આવ્યો રૂડો અધિકમાસ
*આવ્યો રૂડો અધિકમાસ*
માન એટલે સમયનું માપ. ખ્રિસ્તિઓ સૂર્યમાનને માને છે. ઇસ્લામ ધર્મએ ચંદ્રમાન સ્વીકાર્યું છે. હિન્દુધર્મમાં સુર્ય અને ચંદ્ર બંને માનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બંને માનનો સ્વીકાર કરવાથી યુગો સુધીના સમયનું માપ સારી રીતે માપી શકે છે.
પૃથ્વીને સૂર્ય ફરતું એક ચક્ર લગાવતા 365 દિવસ થાય છે. જેને આપણે વર્ષ કહીએ છીએ. સૂર્યમાનમાં મહિના ગણના સુદ એકમથી વદ અમાસ ગણાય અને ચંદ્રમાનમાં વદ એકમથી પૂર્ણિમા સુધી ગણાય.
આ રીતે ગણના મુજબ એક મહિનાના સાડા ૨૯ દિવસ થાય.સાડા ૨૯x૧૨=૩૫૪ દિવસ થાય. એટલે દર વર્ષે સવા ૧૧ દિવસનો તફાવત રહે. આ ક્રમમાં સૂર્યના પરિભ્રમણ સાથે ચંદ્ર પરિભ્રમણનો મેળ બેસાડવા હિન્દુધર્મમાં અધિકમાસનું આયોજન કરવામાં આવ્યું છે.
ખ્રિસ્તનો પણ અમુક સમયના માપને સરભર કરવા દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનો ૨૯ દિવસનો ગણે છે. ઇસ્લામધર્મમાં તો ચંદ્રમાન જ હોવાથી તે લોકોને દર ત્રણ વર્ષે એક મહિનો સમય કપાય છે. તેથી તેમના તહેવારોનો ફિક્સ સમય રહેતો નથી.
હિન્દુઓમાં આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓ હતા. એટલે સમયનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું. આ અધિકમાસમાં સૂર્યની સંક્રાંતિ ન થઈ શકે; એટલે તમામ શુભ કાર્યનો નિષેધ કરવામાં આવ્યો.
હિન્દુધર્મમાં પ્રત્યેક મહિનાઓ મૂર્તિમાન દેવો છે અને તેના દેવો પણ નિશ્ચિત કરેલા છે. અધિક મહિનામાં કોઈ દેવ હતા નહીં અને તેમાં કોઈ શુભ કાર્ય થતું નહીં. તેથી આ મહિનાને સૌ મળમાસ કહેતા હતા.
*પુરૂષોત્તમ માસનો મહિમા*
અપમાનિત થયેલા મળમાસે ભગવાનની આરાધના કરી.જપ-તપાદિક આરાધનાથી પ્રસન્ન થયેલા ભગવાને અધિક માસને કહ્યું; આજથી હું તને મારું પવિત્ર નામ સમર્પણ કરું છું.! તેથી *હવે તું ત્રિલોકમાં "પુરષોત્તમ"માસ તરીકે પ્રસિદ્ધ થઈશ. આ પુરુષોત્તમ માસમાં જે કોઈ ધર્મ કાર્ય કરશે, તેને અન્ય માસ કરતા ૧૦ ગણું અધિક ફળ મળશે*. આ માસનો અધિષ્ઠાતા દેવ હું સ્વયં બનું છું. તેથી આ અધિકમાસને હું મારા તમામ ગુણો, એશ્વર્ય,પરાક્રમ શક્તિ અને ભક્તિ સમર્પણ કરું છું.
આ રીતે સ્વયં ભગવાને વરદાન આપી આ માસનું ખૂબ જ ગૌરવ વધાર્યું છે. ત્યારથી *ભગવાનના કૃપાપાત્ર આ મહિમાનો હિન્દુધર્મમાં અતિશય મહિમા વધ્યો છે અને આ મહિનાને અતિશય પવિત્ર ગણવામાં આવે છે*.
