વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ મહિનો: સ્તન કેન્સર વિશે જાગૃતિ એ જ પરિવર્તન
કેન્સર સામેની લડત વધુ મજબૂત બનાવવા મહિલાઓ અને તેમના પરિવારોની જાગૃતિ જરૂરી
૧૯ ઓક્ટોબર= વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઈન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ બ્રેસ્ટ કેન્સરની ઉજવણી
ઓક્ટોબર મહિનાને "વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ મહિના" તરીકે ઓળખવામાં આવે છે. ૧૯ ઓક્ટોબરના દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઈન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ બ્રેસ્ટ કેન્સરની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ મહિલાઓને થતાં સ્તન કેન્સર રોગ વિશે માહિતી આપીને તેમને જાગૃત કરવાનો છે. આપણાં દેશમાં સ્તન કેન્સરની સફળતાપૂર્વક સારવાર થઈ શકે તે માટેના તમામ આધુનિક સાધનો અને તકનિકો ઉપલબ્ધ છે. પરંતુ આ માટેની પૂર્વશરત એ છે કે દર્દીઓ જાગૃતતા દાખવે અને સમયસર સારવાર કરાવે. ત્યારે આજે આપણે વાત કરીશું કે મહિલાઓ સ્તન કેન્સરથી કેવી રીતે બચી શકે છે અને જો સ્તન કેન્સર થાય તો તેનો ઉપચાર શું છે?
આપણાં દેશમાં સરકારશ્રીના વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો, જાગૃતિલક્ષી અભિયાનો અને સારવારલક્ષી યોજનાઓ થકી મહિલાઓના સ્વાસ્થ્યને ઘણાં ફાયદા થયા છે. ડીજીટલાઈઝેશન થવાથી મહિલાઓ જાતની તપાસ કેવી રીતે કરવી અને સ્તન રચના વિશે અથવા સ્તનના બંધારણમાં થતાં ફેરફારો વિશે સરળતાથી જાણી શકે છે. તે અંગેની માહિતી તેઓ વિવિધ સ્ત્રોતો થકી મેળવી શકે છે જો ફેરફાર લાગે તો નિષ્ણાત ડોક્ટરના ધ્યાન પર તરત જ મુકવા જોઈએ.
સ્તનના કેન્સરની શરૂઆત
વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણ જેમ જેમ સ્ત્રીની ઉંમર વધે તેમ સ્તનના કોષનું સામાન્ય રીતે વિભાજન થાય અને તેનું કદ વધે. જ્યારે સ્તનના કેન્સરમાં કોષનું વિભાજન સામાન્ય રીતે થવાને બદલે અસામાન્ય રીતે ઝડપથી થાય અને વિભાજન થયેલા કોષ એક જગ્યાએ એકઠાં થઇને ગાંઠ જેવું બનાવે. ઝડપથી વિભાજન થયેલા કોષ આખા સ્તનમાં, લિમ્ફનોડ અને શરીરના બીજા ભાગમાં ફેલાય જેને મેટાસ્ટેટ્સઇઝ કહેવાય. દૂધ ઉત્પન્ન કરનારા ડક્ટમાંથી શરૂ થનારા સ્તનના કેન્સરને ઇન્વેસિવ ડક્ટલ કાર્સિનોમાં અને લોબ્યુલ્સમાંથી શરૂ થનારા સ્તનના કેન્સરને ઇન્વેસિવ લોબ્યુલર કાર્સિનોમાં કહે છે.
સ્તનનું કેન્સરનું થવાના કારણો?
૧. હોર્મોન્સમાં ફેરફાર ૨. જીવન ચર્યા ૩. વાતાવરણ ૪. વારસાગત. આ ચારને સ્તનના કેન્સર થવાના મુખ્ય કારણ ગણવામાં આવે છે. આ સિવાય પણ કેટલાક પરિબળોને કારણે સ્તનનું કેન્સર થાય છે. જેમાં વધારે વજન એટલે કે બોડી માસ ઇન્ડેક્ષ ૨૫થી વધારે હોવો, સ્ત્રીઓમાં માસિક ધર્મ (મેન્સ્ટ્રુએશન) ૧૨ વર્ષ પહેલા શરૂ થયું હોય, કેટલાક કિસ્સાઓમાં મોટી ઉંમરે બાળક થવા સહિતના કારણો જવાબદાર માનવામાં આવે છે.
સ્તનના કેન્સરની સારવાર
ગાયનેકોલોજિસ્ટ અને કેન્સર સર્જન નક્કી કરીને સ્તનના કેન્સર માટે ૧. કેન્સર થયેલા આખા સ્તનને ઓપરેશન કરીને કાઢી નાખે (ટોટલ મેસ્ટેક્ટોટોમી) ૨. કેટલાક કિસ્સામાં ડોક્ટરો રેડીએશન થેરપીનો ઉપયોગ કરે છે. ૩. કેમોથેરેપિમાં કેન્સરના કોષને દૂર કરવા ગોળીઓ આપવામાં આવે છે. ૪. કેટલાક કિસ્સામાં ડોક્ટરો ઓપરેશનથી સ્તન કાઢી નાખ્યા પછી અથવા શરૂઆતથી હોર્મોન થેરેપી આપે છે. ૫. સ્તનના કેન્સરની સારવાર માટે ડોક્ટરો કોઇ વાર ઈંમ્યુનોથેરેપિનો ઉપયોગ પણ કરે છે.
કંઈ વયજૂથની મહિલાઓએ કાળજી રાખવી જોઈએ?
જે મહિલાઓની ઉમર ૨૦-૨૫ વર્ષથી ઉપરની હોય તેમણે મહિનામાં એકવાર જાત તપાસ કરવી જોઇએ અને ૪૦થી ઉપરની વયની મહિલાઓએ થોડા થોડા મહીને મેમોગ્રાફી કરાવતાં રહેવું જોઇએ. આ સિવાય મહિલાઓએ તંદુરસ્ત દિનચર્યા અપનાવવી જોઈએ. રોજ ૩૦થી ૪૦ મિનિટ ગમતી કસરત કરવી જોઈએ. સાથોસાથ મહિલાઓએ ખોરાકનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. લીલા શાકભાજી, તાજા ફળો, અનાજ અને સુકોમેવો પ્રમાણસર આરોગવો જોઈએ. સ્તનના આકારમાં કોઈપણ નાનામાં નાનો ફેરફાર જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરી સલાહ લેવી હિતાવહ છે. સ્વર્ગસ્થ અમેરિકન લેખક જ્હોન ડાયમંડે કહ્યું હતું કે, "કેન્સર એ ફક્ત એક શબ્દ છે, વાક્ય નથી". મહિલાઓ અને તેમના પરિવારો જાગૃતિ દાખવે તો કેન્સર સામેની લડત વધુ ઝડપી, મજબૂત અને પરિણામલક્ષી બની શકે છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.