સરકારશ્રીની યોજનાઓનો લાભ લઇને લોકો ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સારામાં સારી સેવા મેળવી રહ્યા છે - At This Time

સરકારશ્રીની યોજનાઓનો લાભ લઇને લોકો ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સારામાં સારી સેવા મેળવી રહ્યા છે


રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા

બોટાદ જિલ્લામાં ૩ દિવસમાં ૨૩,૦૦૦ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાનું આયોજન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદમાં આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ સંપન્ન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને બોટાદના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ જિલ્લામાં આગામી ૩ દિવસમાં ૨૩,૦૦૦ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરાશે.

આ અવસરે રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, અગાઉ અનેક લોકો નાણાંનો ખર્ચ કરવા સક્ષમ ન હોવાના કારણે સારવાર કરાવી શકતા ન હતા. પરંતુ હવે લોકો સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લઇને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સારામાં સારી સેવા મેળવી રહ્યા છે. આજે વિવિધ લોકઉપયોગી યોજનાઓ દ્વારા સમાજના દરેક વર્ગને લાભ મળી રહ્યો છે. આ સાથે જ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાના તમામ દેશોમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. વિદેશોમાં ભારતના નામનો ડંકો વાગે છે.મહાસત્તાઓ હવે ભારતને અનુસરે છે.

કાર્યક્રમમાં સાંસદશ્રી ડૉ.ભારતીબેન શિયાળે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે , દેશના કરોડો લોકો આયુષ્માન યોજનાનો લાભ લઇ રહ્યા છે. આપણે સૌએ આપણી આસપાસ રહેતા જરૂરિયાતમંદ લોકોને આયુષ્માનકાર્ડ કઢાવવા માટે મદદ કરવી જોઈએ. વધુમાં સાંસદશ્રીએ ઉમેર્યું કે, અત્યારે એકપણ ક્ષેત્ર એવું નથી જેમાં વિકાસ ન થયો હોય. દેશના કોઈપણ છેડે રહેતા માણસના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન અને ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉદબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

બોટાદના શ્રી નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોટાદના ધારાસભ્યશ્રી સૌરભભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદના કલેક્ટરશ્રી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, મુખ્ય જિલ્લા અધિકારીશ્રી રંગુનવાલા સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.