દર ત્રણ વર્ષે આવતા આ અધિક માસમાં જે કાંઈ ધર્મકાર્ય કરવામાં આવે; તેને બીજા મહિના કરેલા સત્કર્મો કરતાં ૧૦ ગણું અધિક ફળ મળે છે. તેથી જ અધિક માસમાં ધર્મપ્રેમીજનોના અંતરમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણભાવના અધિક તરંગો ઉલાટે છે. આ માસની બે એકાદશી, પૂનમ અને અમાસને દિવસે ગંગા, યમુના, નર્મદા,ગોમતી જેવા પવિત્ર સ્થાનોમાં સ્નાન કરવા લાખો શ્રદ્ધાળુ ઉમટે છે. કેમ જે, આ માસમાં પવિત્ર નદીમાં સ્નાન કરી, ભજન-ભક્તિ કે દાન-પુણ્ય કરવાથી ત્રણ વર્ષ સુધી સત્કર્મ કર્યું હોય એવું ફળ મળે છે. આત્મશુદ્ધિ કરવા અને પરમાત્માની પ્રાપ્તિ માટે આ માસ અતિશય પવિત્ર ગણવામાં આવ્યો છે.
સ્વામિનારાયણ ભગવાન પણ આ માસમાં વ્રતાદિક ધર્મકાર્યો કરાવતા. *ભક્તિસંપ્રદાય માટે આ પુરુષોત્તમ માસ એટલે જપ-તપ અને ભગવાનની કથા શ્રવણ કરવાની ઉત્તમ મોસમ*!! આ માસમાં કરેલું શુભ કર્મ અનંતગણું ફળ આપે છે.
અનુભવી ઋષિમુનિઓએ લખ્યું છે કે, અધિક ચૈત્રમાસમાં શુભકર્મ કરવાથી; જગત ઉપર વસ્તુઓની સુલભતા, પ્રજાનો આરોગ્ય અને માપસરની વૃષ્ટિ થાય છે. વૈશાખમાં અધિક હોય તો પ્રજા સુખી રહે, વરસાદ સારો થાય અને ધાન્યાદિકનો પાક સારો આવે છે. જેઠમાં અધિક હોય તો તાવ કોલેરા વગેરે રોગોથી લોકો પીડાય છે.
અષાઢમાં અધિક હોય તો યજ્ઞાદિક શુભ કાર્યો કરવાથી ખૂબ જ પુણ્ય થાય છે. જગત સુખી રહે છે. પરંતુ શ્રાવણમાં અધિક હોય તો બધું જ વાસ્તવિક થાય છે; અર્થાત પ્રજા સુખી રહે છે, વૃષ્ટિ માપસરની થાય છે. ખેડૂતોને ધાન્ય વગેરે પાક સારા પાકે છે અને જે વસ્તુ જોતી હોય એ પણ સુલભતાથી મળે છે.
આપણા સદભાગ્યે આ વર્ષે અધિક શ્રાવણ મહિનો આવ્યો છે. માટે આ મહિનાનો મહિમા સમજી ભગવાનની કથા-વાર્તા, દેવ-દર્શન, ભજન-ભક્તિ વિશેષ કરવા. એકટાણા કે ચાંદ્રાયણ વ્રત કરવું; તે તમામ પાપને નાશ કરનારુ અને આત્મશુદ્ધિ તથા પ્રભુમાં પ્રેમ વધારનારુ નીવડે છે.
કળિયુગમાં સહેજે મોક્ષ
નારદપુરાણના ૩૧ માં અધ્યાયમાં અધિક મહિનાની અનુપમ કથા લખાય છે. પૂર્વકાળમાં નૈમિષારણ્ય ક્ષેત્રમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી દેવલ, અંગીરા, વામદેવ વગેરે મોટા ઋષિમુનિઓ ભેગા થયા. આ સમયે સુતપુરાણી પણ તીર્થયાત્રા કરીને ત્યાં આવ્યા.
ઋષિમુનિઓએ સુતપુરાણીને અનુપમ આસન ઉપર બેસાડ્યા અને મોક્ષ દેનારી કથા શ્રવણ કરાવવા વિનંતી કરી. ત્યારે સુતપુરાણીએ ઋષિઓને કહ્યું, હે મુનિઓ! એકવાર નારદજી બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન પાસે ગયા અને પ્રભુને સ્તુતિ કરતા કહ્યું, હે નાથ! કળિયુગમાં લોકો વિષય, વ્યસન અને ભોગવિલાસ પ્રધાન બનશે. એનો સહજમાં મોક્ષ થાય એવો શું ઉપાય છે?
