રાજકોટમાં ભીષણ ગરમીને લઈને એલર્ટ જાહેર કરાયું : મનપાનાં આરોગ્ય વિભાગે લોકો માટે જાહેર કરી એડવાઈઝરી
રાજકોટ શહેર પણ આજે ઓરેન્જ એલર્ટ હેઠળ આવી ગયું છે. શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને વટાવી ગયો છે અને આગામી દિવસોમાં તાપમાન હજુ વધશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઇ વે પ્રોજેકટ હેઠળ મુકાયેલા સીસી ટીવી કેમેરાના સેન્સરમાં આજે બપોરે ૨-૩૦ કલાકે ઢેબર રોડ ઉપરના કોર્પોરેશન ચોકનું મહત્તમ તાપમાન ૪૪.૧૯ ડીગ્રી નોંધાયું છે. મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરીને શહેરીજનોને અત્યંત જરૂરી કામ ન હોય ત્યાં સુધી બહાર નહિ નીકળવા અપીલ કરવામાં આવી છે.
વધુમાં મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે બપોરે ૨-૩૦ કલાકે કોર્પોરેશન ચોકમાં સૌથી વધુ ૪૪.૧૯ ડીગ્રી, રેસકોર્સ રિંગ રોડ ઉપર ૪૨.૦૫ ડીગ્રી અને સોરઠીયાવાડી વિસ્તારમાં ૪૨.૨૭ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચે તો વેધર ફોરકાસ્ટ સિસ્ટમ અનુસાર રેડ એલર્ટ જાહેર કરવું પડે છે.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. દર વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબીત થઈ શકે છે. લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે, જે બાબત વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે.આ અસરોમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી.ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જવા વિગેરેનો સમાવેશ થાય છે. શહેરી વિસ્તારોમાં લેબર વર્ક કરતા તથા તડકામાં કામ કરતા વ્યક્તિઓમાં ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે. સન સ્ટ્રોક (લુ)થી બચવા જાહેર જનતાને નીચે મુજબની બાબતો અચુક કરવી જોઈએ જેમાં તડકામાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ.નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહિ.દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું. શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ.ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તાત્કાલિક નજીકના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, દવાખાના કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી જોઈએ.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.