કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા, સાધુ-સંતોએ ગૌ- ટેક એક્સ્પોને ખુલ્લો મુક્યો
કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા, સાધુ-સંતોએ ગૌ- ટેક એક્સ્પોને ખુલ્લો મુક્યો
સંતો, મહંતો, રાજકીય, સામાજિક, સહકારી અગ્રણીઓએ કામધેનુ નગરીને મનભરી નિહાળી
સેમિનારમાં ગૌ ઉછેર, પશુ આધારિત ખેતી અને દેશી ઓલાદના સંવર્ધન વિશે તજજ્ઞોનું માર્ગદર્શન
સ્વામી. ગુરુકુળના છાત્રોએ ગૌ- ગૌરવ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો
રાજકોટ તા.૨૫
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જી.સી.સી.આઈના સ્થાપક અને કેન્દ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરીયા અને ગૌ ટેક ઓર્ગે.ના ચેરમેન હંસરાજભાઇ ગજેરા દ્વારા આયોજિત ગૌ ટેક 2023 એક્સપોનું બુધવારે સાંજે કેન્દ્રીય કૃષિ અને પશુપાલન ડેરી, મત્સ્ય ઉધોગ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા તેમજ સંતો મહંતોએ દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કર્યું હતું. ડૉ. વલ્લભભાઈ કથીરિયા, હંસરાજભાઈ ગજેરા, કલ્પકભાઈ મણીયાર તથા રાજુભાઇ ધ્રુવ, ચેતન રામાણી, મિતલ ખેતાણી, સહિતના હોદ્દેદારો સહિતની ટીમને સંતો મહંતોએ શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે સ્વામી શ્રી પરમાત્માનંદજી, શ્રી માધવ પ્રિયદાસજી, શ્રી કૃષ્ણમણિદાસજી, શ્રી ધર્મવત્સલ સ્વામી, શ્રી માધવજીવન સ્વામી, સદાનંદજી મહાત્માજી સહિતના સંતો મહંતો તેમજ રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુ.મંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ કૃષિમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઇ સાગઠીયા, બાવનજીભાઈ મેતલિયા, દૂર્લભજી દેથરિયા, મનસુખભાઇ ખાચારિયા, ગોરધનભાઈ ધામેલિયા, સુમુલ ડેરીના ચેરમેન, અમર ડેરીના ચેરમેન, ગુણુભાઇ ડેલાવાળા અને શાંતુભાઈ રૂપારેલિયા, પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ તેમજ સહકારી અને સામાજિક ક્ષેત્રના આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રાગટય બાદ હંસરાજ ગજેરાએ સ્વાગત પ્રવચનમાં સૌનું શાબ્દિક સ્વાગત કરી આ એક્સ્પોને વિવિધ રીતે સહયોગ આપવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ સ્ટોલધારકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, મેં સમગ્ર એક્સપોની દોઢેક કલાક સુધી મુલાકાત લીધી છે અને એટલું બધું નવું જોયું અને જાણ્યું છે કે હું માત્ર રાજકોટ શહેર જ નહીં સૌરાષ્ટ્રના ગામડે ગામના તમામ પરિવારોને અપીલ કરું છું કે પરિવાર સાથે કમસેકમ એક વખત નિરાંતે સમય કાઢીને આ ગૌ ટેક એક્સપો જોવા જરૂર પધારે. શ્રી રૂપાલાએ પોતાના વક્તવ્યમાં વધુમાં જણાયું હતું કે અત્યાર સુધી ગાયના માત્ર દૂધ આધારિત નાના મોટા ઉદ્યોગો ચલણમાં હતા પણ આ ગૌ ટેક એક્સ્પો બાદ હવે ગોબર અને ગૌમુત્ર ઉત્પાદિત વ્યવસાયોમાં તેજી આવશે. તેમણે પોતાના ગામઠી અંદાજમાં જણાવ્યું હતું કે પોદળો પડે ત્યાંથી કંઈક લઈને જ ઉઠે છે તેવી કાઠીયાવાડી કહેવતને ખરા અર્થમાં સાર્થક કરતો આ મેળો આવનારા સમયમાં ગોબર અને ગૌમુત્ર આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપનાર બની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાયને પાળવી તે સાહસ અને હિંમતનું કામ છે. દૂધની જેમ જ હવે ગોબરની ગોબર-ધન ઇકોનોમી આકાર લઈ રહી છે. તેમણે રાષ્ટ્રીય કક્ષાએ પોતાના પ્રવાસ દરમિયાન થયેલા અનેક અનુભવોને વર્ણવીને ગાય આધારિત ઉદ્યોગોનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે તેવું જણાવ્યું હતું. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી તરફ જવું રાષ્ટ્રની નીતિ છે આ નિતીને ખેડૂતો તેમજ ગૌ આધારિત ઉદ્યમીઓનો સાથ સહકાર મળી રહેશે ત્યારે ગાયના કારણે જ ભારત વિશ્વ ગુરુ બની શકશે.