ત્યારે નારાયણ પ્રભુ કહે, હે નારદાજી! *જે માણસ કળિયુગમાં પુરુષોત્તમ મહિનામાં ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ કરે અને ચરિત્રને હૈયામાં ધરે તો કળિયુગમાં પણ પ્રભુ એને સહેજે મોક્ષ આપે. હરિચરિત્ર કલ્યાણકારી જ છે. પરંતુ પુરષોત્તમ મહિનામાં હરિચરિત્રનું શ્રવણ મોટા દુઃખ કાપનાર, મહાસુખ આપનાર તથા મોક્ષ પમાડનારુ કહ્યું છે. ખુદ ભગવાનને આ મહિનામાં પોતાનું દૈવત મૂક્યું છે. માટે આ મહિનામાં જે કોઈ સત્કર્મ કરે તેને મોક્ષ પ્રાપ્તિનું અને જન્મ-મરણના રોગની નિવૃત્તિનું વરદાન સ્વયં કૃષ્ણ ભગવાને આપ્યું છે. વળી, ભગવાને કહ્યું હતું કે, *આ માસમાં જે સત્કર્મ કરશે, તેના તમામ અપરાધો-દોષોની ક્ષમા કરીશ. બીજા માસમાં કરેલા સત્કર્મોથી સ્વર્ગમાં જવાય અને પુણ્ય ખુટે પાછા પડાય. પરંતુ આ માસમાં કરેલું સત્કર્મ, જપ-તપ, કથાશ્રવણ વગેરે અનુપમ શક્તિ અને અક્ષયફળ આપનારા છે*. આ માસમાં કરેલા અનુષ્ઠાનાદિક મનોવાંશિત ફળને આપે છે.
*દ્રૌપદીના પૂર્વ જન્મની કથા*
નારદીય પુરાણના સાતમા ખંડના ૨૫ માં અધ્યાયમાં દ્રૌપદીના પૂર્વ જન્મની કથા છે. દ્રૌપદીજી પૂર્વ જન્મમાં મેધાવીમુનિની પુત્રી મેધાવતી હતી. નાનપણથી તે ખૂબ જ ભણેલી મહાવિદૂષી બની હતી. પરંતુ તેમને કોઈ યોગ્ય વર ન મળ્યો. તેની ચિંતામાં તેમના મેધાવી ઋષિ સ્વર્ગવાસી થયા.
પછી રડતી મેધાવતીને અન્ય ઋષિઓએ ખૂબ જ ધીરજ આપી. ભગવાનનું આરાધના કરવાનું કહ્યું. ઋષિમુનિઓના કહેવાથી મેધાવતીએ આરાધના શરૂ કરી. તે સમયે દુર્વાસામુનિ ત્યાં આવ્યા. મેધાવતીએ ઋષિનું સ્વાગત કર્યું અને પોતાના દુઃખ વાત કરી. ત્યારે દુર્વાસામુનિએ કહ્યું; તમે આ પુરુષોત્તમ માસમાં વ્રત તપાદિક કરો, તમારા સકળ મનોરથ પૂર્ણ થશે.
એકવાર અમરિશ રાજાની રક્ષા કરવા ભગવાને સુદર્શન ચક્ર મુક્યું હતું, તે ચક્ર મને બાળવા લાગ્યું; ત્યારે મેં પુરુષોત્તમ મહિનાનું વ્રત કર્યું તો એ સુદર્શનચક્રથી મારી રક્ષા થઈ હતી. માટે આ માસમાં તમે વ્રત તપ કરશો તેથી તમારા સકળ મનોરથ પૂર્ણ થશે. પરંતુ અતિ દુઃખી મેધાવતીને આ વાત ન મનાણી. તેથી તેણે દુર્વાસાની વાતનો ઇનકાર કર્યો. ત્યારે દુર્વાસાએ શાપ આપતા કહ્યું, હે બાળા! તે આ પુરુષોત્તમ મહિનાનો અનાદર કર્યો છે. માટે તેનું ફળ તને અવશ્ય આવતા જન્મમાં મળશે.
