ગૌમાતા – પર્યાવરણ રક્ષાનો પર્યાય
ગૌમાતા - પર્યાવરણ રક્ષાનો પર્યાય
સામાન્ય રીતે સૌ વૃક્ષારોપણ અને તેને સંલગ્ન પ્રવૃતિ સાથે પર્યાવરણ રક્ષાના ગીતો દ્વારા સંતોષ અનુભવે છે, પરંતુ ખરા અર્થમાં પર્યાવરણ રક્ષા એટલે જમીન, જળ, જનાવર, જંગલ અને જીવ માત્રની રક્ષા !આ સંદર્ભમાં જમીન, જળ, જનાવર, જીવ અને જંગલ બધાની રક્ષામાં જેનો મહત્વનો ફાળો છે, તે છે ગૌમાતા. આપણી ગાય. આ માટે જ ગાયને ' માતર સર્વભૂતાનામ્ ગાવ: સર્વ સુખપ્રદા:' કહી છે. ગૌમાતાનું પર્યાવરણ રક્ષામાં વિશેષ મહત્વ સમજીએ. આજે સમગ્ર વિશ્વ સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. ૨૧ મી સદીની વિકાસની ગુલબાંગો મારતા આપણે સૌ તેની ભયાનકતાથી થરથરી ઉઠીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિકાસની સાથે વિનાશનાં પણ દ્વારો ખોલી નાંખ્યા છે. વિજ્ઞાનનો અમર્યાદ સમજણ વગરનો ઉપયોગ આપણને કયાં દોરી જશે તેનો હજુ આપણને લેશ માત્ર જ અહેસાસ થયો છે. પર્યાવરણની અવગણના ને અને કારણે સમગ્ર વિશ્વમાં ન જોયા હોય, ન કલ્પયા હોય, ન સમજી શકાય તેવા કુદરતી બનાવો થી સૌ હતપ્રભ થવા લાગ્યા છે. ધરતીકંપ, ત્સુનામી, વાવાઝોડા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઠંડી-ગરમીનું ઉધું ચક્ર, હીમશીલાઓનું ઓગળવું, ઓઝોન થરમાં ગાબડા, જંગલોમાં આગ, જેવી અનેક કુદરતી આપતિઓ આજે સામાન્ય થઈ ગઈ છે. બીજી બાજુ આતંકવાદ, નક્ષલવાદ, માઓવાદથી માંડી વ્યક્તિગત કૌટુંબિક કારણોસર હત્યા, લૂંટફાટ, ચોરી, બળાત્કારથી માંડી ભૂ, વાયુ, અને જલપ્રદુષણ, ખોરાકમાં ભેળસેળ, મીડીયા દ્વારા માનસિક પ્રદુષણ, ન કલ્પી હોય તેવી બીમારીઓ અને દવાઓ, કેમીકલ્સની આડઅસરો, આ બધુ આપણને વિશ્વ વિનાશની ભયાવહકતાનું તાદશ નિરૂપણ કરતી "૨૦૧૨" ફીલ્મની યાદ અપાવે છે. એ તો સારૂ થયું છે કે ૨૦૧૨ નું વર્ષ વીતી ગયું છે. પ્રલયની અનેક આગાહીઓ ખોટી સાબિત થઈ રહી છે. અમેરીકાનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી અલ ગોરે પર્યાવરણીય અસમતુલાની પરિસ્થિતિનું નિરૂપણ કરતું પુસ્તક " The inconvenient Truth" સૌને ચેતવવા માટે લખ્યું પણ ખરૂ! વિશ્વ આજે વિકાસની દોટમાં વિનાશ તરફ વધુ ઝડપે આગળ વધી તો રહયું નથી ને ?. ૨૧ મી સદી વિકાસની બની રહેશે કે વિનાશની ? કહેવું વહેલું છે. વિનાશ તરફની ગતિ એટલી આગળ વધી જાય અને ત્યાંથી પાછા વળવાની સ્થિતિ જ ન બચે તે પહેલા જાગવું જરૂરી નથી? મહાત્મા ગાંધીને યાદ કરીને તેમની "સાદુ જીવન- ઉચ્ચ વિચાર" વાળી વિકેન્દ્રીત, સ્થાનિક, કુદરત આધારિત, સ્વાવલંબી જીવન પધ્ધતિ તરફ પાછા વળવાનો સમય આવી ગયો છે.