365 થી વધુ કલાકારોએ હરિ કૃષ્ણ અને સોમનાથ મહાદેવની કલા સાધના કરી
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ભારતમાં કલા અને સાહિત્યનું સંવર્ધન કરનારી "સંસ્કાર ભારતી" સંસ્થા દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે પ્રભાતોત્સવના નામથી સંસ્કૃતિ અને કલા પ્રસ્તુત કરી પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર શ્રીકૃષ્ણ અને દેવાધિદેવ સોમનાથ મહાદેવની કલા સાધના કરવામાં આવી. ચૈત્ર માસની એકમ એટલેકે પ્રતિપદાથી હિન્દુ વર્ષનો પ્રારંભ થતો હોય છે. ત્યારે ભારતના અનેકવિધ રાજ્યની વૈવિધ્યસભર સંસ્કૃતિ સોમનાથના શ્રી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે પ્રસ્તુત કરવામાં આવી હતી.
સોમનાથ પ્રોમોનેડ વોકવે થી લઇ શ્રી રામ મંદિર સુધી ઢોલ શરણાઈના નાદ સાથે કળા યાત્રા નીકળી હતી અને 365 કલાકારો સહિત આયોજકો શ્રી રામ મંદિર ઓડિટોરિયમ પહોંચ્યા હતા. આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ગીર સોમનાથ જીલ્લા કલેકટર શ્રી ડી ડી જાડેજા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના આચાર્ય શ્રી નરેન્દ્રભાઇ પંડ્યા, સહિત ગીર સોમનાથ અધિક કલેકટર શ્રી રાજેશ આલ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ તકે મહાનુભાવો દ્વારા વ્યક્તિ માત્રના જીવનમાં કલા, સંગીત અને સંસ્કૃતિના મહત્વ વિશે ઉદબોધન કરવામાં આવેલ અને કલા ની અનિવાર્યતા વિશે સૌને માહિતી આપવામાં આવેલ.
સંસ્કાર ભારતીના 365 થી વધુ નિપુણ કલાકારો દ્વારા લોકસંગીત, લોક નૃત્ય, ભાતીગળ રાસ ગરબા, દક્ષિણ ભારતના શાસ્ત્રીય નૃત્યો જેવા કે કથક, કુચીપુડી, ભરતનાટ્યમ સહિત લોકસાહિત્ય અને શાસ્ત્રીય સંગીતની કલાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. 365 થી વધુ કલાકારો દ્વારા પોતાની કલાકૃતિ રૂપી ભક્તિથી સોમનાથ મહાદેવ અને શ્રીકૃષ્ણનો ભક્તિ અભિષેક કરવામાં આવ્યો હતો.
ફાગણવદ અમાવસ્યાના સૂર્યાસ્તથી શરૂ થયેલ પ્રભાસોત્સવ સ્વરૂપી કલા સાધના ચૈત્રી પ્રતિપદા ના સૂર્યોદય સુધી અવિરત ચાલુ રહી હતી. વહેલી સવારે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સૂર્યના પેહલા કિરણના વધામણા કરીને આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગ સાથે સમગ્ર રાજ્ય ભરના શીર્ષ અને નિપુણ કલાકારોને સંકલન કરીને સંસ્કાર ભારતી સંસ્થાન દ્વારા ગુજરાત પ્રાંત અધ્યક્ષ અભેસિંહજી રાઠોડ, ઉપાધ્યક્ષ રમણીકભાઈ ઝાપડિયા, મહામંત્રી જયદીપસિંહ રાજપૂત દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.