પંચમહાલ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો - At This Time

પંચમહાલ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો


જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે ગોધરા ખાતેથી ગુલાબનું ફૂલ અને મોં મીઠું કરાવીને વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો

વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કરાઈ વિશેષ વ્યવસ્થા

જિલ્લામાં ૫૪ પરિક્ષાકેન્દ્રો,૧૫૧૨ બ્લોક પર કુલ ૪૩,૩૦૫ વિદ્યાર્થીઓ,૧૭૦૦ ખંડ નિરીક્ષકો અને ૪૮ ઓબ્ઝર્વર સાથે પરીક્ષાઓનો પ્રારંભ

ગોધરા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની પરીક્ષાઓનો પ્રારંભ કરાયો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં
વિવિધ પરીક્ષા સ્થળો ખાતેથી અધિકારીશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પુષ્પ,તિલક અને મોં મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રવેશ કરાવ્યો હતો.

જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે એમ.એમ.મહેતા હાઇસ્કુલ ખાતેથી પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિરીટ પટેલ અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અરવિંદસિંહ પરમારે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને મોં મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ પરીક્ષા ખંડની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડે મોડેલ સ્કૂલ,શહેરા ખાતેથી વિદ્યાર્થીઓને ગુલાબ અને મોં મીઠું કરાવીને પ્રવેશ કરાવ્યો હતો તો કાલોલના ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણે એમ.જી.એસ હાઇસ્કુલ,કાલોલ ખાતે વિદ્યાર્થીઓને ગોળધાણા અને પુષ્પ આપી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાવ્યો હતો.મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે મોડેલ સ્કૂલ,મોરવા (હ) ખાતેથી વિદ્યાર્થીઓને સાકર,પુષ્પ અને તિલક કરીને પ્રવેશ કરાવ્યો હતો તો વી.એમ સ્કૂલ હાલોલ તથા એમ.એસ.હાઈસ્કૂલ હાલોલ ખાતે ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર અને ઇકબાલ યુનિયન શાળા,ગોધરા ખાતેથી ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રવેશ કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ માટે કુલ ૫૪ પરિક્ષાકેન્દ્રો,૧૫૧૨ બ્લોક પર કુલ ૪૩,૩૦૫ વિદ્યાર્થીઓ,૧૭૦૦ ખંડ નિરીક્ષકો અને ૪૮ ઓબ્ઝર્વર,૧૭૦ સરકારી પ્રતિનિધિઓ,૨ ફલાઈંગ સ્કવોડ ટીમ સાથે પરીક્ષાઓનો પ્રારંભ કરાયો છે. તમામ બિલ્ડીંગ પર સીસીટીવીથી ચાલુ પરીક્ષા દરમિયાન નિરીક્ષણ અને રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા કંટ્રોલ રૂમ,જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે કાર્યરત કરાયો છે. બાળકો શાંતિપૂર્ણ અને તણાવ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી હેલ્પલાઈન નંબર પણ શરૂ કરાયો છે.આ સાથે જિલ્લામાં પરીક્ષા સબંધિત જાહેરનામું પણ અમલી છે.

બ્યુરોચીફ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.