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળાએ સરકારી નીતિઓ ગૌવંશ અને ગૌ પાલકોના હિતમાં છે તેના વિવિધ દ્રષ્ટાંતો આપી યુવાનોને આકાર લઈ રહેલી ગૌ આધારિત ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું. પૂર્વ મુ.મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, રાજકોટમાં યોગ્ય સમયે યોગ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. તેમણે ડૉ. કથીરીયા સહિત સમગ્ર ટીમને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી. શ્રી દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી આપણે ગાયની પૂજા માત્ર કરતા હતા હવે સેવા કરવાની છે. જેનાથી જ સશકત ભારતનું નિર્માણ થશે. શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, માનવ સમાજના તમામ રોગના ઉપચાર માટે દેશી ગાય શ્રેષ્ઠ છે. જે માનવ સભ્યતાને ઈશ્વરની ભેટ છે. તેઓએ જણાવ્યું હતું કે, 2008-09માં આર.એસ.એસ. ની ગૌ ગ્રામ યાત્રા બાદ ગૌ જાગૃતિ આવી. આજે ગૌ આધારિત તમામ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા અને વેચાણ કરતા સ્ટોલ ધારકોને અભિનંદન.
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ડૉ.વલ્લભભાઈ કથીરિયા, વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી, દિલીપભાઈ સંઘાણી તેમજ માધવ પ્રિયદાસજી, પરમાણાનંદજી એ પ્રાસંગિક પ્રવચન કરી તમામે લોકોને કામધેનુ નગરી નિહાળવા આહવાન કર્યું હતું. જ્યારે કલ્પકભાઈ મણીયારે આભારવિધિ કરી હતી. વિવિધ હોદ્દેદારો આગેવાનોનું ગૌ ટેક કમિટીના મેમ્બરોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું.
કામધેનુ નગરીમાં રાત્રે 9 પછી રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળનાની શાખા એવા ભાયાવદરના સંતોના માર્ગદર્શન હેઠળ.વિદ્યાર્થીઓ દ્વારા ગૌ આધારિત એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છાત્રોએ વિવિધ કલાકૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત આમંત્રિત મહેમાનો તેમજ ગૌ ટેકના મુલાકાતિઓનું મન મોહિ લીધું હતું. જેમાં ખેડૂતોનું જીવન અને તેની ભાવના, અઠિંગો રાસ, મણિયારો રાસ, રૂપક, સહિતની કૃતિઓ ઉપસ્થિતિઓએ વખાણી હતી લોક સાહિત્યકાર મનસુખભાઇ વસોયા ખીલોરીવાળાએ ગૌ ડાયરો રજૂ કર્યો હતો.
