બોટાદ જિલ્લા સ્વીપના નોડલ અધિકારીશ્રી ભરતભાઇ વાઢેરે બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
બોટાદ જિલ્લાની વિવિધ શાળાનાં ૪૦૦ જેટલા શિક્ષકોએ શહેરમાં બાઇક રેલી દ્વારા આપ્યો મતદાન જાગૃત્તિનો સંદેશ
બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે લોક જાગૃતિ ફેલાવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ ના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદની એમ.ડી.હાઇસ્કુલના સંકુલ ખાતેથી સ્વીપના નોડલ અધિકારીશ્રી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભરતભાઇ વાઢેરે લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રભાતસિંહ મોરી, સરકારી હાઇસ્કુલના આચાર્યશ્રી અને જિલ્લા શિક્ષણ નિરીક્ષકશ્રી ઇશ્વરભાઇ ઝાંપડીયા સહિત પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષકોએ આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બોટાદ શહેરની એમ.ડી.હાઇસ્કુલથી પ્રસ્થાન થઇને હવેલી ચોક, મહિલા મંડળ રોડ, રેલ્વે સ્ટેશન રોડ, દિન દયાળ ચોક, હીરા બજાર, જ્યોતિગ્રામ સર્કલ, નાગલપર દરવાજા પાસેથી પસાર થઇને નાગલપર દરવાજા (ગઢડા રોડ) એ બાઈક રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
“લોકશાહી અધુરી મતદાન વિના”, “જાગો મતદાર રચો સરકાર”, “મતદાન સે બને દેશ સશકત”, “વોટ એજ મારો સંદેશ”, “વિકાસ અધૂરો મતદાન વિના”, “મતદાન એ આપણી પવિત્ર ફરજ છે”, “મતદાન મહાદાન”, “મતદાન લોકશાહીનો પ્રાણ”, “મારો મત મારી તાકાત”, “મત આપો મત અપાવો”, “આવો સૌ મતદાન કરીએ લોકશાહીને મજબૂત કરીએ” ના બેનર્સ સાથે બાઇક રેલી નીકળી હતી. જેમાં જિલ્લાની વિવિધ શાળાના ૪૦૦ જેટલા શિક્ષક ભાઈ બહેનોએ ભાગ લઈ રેલીને સફળ બનાવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.