષિત રહેશે. અહીં તેના માટે કોઈ જોખમ રહેશે નહીં. અમે સમગ્ર લોકેશનને સારી રીતે લોક કરી દીધું. બાઉન્સરો દરેક જગ્યાએ તહેનાત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ વિશ્વાસ કરી શકે કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ પછી તેણે શૂટ કર્યું હતું. ફિલ્મસિટી જોવા આવેલા લોકોએ રણબીરનો લુક રિવીલ કરી દીધો હતો
હાલમાં જ રણબીર કપૂરની આગામી મેગા બજેટ ફિલ્મ 'રામાયણ'નો એક લુક સામે આવ્યો છે. ભગવાન રામના રોલમાં તેનો લુક દરેક જગ્યાએ વાઇરલ થયો હતો. સવાલ એ હતો કે જ્યારે સેટ પર કોઈ ફોન પોલિસી ન હતી તો પછી તેનો લુક કોણે જાહેર કર્યો? ખરેખર, ફિલ્મસિટી જોવા આવેલા લોકોમાંથી કોઈએ દૂરથી રણબીર કપૂરનો ફોટો લીધો હતો. આ પછી લગભગ તમામ મીડિયા ગ્રુપએ એને બ્રેકિંગ ન્યૂઝ તરીકે ચલાવ્યું. ફિલ્મસિટીની અંદર એક અનોખો 'બોલિવૂડ પાર્ક'
ફિલ્મસિટીની અંદર 'બોલિવૂડ પાર્ક' નામની જગ્યા પણ છે. આ એક પ્રકારનું પ્રવાસન સ્થળ છે. અહીં મોટા સેટ લગાવવામાં આવ્યા છે. અહીં નાટક અને વીડિયો દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લગતી માહિતી આપવામાં આવે છે. કલા અને સાહિત્યનો અદ્ભુત સંગમ અહીં જોવા મળે છે. હાલમાં ફિલ્મસિટીમાં રેલવે સ્ટેશન અને એરપોર્ટનો કોઈ સેટ નથી
રણવીરે કહ્યું હતું કે હાલમાં ફિલ્મસિટીમાં રેલવે સ્ટેશન અને એરપોર્ટનો કોઈ સેટ નથી. આવી સ્થિતિમાં વિદ્યા સાથે મળીને મુંબઈના બોરીવલી અને નાયગાંવમાં આવા બે સેટ બનાવ્યા છે. આ બંને જગ્યાએ રેલવે અને એરક્રાફ્ટ સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે. આ બંને જગ્યાએ રેલવે અને ફ્લાઈટના સીન શૂટ કરવામાં આવ્યા છે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ક્રૂ'નું શૂટિંગ પણ એરક્રાફ્ટ સ્ટુડિયોમાં થયું છે. ફિલ્મસિટીની સ્થાપના 1977માં થઈ હતી
ફિલ્મસિટીની સ્થાપના 1977માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. ફિલ્મસિટીની સ્થાપના માટે 1970માં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં દિવંગત ફિલ્મ-નિર્માતા બી.આર. ચોપરા, અભિનેતા દિલીપ કુમાર અને દિગ્દર્શક વી. શાંતારામ. 2001માં તેનું સત્તાવાર નામ ભારતીય સિનેમાના પિતા દાદાસાહેબ ફાળકેના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.