------------------
સેમિનારમાં ગૌ ઉછેર, પશુ આધારિત ખેતી અને દેશી ઓલાદના સંવર્ધન વિશે તજજ્ઞોનું માર્ગદર્શન
ગૌવંશ આધારિત ઉદ્યોગોની વિસ્તૃત જાણકારી આપતા ગૌ ટેક એક્સ્પો 2023નો બુધવારે સવારે 9:30 કલાકે પ્રારંભ થયો હતો. પાંચ દિવસીય આ ગૌ ટેક એક્સ્પોમાં સવારે અને બપોર પછીના સેશનમાં વિવિધ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે તે વિષયના નિષ્ણાંત વક્તાઓ ઉપસ્થિતોને ગૌપાલન, ગાય આધારિત ખેતી, ગોબર, ગૌમૂત્ર અને પંચગવ્ય આધારિત ઉત્પાદનો અને તેના નિર્માણ અને વેચાણ સંબંધી જાણકારી આપશે. આજે બુધવારે બપોર પહેલાના પહેલા સેશનની શરૂઆત ડો. રણવીરસિંહ (સિનિયર સાયન્ટિસ્ટ આઈ વી આર આઈ બરેલી)ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. ડૉ. પ્રકાશ કોરીંગા (કામધેનુ યુનિવર્સિટી આણંદ) દ્વારા વિવિધ વિષયોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ત્રણ બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આપણા વિસ્તારની જે દેશી ગાયો છે તેના જીનોમ આઈડેન્ટીફાઈ કરીને તેના પર આગળ વધવું જોઈએ. એનડીઆરઆઈ કરનાલ હરિયાણા દ્વારા હાલમાં જ વિકસાવાયેલી નવી પદ્ધતિનો વ્યાપ વધારવો કે જેથી કરીને વાછરડી જ જન્મે અને વાછરડાને નિયંત્રિત કરી શકાય તે વિશે સરળ શબ્દોમાં માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ફક્ત સરકારની યોજનાઓ પર જ આધાર રાખવાના બદલે પશુપાલક મિત્રો સ્વયં જાગૃત રહે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરતા થાય; કે જેથી ગાયની ઉત્તમ અને વધુ દૂધ આપતી પ્રજાતિ તૈયાર કરી શકાય. સુમુલ ડેરી સુરત દ્વારા દિપકભાઈ પટેલની સફળ વીડિયો સ્ટોરીએ સૌ પશુપાલક મિત્રોને પ્રભાવિત કર્યા હતા. તેઓએ એઆઇ દ્વારા ૮૫ ટકા સફળતા મેળવી સિદ્ધિ હાંસલ કરી હતી તે અંગેની જાણકારીને સૌએ તાળીઓના ગળધરાટથી વધાવી અને તેનો અમલ કરવા માટે કૃતનિશ્ચઈ બન્યા હતા. આજના સેમિનારના પ્રથમ સેશનમાં 100 કરતાં પણ વધુ પશુપાલક મિત્રો ઉપરાંત વૈજ્ઞાનિકો અધ્યાપકો માજી ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ રાજકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા.
મત્સ્ય અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન - ‘‘ગૌ-ટેક ૨૦૨૩’’નો શુભારંભ કરાવ્યો હતો.
આ તકે તેમણે કહ્યું હતું કે, “દૂધની જેમ ગોબર આધારિત ઈકોનોમી-ગોબરધન ઈકોનોમી વિકસી રહી છે. ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશે. સમગ્ર દુનિયામાં ધરતીની ફળદ્રુપતા ઘટી રહી છે,
ત્યારે તેનું નિરાકરણ દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી જ શક્ય બનશે. સમગ્ર ધરતીને ફરીથી ઊર્જાવાન બનાવવા માટે દેશી ગાયના શરણે આવવું જ પડશે”. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ ગૌ આધારિત પ્રોડક્ટના ઓનલાઈન સેલિંગ માટેના પોર્ટલ જી.સી.સી.આઈ. સ્ટોરનું પણ રિમોટથી વિમોચન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, કૃષિપ્રધાન દેશ ભારતમાં ઘઉં, ચોખા, મકાઈનું પૂરતું ઉત્પાદન થાય છે અને તેની નિકાસ પણ થાય છે. દેશમાં ઉત્પાદિત થતા ઘઉં, ચોખા, મકાઈના કુલ મૂલ્ય કરતાં દૂધનું મૂલ્ય વધારે છે. દેશમાં નવ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે.”