દુર્વાસાના શાપથી ચિંતિત થયેલી મેઘાવતીએ શંકરદાદાની આરાધના કરી. ટૂંક સમયમાં જ તેમના ભજન ભક્તિથી શિવજી પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું. ત્યારે જેના દિલમાં સારો પતિ મળે એવી અતિ ઝંખના હવાથી મેધાવતી આનંદમાં આવી બોલી, હે મહાદેવ! મને પતિ આપો..પતિ આપો.. પતિ આપો; આમ પાંચવાર પતિ પ્રાપ્તિનું વરદાન માગ્યું. તેથી ભગવાન ભોળાનાથે કહ્યું; તમને આવતા જન્મે પાંચ પતિ મળશે? આ સાંભળી મેધાવતીના અંતરમાં આઘાત લાગ્યો.
ત્યારે મહાદેવજીએ કહ્યું કે; તમે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો તેનું આ પરિણામ છે. પરંતુ મારી આરાધના કરી, એટલે તમને એ પાંચેય પતિઓ મહા સમર્થ મળશે.
આ મેધાવતી બીજા જન્મે દ્રુપદ રાજાના યજ્ઞકુંડમાંથી દ્રૌપદીજીરુપે પ્રગટ થયા. અતિ સમર્થ પાંચ પાંડવો તેના પતિ થયા. પરંતુ પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હોવાથી, આ જન્મે ભરસભામાં દ્રૌપદીજીની લાજ લૂંટાય એવી પરિસ્થિતિ આવી. માટે *આ મહિનામાં સત્કાર્ય કરે એનું ફળ અતિશય સારું મળે; એ જ રીતે કોઈનો તિરસ્કાર કરે, તો દુઃખ પણ સહન કરવું પડે છે. માટે અધિક માસમાં કામ-ક્રોધાદિક આવેગને શાંત રાખી અને ભગવાનની સાધના આરાધના કરે તો સકળ મનોરથ સિદ્ધ થાય છે*.
*રાજા દ્રઢધનવાની રોચક વાત*
બૃહદ નારદપુરાણમાં રાજા દ્રઢધનવાની વાત આવે છે. આ રાજાને ચાર પુત્રો હતા. ગુણવાન નારી હતી. અઢળક સંપત્તિ હતી. એક દિવસ રાત્રીએ રાજા દ્રઢધનવાને વિચાર આવ્યો કે; મેં આ જન્મે કોઈ એવો વ્રત, તપ, હોમ હવન કર્યા નથી; છતાં આટલી બધી અઢળક સંપત્તિ મને કેમ મળી હશે?
આ જ વિચારમાં રાજા દ્રઢધનવા બીજે દિવસે જાગી સ્નાનાદીક કરી શિકાર કરવા ગયા. અનેક નિર્દોષ પશુઓને માર્યા. એક મૃગને બાણ માર્યું પરંતુ તે રાજાના હાથમાંથી છટકી ગયું. રાજા તેે મૃગને શોધતા થકા એક વડ નીચે આવીને બેઠા. એ સમયે ત્યાં એક પોપટ આવ્યો અને બોલ્યો હે રાજા! તું અપાર સુખી છો, ભગવાને દેવદુર્લભ મનુષ્ય શરીર આપ્યું છે; છતાં તત્વનો વિચાર કર્યા વિના નિર્દોષ પશુઓની હત્યા કરે છો! તો તારી શું ગતિ થશે? એ તું વિચાર..! આ રીતે કહીને પોપટ અદ્રશ્ય થઈ ગયો.
પોપટના આ પ્રશ્નના વિચારમાં રાજાની ઊંઘ હરામ થઈ ગઈ. એ વિચારવા લાગ્યો કે, આ દેહ પડશે ત્યારે મારી શું ગતિ થશે? આ વિચારમાં આહાર પણ ઓછો થઈ ગયો. એક દિવસ રાજા દ્રઢધનવા દરબારમાં બેઠા હતા. ત્યારે મહામુનિ વાલ્મિકી ઋષિ પધાર્યા. રાજાએ ઋષિને પોપટના પ્રશ્નની વાત કરી.
