દીકરીની મદદે દાતાઓ આવ્યા: જસદણમાં કિડનીની બીમારીથી પીડાતી 30 વર્ષીય દીકરીની મદદે દાતાઓ દોડી ગયા અને મદદની ખાતરી આપી
પરિવારે દીકરીની સારવાર પાછળ પોતાના ગામડે બોઘરાવદર રહેલ ખેતીની 9 વીઘા જમીન પણ વેચી દીધી.
ઘરના સભ્યોમાંથી કોઈ એક સભ્ય જેની પણ કિડની મેચ થાય તે આપવા તત્પર છે, ઓપરેશન માટે કરવાનો થતો લાખો રૂપિયાનો ખર્ચ કરવા માટે દાતાઓ આગળ આવ્યા.
જસદણ શહેરના અંબિકાનગરમાં રહેતા વલ્લભભાઈ ડોબરીયાની 30 વર્ષીય દીકરી રૂપલની બન્ને કિડની ફેઈલ થઈ જતા મોતના દ્વારે ઉભી-ઉભી લોહીના આંસુએ રડી રહી હતી અને પાટીદાર સમાજની દીકરી મદદ માટે પોકાર કરી રહી હતી. આ અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતા બાબરાના ચમારડીના દાનવીર ભામાશા ગોપાલભાઈ ચમારડીવાળા તેમજ જસદણના સેવાભાવી આગેવાનો ઘનશ્યામભાઈ સતાણી(વર્ણીરાજ હોટેલવાળા), હરેશભાઈ ધાધલ(આદિત્ય ગેસ્ટહાઉસવાળા), નરેશભાઈ ચોહલીયા પુર્વ નગરસેવક તથા એ.પી.એમ.સી.ના પૂર્વ ડીરેક્ટર અને સામાજિક આગેવાન દિપકભાઈ રવિયા સહિતના આગેવાનો તાત્કાલિક બીમારીથી પીડાતી દીકરીની મદદે દોડી ગયા હતા અને દીકરીને સારામાં સારી હોસ્પિટલમાં કીડનીની સારવાર અપાવવાની તમામ મદદ કરવાની બાંહેધરી આપતા પરિવારજનોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના મૂળ બોઘરાવદર ગામના વતની એવા લેવા પાટીદાર પરિવારના વલ્લભભાઈ ડોબરીયાનો પરિવાર જસદણમાં અંબિકાનગર વિસ્તારમાં રહે છે. તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. જેમાં મોટી દીકરીને પરણાવી સાસરે વળાવી દીધી છે. જ્યારે નાની દીકરી રૂપલ(ઉ.વ.30) કે જેનો સંબંધ વેવિશાળ થઈ ગયેલ અને એ દરમિયાન કિડનીને લગતી બીમારીની શરૂઆત થથતા સાસરીયા પક્ષ દ્વારા આ દીકરીની બીમારી વધતી જતી હોવાનું જણાતા અમાનવીય રીતે સંબંધ પણ તોડી નાખવામાં આવેલ છે. રૂપલ ઉપર તો એક ક્રૂર કુદરતનો ઘા અને બીજો આ સ્વાર્થી સમાજ દ્વારા કરવામાં આવેલો કારમો અંગત ઘા એટલે હિંમત હારી ગઈ છે અને ડિપ્રેશનમાં જતી રહેલ હતી. રૂપલને છેલ્લા 6 મહિનાથી બન્ને કિડની ફેઈલ થઈ જતા એકાતરા જસદણથી રાજકોટ ડાયાલિસિસ કરાવવા જવું પડે છે. ડાયાલિસિસનો ખર્ચ તો આયુષ્યમાન કાર્ડ હોવાથી થતો નથી. પરંતુ એકાતરા રાજકોટની મુસાફરી અને આખો દિવસ ડાયાલિસિસની પ્રક્રિયા જે અત્યંત પીડાદાયક અને માનસિક રીતે ભાંગી નાંખનારી બાબતોથી આ 30 વર્ષીય દીકરી રૂપલ નાની વયે નાસીપાસ થઈ ગઈ હતી. આખો પરિવાર પણ છેલ્લા બે વર્ષથી આ અસાધ્ય રોગ માટે ઠેક-ઠેકાણે દોડધામ કરીને થાકી ગયા હતા. પોતાના એકના એક દીકરાને પરણાવવા ઘરના મકાન બનાવવા, પોતાના ગામડે બોઘરાવદર રહેલ ખેતીની 9 વીઘા જમીન પણ વેચાઈ ગઈ છે. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ કોઈપણ કાળે ક્યાંયથી આ પરિવારને પોસાય તેમ નથી. ઘરના સભ્યોમાંથી કોઈ એક સભ્ય જેની પણ કિડની મેચ થાય તે આપવા તત્પર હતો. પરંતુ આ ઓપરેશન માટે કરવાનો થતો લાખો રૂપિયાનો ખર્ચ ક્યાંથી કાઢવો એ હિમાલય જેવડા સવાલે તેના માતા-પિતાની રાતની ઊંઘ હરામ કરી દીધી હતી. આ અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ થતા બાબરાના ચમારડીના દાનવીર ભામાશા ગોપાલભાઈ ચમારડીવાળા તેમજ જસદણના સેવાભાવી આગેવાનો ઘનશ્યામભાઈ સતાણી(વર્ણીરાજ હોટેલવાળા), હરેશભાઈ ધાધલ(આદિત્ય ગેસ્ટહાઉસવાળા), નરેશભાઈ ચોહલીયા(એ.પી.એમ.સી.ના પૂર્વ ડીરેક્ટર) અને સામાજિક આગેવાન દિપકભાઈ રવિયા સહિતના આગેવાનો તાત્કાલિક બીમારીથી પીડાતી દીકરીની મદદે દોડી ગયા હતા અને દીકરીને સારામાં સારી હોસ્પિટલમાં કીડનીની સારવાર અપાવવાની તમામ મદદ કરવાની બાંહેધરી આપતા પરિવારજનો આશાનું નવું કિરણ જોવા મળ્યું હતું. રૂપલને ટૂંકા દિવસોમાં જ કિડનીની પુરતી સારવાર મળ્યા બાદ ફરીથી આનંદ કિલ્લોલ કરતી થઈ જશે તેવી સેવાભાવી આગેવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.