તેમણે કહ્યું હતું કે, “રાજકોટમાં એક સમયે ખેતી માટે વિવિધ એન્જિન બનતા હતા. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવા માટે દેશ-દુનિયાને અપીલ કરી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીની આહલેક જગાવી છે, ત્યારે રાજકોટમાં આયોજિત ગૌ-ટેકથી પ્રાકૃતિક કૃષિ ક્રાંતિનો પાયો નંખાઈ રહ્યો છે”. તેમણે કહ્યું હતું કે, “ગાયના દૂધની સાથે હવે ગો-મૂત્ર અને ગોબરનું પણ ખરીદ અને વેચાણ થવા લાગ્યું છે. આમ ગાય આજીવન આવક આવતું પ્રાણી બની છે. સમગ્ર સચરાચરમાં ગાય એકમાત્ર એવું પ્રાણી છે, જેના મળ-મૂત્ર પવિત્ર છે, એ સાંસ્કૃતિક માન્યતા સાથે હવે તેને વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ કરવાનો સમય આવી ગયો છે.”
આ તકે જી.સી.સી. આઈ.ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આત્મ નિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા તેમજ આત્મનિર્ભર ગૌશાળા પર ભાર મુકી રહ્યા છે, ત્યારે ગૌ-ટેક આ તમામને સંયુકત રીતે સાકાર કરતો અનોખો એક્સ્પો છે. સમગ્ર દેશમાં અનેક લોકો ગૌ આધારિત ઉત્પાદનોનું છૂટક છૂટક વેચાણ-સંસોધન કરતા હતા. તેને આ એક્સ્પો અંતર્ગત એકમંચ પર લાવવામાં આવ્યા છે.”
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલશ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, “નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં ગાયના રક્ષણ માટે ગૌવંશ હત્યા વિરોધી કાયદો લાવ્યા હતા. જેમાં આકરી સજાની જોગવાઈઓ કરાઈ હતી.”
પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, “આ એક અનોખો એક્સ્પો છે. ગાય એ માત્ર સાંસ્કૃતિક કે ધાર્મિક દ્રષ્ટિએ જ આપણી માતા નથી પણ આર્થિક ઉપાર્જન કરીને આપણું જતન કરનારી માતા છે.”
ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, “ગૌ આધારિત ટેક્નલોજી અને ઉત્પાદનો થકી મોટી રોજગારીનું સર્જન કરી શકાય તેવું આ એક્સ્પોમાં જોવા મળ્યું છે.”
આ કાર્યક્રમમાં પૂર્વશિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જ્યારે એસ.જી.વી.પી. ગુરુકળના વરીષ્ઠ સંતશ્રી પૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી તથા વરીષ્ઠ સંતશ્રી સ્વામી પરમાત્માનંદજીએ આશીર્વચન પાઠવ્યા હતા.
રાજકોટમાં આગમન બાદ કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ સૌ પ્રથમ ગૌ-ટેક એક્સ્પોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, પ્રણામી સંપ્રદાયનાશ્રી કૃષ્ણમણીજી તેમજ અન્ય સંતગણ, પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, રાજકીય-સામાજિક-ધાર્મિક તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૨૪ થી ૨૮ મે દરમિયાન ‘ગૌ ટેક’ (ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન)નું આયોજન ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ.) દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી ૨૦૦થી વધુ ઉદ્યમીઓ જોડાયા છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.