સ્વસ્થ રહે સદા ગુજરાત... પ્રગતિના પંથે સર્વદા ગુજરાત... - At This Time

સ્વસ્થ રહે સદા ગુજરાત… પ્રગતિના પંથે સર્વદા ગુજરાત…


આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મારા પતિની સારવાર નિ:શૂલ્ક થઈ ગઈ, જાણે સમગ્ર પરિવારને નવું જીવન મળ્યું છે: આયુષ્યમાન યોજનાના લાભાર્થી હેતલબેન

“મારા પતિને થોડા સમય પહેલા હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. ડોક્ટરે અમને એન્જીઓપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી હતી. અમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી એકપણ રૂપિયાના ખર્ચ વગર સારામાં સારી હોસ્પિટલમાં મારા પતિની સારવાર થઈ.” બોટાદના વતની હેતલબેન ગોહિલે અતિ ભાવુક થઈને પોતાનો અનુભવ વર્ણવ્યો હતો.
હેતલબેન વધુમાં ઉમેરે છે કે, બીમારી શું છે? તે હકિકતમાં મારા પતિને હ્રદયરોગનો હુમલો આવ્યો ત્યારે જ ખબર પડી. નજીકમાં રહેતા સંબંધીએ અમને સરકારશ્રીની આયુષ્યમાન યોજના વિશે જાણકારી આપી અને મેં કાર્ડ કઢાવ્યું. જો અમારી પાસે આ કાર્ડ ન હોત તો એક-એક રૂપિયાની કરેલી બચતમાંથી અમારે સારવાર માટે ખર્ચ કરવો પડત, પરંતુ સરકારશ્રીની મહેરબાનીથી મારા પતિની નિ:શૂલ્ક સારવાર આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં થઈ ગઈ. હવે તેમની તબિયત પણ ખુબ સારી રહે છે. સરકારશ્રીની આ યોજનાથી મારા પતિને અને સમગ્ર પરિવારને નવું જીવન મળ્યું છે.
કોઈપણ સમાજના વિકાસનો માપદંડ નાગરિકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર નિર્ભર હોય છે. માતાના ગર્ભથી માંડી વૃદ્ધાવસ્થા સુધી આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ થકી સરકારશ્રીએ તમામ લોકોના આરોગ્યની સતત દરકાર કરી છે. આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સારવાર અને સુવિધા મળે તે માટે સરકારશ્રીએ આયુષ્યમાન ભારત યોજનાથી કરોડો નાગરિકોને ખરા અર્થમાં આયુષ્યમાન ભવ: આશીર્વાદ આપ્યા છે. હેતલબેન જેવા અનેક લોકો અને તેમના પરિવારો આ યોજના અંતર્ગત અનેક ગંભીર બિમારીની સફળ સારવાર કરાવી ચૂક્યા છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.