નાનામવા પાસે બાંધકામ સાઈટ પર વિજશોક લાગતાં રાજસ્થાની યુવકનું મોત
નાનામવા પાસે સિલ્વર નેસ્ટ સાઇટ પર બીજા માળે કોલમ ભરતી વેળાએ વાઈબ્રેટરનું વાયર લારીને અડકી જતાં રાજસ્થાની યુવકનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના ગોંડલ રોડ પર ડી-માર્ટ સામે રહેતો રોહિત સમસૂભાઈ ડામોર (ઉ.વ.19) નાના મવામાં આવેલ ટ્વીન ટાવર પાસે સિલ્વર નેસ્ટ બાંધકામ સાઇટ પર કડીયા કામ કરતો હતો. ગઈકાલે તે કોલમ ભરણનું કામ કરવા માટે સાઈટ પર ગયો હતો. ત્યારે બીજા માળે તે લારીમાં રેતી-કપચી ભરી માલ નાંખવા જતો હતો ત્યારે ત્યાં પડેલ વાઈબ્રેટરનું વાયર લારીને અડી જતાં લારીમાં વિજકરંટ લાગ્યાં બાદ યુવકને વિજશોક લાગતાં બેભાન થઈ ઢળી પડ્યો હતો.
યુવકને સાઈટ પરના કોન્ટ્રાક્ટ સહિતના લોકોએ સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં એએસઆઈ કે.યુ.વાળા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં મૃતક યુવક મૂળ રાજસ્થાનના બાંસવાડાનો વતની હતો અને ત્રણ માસ પહેલાં જ લગ્ન થયાં હતાં. તેમજ પાંચ બહેન ત્રણ ભાઈમાં નાનો હતો. બનાવથી શ્રમિક પરિવારમાં ગમગીની સાથે શોક છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.