રીક્ષાનો અકસ્માત થતા ચોંકાવનારી વાત સામે આવી , પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી . - At This Time

રીક્ષાનો અકસ્માત થતા ચોંકાવનારી વાત સામે આવી , પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી .


ગુજરાતમાં દારૂબંધીના કાયદાની અમલવારીના ફરી એક વખત લીરા ઉડ્યા છે . વડોદરામાં રસ્તા પરથી પસાર થઈ રહેલી રીક્ષાના અકસ્માતના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો . જે મામલે ગોરવા પોલીસે મને કમને કાર્યવાહી કરવી પડી હતી . વડોદરામાં થયેલી આ ઘટનાનો વિડીયો સામે આવતા લોકો પોલીસની કાર્યવાહી પર સવાલ કરી રહ્યા છે . પ્રાપ્ત વિગતો અનુસાર , ગોરવા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી છે કે , તેઓ ગત 10 જાન્યુઆરીના રોજ ગોરવા પોલીસ મથકમાં હાજર હતા . આ સમયે પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી કૉલ મળ્યો હતો . કન્ટ્રોલમાંથી મળેલી વર્ધીમાં જણાવાયું હતું કે , વડોદરાના રેષકોર્ષ નજીક ઈલોરાપાર્ક પાસે આવેલા અદાણી સીએનજી પંપ સામે બે રીક્ષા વચ્ચે અકસ્માત થયો છે . તેમજ રીક્ષા આસપાસ પ્રવાહી ઢોળાયું છે જેમાંથી દારૂ જેવી ગંધ આવી રહી છે . આ કોલ મળતા પોલીસ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી . પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા દારૂની હેરફેરનો ભાંડો ફૂટ્યો હતો . આ મામલે ગોરવા પોલીસ મથકમાં રીક્ષામાંથી ભારતીય બનાવટની દારૂની બોટલ કબ્જે કરી રીક્ષા ચાલક લાલચંદ લક્ષ્મણદાસ નેભવાણી તેમજ દિપક ઉર્ફે કલાલ જયસ્વાલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી . ઉપરોક્ત ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે , રસ્તા પરથી પસાર થઈ રહેલી બે રિક્ષા એકબીજા સાથે અથડાઈ છે . રીક્ષા અથડાતા જ એક રીક્ષામાંથી પેસેન્જર જમીન પર ઢળી પડે છે . જ્યારે એક રીક્ષામાંથી દારૂનો જથ્થો ઢળી પડે છે . આ જથ્થો રસ્તા પર ઢોળાતા ગંધ પ્રસરી હતી અને જેના કારણે દારૂની હેરાફેરીનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.