શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટે શાળાઓના બાળકોને માટીના ગણપતિ નિર્માણ કરી પૂજન કરાવ્યું - At This Time

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટે શાળાઓના બાળકોને માટીના ગણપતિ નિર્માણ કરી પૂજન કરાવ્યું


શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટે શાળાઓના બાળકોને માટીના ગણપતિ નિર્માણ કરી પૂજન કરાવ્યું
------
આવનારી પેઢીમાં ધર્મ, આધ્યાત્મ અને પર્યાવરણ પ્રેમનું સિંચન કરવા માટે વિશેષ આયોજન
------
સોમનાથ મંદિર પરિસરમાં બેસીને નાના ભૂલકાઓએ કર્યું માટીના શ્રીગણેશનું નિર્માણ
------
સોમનાથ મંદિરના પૂજારીશ્રી એ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે બાળકોને ગણેશ પૂજન કરાવ્યું

સોમનાથ તા.26/09/2023, મંગળવાર, શ્રાવણ શુક્લ બારસ

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થમાં ગણેશ નૌરાત્ર પર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ગણપતિનાં આશીર્વાદ નાના ભૂલકાઓને મળે અને શાળાએ જતી આવતી પેઢીમાં ધર્મ, આધ્યાત્મ અને પર્યાવરણ પ્રેમનું સિંચન કરવા માટે વિશેષ આયોજન રૂપે પાર્થિવ ગણેશ નિર્માણ અને પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 8 સ્થાનિક શાળાઓ જોડાઈ હતી.

દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ સનાનાત ધર્મની આદ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. પર્યાવરણ પ્રેમ હમેશા સનાતન ધર્મના મૂળમાં રહ્યો છે. ત્યારે શાળાના બાળકો જે આવતીકાલનું ભવિષ્ય છે. તેઓ ઇકોફ્રેન્ડલી પૂજન કરે તેના માટે ટ્રસ્ટ દ્વારા પ્રેરણાત્મક આયોજન કરવામાં આવ્યું હતું.

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વૃક્ષોના મીઠા છાયામાં બાળકોને માટી,પાણી, કાર્ડબોર્ડ, સહિતની તમામ વ્યવસ્થાઓ આપવામાં આવી હતી. શાળાઓના નાના બાળકોએ શુદ્ધ ભાવનાથી ભગવાન ગણપતિની સુંદર મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું. બાળકોને સોમનાથ મંદિરમાં સંકીર્તન ભવન ખાતે માટીના ગણેશજીનું કેળના પત્તાથી બનેલ પાત્ર અને પૂજા સામગ્રી સાથે પૂજન કરવામાં આવ્યું હતું. મંદીરના પુજારિશ્રી દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર બાળકોને ગણેશજીની પૂજા કરાવવામાં આવી હતી. જેમાં શિક્ષકો પણ બાળકો સાથે જોડાયા હતા.

જોડીયા શહેર વેરાવળ અને પ્રભાસપાટણની અંકુર સૌરભ શાળા, શીશુમંદિર પ્રાથમિક શાળા, ઘીવાલા ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, પ્રભાસ પાટણ કન્યાશાળા, શીશુમંદિર ઈન્ટરનેશનલ સ્કુલ, પ્રભાસ પાટણ કુમાર શાળા, સ્વામીનારાયણ ગુરુકુળ, સરસ્વતી પ્રાથમિક શાળા સહિત કુલ 8 શાળાઓના વિદ્યાર્થીઓ સોમનાથ ટ્રસ્ટના આ આયોજનમાં જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.