ભારતીય જીવન પધ્ધતિમાં વ્યકિતથી માંડી પરમેષ્ટી સુધીનો જીવ માત્રના કલ્યાણની, "વસુધૈવ કુટુંમ્બકમ્ " ની " સર્વજીવ હિતાવહ,સર્વ મંગલકારી, સર્વ કલ્યાણકારી આદર્શ વ્યવસ્થા હતી જે માનવીની સાથે દરેક જીવો અને પ્રકૃતિ સાથેના તાદાત્મ્ય સાથેની ઉચ્ચ જીવન શૈલી હતી. પુનઃ આ વ્યવસ્થાને વર્તમાન સમયને અનુરૂપ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવેક પૂર્ણ ઉપયોગ સાથે અને ધર્મ - નૈતિક મૂલ્યો - આહાર-વિહાર અને સામાજીક- આર્થિક પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી એક શ્રેષ્ઠ જીવન પધ્ધતિ – સમાજ વ્યવસ્થા નિર્માણ કરવા માટે ચિંતન-મનન અને કાર્યાન્વયન કરવાનો સમય પાકી ગયો છે. જો આપણે આવનારી પેઢીઓને સુખપૂર્ણ રીતે જીવન જીવવા દેવું હોય અને સમગ્ર જીવ સૃષ્ટિને બચાવવી હોય તો ઉપરોકત માર્ગે ગયા વગર છૂટકો નથી. ગૌ માતાનું જીવન જ પર્યાવરણ રક્ષાનું ઉત્તમ સ્વરૂપ છે. ગૌમાતાનું વૈજ્ઞાનિક મહત્વ સમજીશું તો જ ગૌમાતાનું મૂલ્ય સમજમાં આવશે. ગૌમાતાનું પંચગવ્ય- દૂધ -દહીં- ધી-ગૌમૂત્રઅને ગોબર -પર્યાવરણ રક્ષા માટે જ છે.
ગાયનું દૂધ અમૃત છે. શ્રેષ્ઠ આહાર છે, આરોગ્ય માટે ઉત્તમ છે. કરોડો રૂપિયાની દવાઓનો ઉપયોગ ઘટશે, દૂધ પીવાથી ડાયાબીટીશ, હદય રોગ, પક્ષઘાત, કેન્સર, માનસિક, મગજનાં અને જીવન શૈલી બદલાવના કારણે ટેન્શનના રોગો ઘટશે. એટલે દવા અને કેમીકલની આડઅસરો ઘટશે,પરિણામ સ્વરૂપ પર્યાવરણ રક્ષા થશે. ગાયનું ઘી શ્રેષ્ઠ અને ગુણકારી છે. ગૌમૂત્ર એન્ટી બેકટીરીયલ, એન્ટી વાયરલ, એન્ટીકેન્સર ગુણો ધરાવે છે. ગૌમૂત્રનો દવામાં ઉપયોગ અનેક રોગોથી મૂક્તિ આપે છે. ગોબરનો ઉપયોગ શ્રેષ્ઠ ખાતર-બાયો ફર્ટિલાઈઝર તરીકે કરવાથી કેમીકલ ફર્ટીલાઈઝરની ઘાતક અસરોમાંથી બચી શકાય છે. પંચગવ્ય સ્વાસ્થ્યવર્ધક તો છે જ સાથે સાથે ગાય આધારિત ઔદ્યોગીક ક્રાંતિ પણ તે દ્વારા સર્જી શકાય છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.