રૂપાલાની જીતથી રાજકોટના રાજકારણમાં નવો વાયરો ફૂંકાશે
લોકસભાની ચૂંટણી જાહેર થઇ તે પહેલાં રાજકોટ ભાજપમાંથી અનેક નામાંકિત ચહેરાઓના નામ ઉમેદવાર તરીકે ચર્ચાતા હતા, પરંતુ સૌ કોઇના આશ્ચર્ય વચ્ચે ભાજપે પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા હતા અને આજે જાહેર થયેલા પરિણામમાં રૂપાલાની ભવ્ય જીત થઇ છે. રૂપાલાની જીત સાથે જ રાજકોટના રાજકારણમાં નવો વાયરો ફૂંકાશે.
રૂપાલાની એન્ટ્રી રાજકોટના અનેક રાજકીય માથાંઓને પસંદ પડી નહોતી, પરંતુ પ્રદેશ અને કેન્દ્રીય નેતાગીરીની ઇચ્છાથી રૂપાલા આવ્યા હોય તેમનો જાહેર વિરોધ કરવો શક્ય નહોતો. રૂપાલા સામે આંદોલન ચાલુ થયું ત્યારે કેટલાક આગેવાનોએ પડદા પાછળ રહીને આંદોલનને હવા આપ્યાની વાત પણ ચર્ચાતી રહી છે. મતદાન અને મતગણતરી પૂરી થયા બાદ રૂપાલા રેકોર્ડબ્રેક લીડ સાથે વિજેતા બન્યા છે. રૂપાલાની જીતથી રાજકોટના જૂના અને જાણીતા રાજકીય માથાંઓનું પ્રભુત્વ ઘટશે તેમાં બેમત નથી. કુંડારિયા રાજકોટથી લડ્યા અને સાંસદ બન્યા તે આયાતી હતા તેમ રૂપાલા પણ આયાતી છે, પરંતુ રૂપાલા કેન્દ્રીય મંત્રી હતા ત્યારે તેમના નામની જાહેરાત થઇ છે. તેઓ ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી સાથે સીધા સંકળાયેલા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.