રાજકોટના ધાણાના વેપારી પાસેથી 6 લાખની રોકડ પકડાઈ? ‘સીઝ’ની કાર્યવાહી - At This Time

રાજકોટના ધાણાના વેપારી પાસેથી 6 લાખની રોકડ પકડાઈ? ‘સીઝ’ની કાર્યવાહી


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આચારસંહિતા વચ્ચે રોકડ રકમ પકડાવાનો સિલસિલો જારી હોય તેમ રાજકોટના ધાણાના વેપારી છ લાખની રોકડ સાથે પકડાતા આ રકમ સીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચૂંટણીમાં નાણાંની રેલમછેલ રોકવા માટે રાજયભરમાં ઠેકઠેકાણે ચેકીંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. તે દરમ્યાન ગઈ મોડી સાંજે રાજકોટ-જામનગર હાઈવે પર ફલ્લા નજીક ચેકીંગ સ્કવોડ દ્વારા રાજકોટ પાસિંગની કાર અટકાવી હતી અને તલાશી દરમ્યાન 6 લાખ રોકડા મળી આવ્યા હતા.
સૂત્રોએ કહ્યું કે જીજે3જેસી 6206 નંબરની આ કારમાં રાજકોટના ધાણાના વેપારી રાજેશ છગનભાઈ પાસેથી રોકડ પકડાઈ હતી. વેપારી રોકડ રકમ વિશે યોગ્ય જવાબ આપી ન શકતા ઈન્કમટેકસને જાણ કરવામાં આવી હતી. આવકવેરા અધિકારીઓનો કાફલો ધસી આવ્યો હતો અને તપાસનો હવાલો સંભાળી લીધો હતો.
આવકવેરા વિભાગના સૂત્રોએ કહ્યું કે વેપારી પાસેથી રોકડ રકમની કાયદેસરતા દર્શાવતા દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા હતા. પરંતુ તે વિશે ગલ્લાતલ્લા કર્યા હતા. હિસાબી સાહિત્ય આપી ન શકતા આ રકમ સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ જ દિવસમાં ઈન્કમટેકસે 70 લાખની રોકડ જપ્ત કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.