ત્યારે વાલ્મિકી ઋષિએ તેને તેના પૂર્વ જન્મની યાદી આપતા કહ્યું, હે રાજા! *તું પૂર્વ જન્મે દ્રાવિડ દેશમાં સુદેવ નામનો બ્રાહ્મણ હતો. તારે ગૌતમી નામે પત્ની હતી. પરંતુ કોઈ પુત્ર હતો નહીં. તેથી તમે નિરાશ થઈ તપ કરવા ગયા*. તમારા દંપત્તિના તપના ફળરૂપે ભગવાને દર્શન આપ્યા અને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. ભગવાનના વરદાનથી તમારે ઘેર પારણું બંધાણું. પરંતુ પુત્ર બાર વર્ષનો થયો ત્યારે વાવમાં નાહવા જતા ડૂબી ગયો અને તેનું મોત થયું. તેથી તમને અતિશય આઘાત લાગ્યો.
પછી તમોએ તમારા મૃતપુત્રના શબને તેલમાં રાખી; તેની સામે બેસી કલપાંત કર્યું. આ આઘાતથી તમે આહાર અને નિદ્રા લેવાનું પણ ભૂલી ગયા. આ સમયે અધિક પુરુષોત્તમ માસ ચાલતો હતો. *અજાણતા આ માસમાં તમોએ આહાર અને ઊંઘને ઓછા કરી પ્રભુની પ્રાર્થના કરી; તેને કારણે તમારા મૃતપુત્રના શરીરમાં ચૈતન્યનો સંચાર થયો અને તે સજીવન થયો*.
અધિક માસમાં તમે ઉપવાસ કર્યા, એ પુણ્ય પ્રતાપે જ તમે આ જન્મે આ રાજાનું પદ પામી અપાર સુખી થાય છો. હવે જો ભોગવિલાસમાં વ્યર્થ સમય ગુમાવશો તો ફરીને ભાવસાગરમાં ભટકશો. લખચોરાશી તથા નરકયાનાના અપાર દુઃખ પામશો. આટલું કહી વાલ્મિકી ઋષિ ચાલતા થયા.
પછી દ્રઢધનવા રાજાએ ઋષિના વચનને મસ્તકે ચડાવ્યા અને અધિક માસમાં *ભગવાનની કથાનું શ્રવણ કર્યું. ધારણા -પારણાનું વ્રત કર્યું. તેથી તેના તમામ પાપો નષ્ટ થયા. ભગવાનમાં અપાર પ્રેમભક્તિ ઉદય થઈ*. એ રાજા એના પરિવાર જનો સાથે ધન્ય બન્યા. અંતે ઉત્તમ ગતિને પામ્યા.
*પુરૂષોત્તમ માસની વિશેષતા*
ભગવાન સ્વામિનારાયણ આ પુરૂષોત્તમ મહિનાનો મહિમા સમજાવતા કે, *આ મહિનામાં ફરાળી ઉપવાસ કે એકટાણા કરી ભગવાનની કથા શ્રવણ કરવું. આ વ્રત કરવાથી ૧૦૦ યજ્ઞ કરતા પણ વધારે ફળ મળે છે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે*. માટે આ અધિક માસમાં ઋષિમુનિઓ અને ભગવાનની આજ્ઞા મુજબ વિશેષ જપ-તપ કે કથા શ્રવણ આદિક કરવું.
વળી આ મહિનાના પ્રત્યેક દિવસો ઉત્તમ હોવાથી પુરુષોત્તમ મહિનાના પ્રથમ દિવસે પડવાથી જ અન્નકૂટ વગેરે જે જે તિથિઓના ઉત્સવા હોય તે મંદિરે મંદિરે ઉજવાય છે. માટે આપણે આ પર્વોત્સવ લાભ લઈ ભજન ભક્તિ કરી આપણા અંતરને ભગવાનને રહેવાનું ધામ બનાવીએ.
*રાજકોટભૂપેન્દ્ર રોડ શ્રીસ્વામિનારાયણ મંદિરને આંગણે નિત્ય સાંજે પાંચથી સાત કલાકે વડતાલધામના શાસ્ત્ર અભ્યાસુ સાધુ બ્રહ્મપ્રકાશદાસજી સ્વામીના વક્તાપડે શ્રીહરિચરિત્રામૃત કથાનું આયોજન થયું છે. જે ભક્તોએ અધિકમાસના નવનીત સમાન નવીન નવીન ચરિત્રોનું રસપાન કરવું હોય; તેમણે આ કથાનો અવશ્ય લાભ લેવો*.
જય સ્વામિનારાયણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.