ખોટા ખર્ચ ઉધારી ચાર વર્ષમાં પટેલ વેપારીને રૂ.2.27 કરોડનો ચુનો લગાડનાર બાલકૃષ્ણની શોધખોળ - At This Time

ખોટા ખર્ચ ઉધારી ચાર વર્ષમાં પટેલ વેપારીને રૂ.2.27 કરોડનો ચુનો લગાડનાર બાલકૃષ્ણની શોધખોળ


રાજકોટના મવડી બાયપાસ પાસે રહેતાં પટેલ વેપારીનું વર્ષ 2017 થી એકાઉન્ટનું કામ સંભાળતા બાલકૃષ્ણ ગાઢિયા નામના શખ્સે તેના નામે રૂપિયા ઉપાડી તેના પિતાના નામે ઉધારી પટેલ વેપારી સાથે રૂ.2.27 કરોડની છેતરપીંડી થયાનું ખુલતાં માલવીયનગર પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે મવડી બાયપાસ પાસે ગુંજન ટાઉનશીપમાં રહેતાં વ્રજેશભાઈ પરસોતમભાઈ ગઢિયાએ માલવીયનગર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બાલકૃષ્ણ પ્રવીણ ગાઢિયાનું નામ આપ્યું હતું.
વધુમાં ફરિયાદી વ્રજેશભાઈએ જણાવ્યું કે, તેઓ 2013થી કેમિકલ અને મિનરલ્સનો વેપાર કરે છે. તેનો સંબંધી બાલકૃષ્ણ 150 ફૂટ રીંગ રોડ પર આલ્ફા વનમાં ઓફિસ રાખી એકાઉન્ટન્ટનું કામ કરે છે. જેણે તેને કહ્યું કે, હું તમારી પેઢીનું સારી રીતે એકાઉન્ટીંગ કરી આપીશ. જેથી તેની ઉપર ભરોસો આવતા તેને એકાઉન્ટીંગનું કામ સોંપ્યું હતું. બાલકૃષ્ણ તેની પેઢીના એકાઉન્ટને લગતું સાહિત્ય પોતાની ઓફિસે લઈ જઈ ત્યાંથી કામ કરતો હતો. દરેક વખતે ઓટીપી પૂછવા ન પડે તે માટે પેઢીનું યુઝર આઈડી અને પાસવર્ડ પોતાની પાસે રાખ્યું હતું.
ગઈ તા.13 માર્ચના રોજ તેની પેઢીના એકાઉન્ટમાંથી રૂા.1.08 લાખ ડેબીટ થયાનો મેસેજ આવતાં શંકા ગઈ હતી. જેથી બાલકૃષ્ણને ફોન કરીને આ પૈસા શેના કપાયા છે તેમ પૂછતા તેણે કર્મચારીના પગારના કપાયાનું જણાવ્યું હતું. જેની સામે તેણે કહ્યું કે, મારે ત્યાં કોઈ નોકરી કરતું નથી. જે સાંભળી ગોળ- ગોળ વાત કરી ફોન મૂકી દીધો હતો. એટલું જ નહીં પાંચેક મિનિટ પછી તેની પેઢીના ખાતામાં રૂ.1.08 લાખ જમા કરી દીધા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ તેને બાલકૃષ્ણ ઉપર શંકા જતા ગત એપ્રિલ માસથી તેને પેઢીનું એકાઉન્ટીંગ કરવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં પેઢીના એકાઉન્ટનું તમામ રેકર્ડ, યુઝર આઈડી અને પાસવર્ડ પણ તેની પાસેથી લઈ લીધા હતા. ત્યારબાદ એકાઉન્ટીંગનું કામ પરિચીત મહેશભાઈ પાનસુરીયા (પ્રીશા એસોસીએટ, સ્વાગત આર્કેટ બાપા-સીતારામ ચોક, મવડી મેઈન રોડ)ને સોંપ્યું હતું. સાથો-સાથ તેને પોતાની પેઢીનું વર્ષ 2017 થી 2023 સુધીનું એકાઉન્ટ ચેક કરાવાનું કહેતા જીએસટીના ડિફરન્સની રકમ રૂ.27.31 લાખ ચલણ કરતાં વધુ ઉપાડાયાનું માલૂમ પડયું હતું. બાકીની એન્ટ્રીઓ ચેક કરાવતા ગઈ તા.31-7-2019ના રોજ રૂા.4.90 લાખ તેના ખાતામાંથી બી પટેલ એન્ડ કંપનીના નામથી ઉપડ્યા હતી. જે ચોપડે કમિશન ખર્ચ તરીકે ઉધારાઈ હતી. બાદમાં ગઈ તા.30-11-2020ના રોજ રૂ.6.70 લાખ બી પટેલ એન્ડ કંપનીના નામથી ઉપાડાયા હતા. જેને રવિ એન્ટરપ્રાઈઝ (ડિપોઝીટ) નામથી ચોપડે ઉધારાઈ હતી.
તેમજ ગઈ તા.22-7-2020ના રોજ રૂ.2.83 લાખ બાલકૃષ્ણ પ્રવિણ ગઢીયાના નામથી ઉપાડાયા હતા. જેને પંકજ પ્રવિણભાઈ ગઢીયા (કમિશન ખર્ચ ખાતે ઉધારાયા હતા. તપાસ કરતા આશરે 135 એન્ટ્રીના આધારે રૂ.2 કરોડ જેવ રકમ ખોટી રીતે ઉપાડાઈ હતી. જે ઉપરાંત જીએસટી ડિફરન્સના રૂા.27 લાખ મળી કુલ રૂ.2.27 કરોડ તેની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરી બાલકૃષ્ણન ઓળવી લીધાનું જણાતા આખરે ફરિયા નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયનગર પોલીસે આરોપી બાલકૃષ્ણ ગાઢિયા વિરૂદ્ધ 406,420 કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઇ બી.બી.રાણાએ વધું તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.