૩ જી જુલાઈ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ”
૩ જી જુલાઈ "આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ"
******
પ્લાસ્ટિક પોલ્યુશનને અટકાવવા હિંમતનગર નગરપાલિકાએ ૧૧૫૮ દુકાનદારોને ૨.૪૨ લાખથી વધુ દંડ ફટકાર્યો
********
વર્કશોપ યોજી નાગરીકો કાપડની બેગનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
*******
સાબરકાંઠા જિલ્લામાં પર્યાવરણ પર પ્લાસ્ટિકની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ લોકોને પ્લાસ્ટિકની થેલીઓના વિકલ્પ રૂપે જ્યુટ અથવા કોટન બેગ જેવા ટકાઉ વિકલ્પો વાપરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ગત વર્ષે ૦૫ જૂન ૨૦૨૨ "વિશ્વ પર્યાવરણના દિવસે" વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું તબક્કાવાર નષ્ટ કરવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ ભારત સરકારના વન પર્યાવરણ અને આબોહવા (ક્લાઈમેટ ચેન્જ ) મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં ૦૧ જુલાઈ ૨૦૨૨થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી અલ્પેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ નિયમોના અનુસંધાને એપ્રિલ ૨૦૨૨ થી જૂન ૨૦૨૩ સુધીમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા અસરકારક કામગીરી દ્વારા ૪૪૪ કિ.લો પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તે પેટે ૧૧૫૮ દુકાનદારો પાસેથી રૂ. ૨,૪૨,૮૦૦ દંડની વસુલાત કરવામાં આવી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસો દ્વારા જાહેર જનતા અને વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે વર્કશોપના આયોજન થકિ પ્લાસ્ટિક થી શરીરને થતા નુકશાન અને પર્યાવરણમાં ફેલાતા પ્રદૂષણ અંગે માહિતી આપવામાં આવે છે. વેપારીઓને એમની દુકાને જઈને તેઓ પ્લાસ્ટિક બેગ ન ખરીદે તે માટે સમજૂતી આપી કાપડની બેગનો ઉપયોગ વધે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે Plastic Waste Management Amendment Rules, 2021,4(2) ના સુધારા પ્રમાણે સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) નું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ ૦૧ જુલાઈ, ૨૦૨૨ના નિયમ પ્રમાણે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. સાથોસાથ પોલિસ્ટાયરીન અને કોમોડિટીઝમાં ઉપયોગમાં લેવાયેલ પ્લાસ્ટિક પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.
પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિક સ્ટિક સાથે બનાવવામાં આવતા ઈયરબર્ડસ, બલૂન સાથે આવેલી પ્લાસ્ટિક સ્ટિક, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ ખાવા માટેની પ્લાસ્ટિકની ચમચી,વગેરે નિમ્ન ગુણવતા વાળી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે.
જયારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ -2016 4(1) C માં સુધારો કરીને કેરી બેગ વર્જિન અથવા રિસાયકલ પ્લાસ્ટિક દ્વારા બનાવવું સાથોસાથ તે પ્લાસ્ટિક ની ગુણવતા ની જાડાઈ 75 માઇક્રોન કરતા ઓછી ન હોવી જોઈએ અને આદર્શ પ્લાસ્ટિકની બેગનું માપ ૧૨૦ માઇક્રોન નક્કી કરવામાં આવ્યું હતું.
*******
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.