ઉપલેટામાં ફેમલી કોર્ટ બાબતે ચાલી રહેલી વકીલોની હડતાલનો સુખદ અંત: આજથી રાબેતા મુજબ કામગીરી શરૂ - At This Time

ઉપલેટામાં ફેમલી કોર્ટ બાબતે ચાલી રહેલી વકીલોની હડતાલનો સુખદ અંત: આજથી રાબેતા મુજબ કામગીરી શરૂ


રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ તરફથી મળેલા પોઝિટિવ જવાબને માન આપી હડતાલ સમેટાઈ

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૧ જૂન ૨૦૨૪, તાજેતરની અંદર ન્યાયતંત્ર દ્વારા વિવિધ રીતે ફેમિલી કોર્ટની ફાળવણી કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફેમિલી કોર્ટ ફાળવી દેવાતા ઉપલેટા વકીલ મંડળની અંદર ઉપલેટા પંથકની પ્રજાના હિતને ધ્યાને લઈએ ૦૧ જુન ૨૦૨૪ થી અચોક્કસ મુદત માટેની હડતાલ શરૂ કરી હતી જેમાં આ હડતાલ પર ઉતરેલા વકીલોની માંગણીઓ અને રજૂઆતો અંગે રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ તરફથી પોઝિટિવ અને સંતોષકારક જવાબ મળ્યો હતો જે બાદ રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ તરફથી મળેલા સંતોષકારક જવાબને ઉપલેટા વકીલ મંડળે આવકારીને ઉપલેટા વકીલ મંડળની ચાલી રહેલી અચોક્કસ મુદતની હડતાલનો હાલ અંત આવ્યો છે.

આ અંગે માહિતી આપતા ઉપલેટા વકીલ મંડળના પ્રમુખ અને એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉપલેટા તાલુકો રાજકોટ જીલ્લાનો છેવાડાનો તાલુકો છે. ઉપલેટાની પ્રજાને ન્યાયાલય તથા અન્ય સરકારી ઓફીસોની ફાળવણીમાં અન્યાય થતો રહે છે. ઉપલેટામાં વિશાળ વિસ્તારમાં ન્યાયાલય રહેલ હોય તથા ઉપલેટામાં એક સાથે ચાર કોર્ટે ચાલી શકે તેવું બાંધકામ રહેલ હોવા છતા ઉપલેટાને પુરતી કોર્ટે ફાળવવામાં આવેલ નથી જેથી ઉપલેટા તાલુકાને મંજુર થયેલ સીનીયર ડીવીઝન કોર્ટ તથા મીહીનામાં ૧૫ દીવસ ફેમીલી કોર્ટ તત્કાળ કાળવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી હતી. આ રજુઆત બાદ ઉપલેટા બાર એસોસિયેશન દ્વારા ઉપલેટા તાલુકાની પ્રજાના હીતમાં તત્કાલ નીર્ણય લેવામાં આવેલ હતો જેમાં આ બાબતે ઉપલેટા તાલુકાની પ્રજાના હીત માટે ઉપલેટા વકીલ મંડળે કરેલ તા.૧૮/૦૫/૨૦૨૪ ના ઠરાવ મુજબના મુદાઓનુ નીરાકરણ કરવામાં નહી આવે તો ઉપલેટા વકીલ મંડળ તા.૦૧/૦૬/૨૦૨૪ થી અચોક્કસ મુદત માટે ઠરાવ કરી હડતાલ પર ઉતર્યા હતા ત્યારે આ બાબતે રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ વી.બી. ગોહિલ દ્વારા ઉપલેટા ઉપલેટા કોર્ટને ફેમિલી લિંક ફાળવવામાં આવશે તેવી ખાતરી આપતા ઉપલેટા વકીલ મંડળે રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજની ખાતરીને માન આપી હડતાલ સમેટી લીધી છે.

આ અંગે ઉપલેટા વકીલ મંડળના પ્રમુખે વધુમાં જણાવ્યું છે કે, ઉપલેટાની પ્રજાને ફેમિલી લિંક કોર્ટ વહેલી તકે શરૂ કરવામાં આવશે તેવી હકારાત્મક ખાતરી મળતા હાલ આ હડતાલને સમેટીને હવેથી રાબેતા મુજબ વકીલો પોતાની તમામ કામગીરીઓ શરૂ કરશે તેવું જણાવ્યું છે. આ સાથે જ આગામી દિવસોમાં જો આપવામાં આવેલી ખાતરીનું અમલ નહીં કરવામાં આવે તો પુનઃ હડતાલ અંગેની વિચારણા પણ કરવામાં આવશે તેવો ઠરાવ કરવામાં આવ્યો હોવાની માહિતીઓ આપી છે. આ હડતાલની બાબતમાં રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ વતી ઉપલેટા નામદાર કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એ.એ. દવેએ ઉપલેટાના વકીલોને સમજાવી હકારાત્મક પરિણામ લાવવા માટેનો પણ પ્રયત્ન કરેલ હતો જેથી રાજકોટ નામદાર ડિસ્ટ્રિક્ટ જજ વી.બી. ગોહિલ તેમજ ઉપલેટાના પ્રિન્સિપાલ જજ એ.એ. દવેની હકારાત્મક ખાતરીને માન આપી હડતાલ સમેટી લેવામાં આવી છે અને આજ તા. ૧૦ જુન ૨૦૨૪ થી રાબેતા તમામ વકીલો પોતાની કામગીરી શરૂ કરવાનો સર્વાનુંમતે નિર્ણય લીધો હોવાનું ઉપલેટા બારના પ્રમુખે જણાવ્યું છે.

અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.