લુણાવાડાની કન્યાશાળાના ૧૫૫માં સ્થાપના દિવસની મહાનુભાવોના હસ્તે કેક કાપી ઉજવણી કરાઇ - At This Time

લુણાવાડાની કન્યાશાળાના ૧૫૫માં સ્થાપના દિવસની મહાનુભાવોના હસ્તે કેક કાપી ઉજવણી કરાઇ


સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શાળાઓના જન્મદિવસ ઉજવવાની પ્રેરક શરૂઆત થઈ છે ત્યારે ઐતિહાસિક શૈક્ષણિક વારસો ધરાવતી લૂણાવાડાની કન્યાશાળાનો ૧૫૫મો સ્થાપના દિવસની મહાનુભાવોના હસ્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકના અધ્યક્ષસ્થાને આયોજીત કાર્યક્રમમાં રાજવી પરિવારના પુષ્પેન્દ્રસિંહજી અને પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થતિમાં શાળાના આધુનિક નવીન મકાનનું લોકાર્પણ કરાયું.
રજવાડા સમયે મહિલાઓના શિક્ષણ માટે પહેલ કરનાર મહારાજા વખતસિંહજી તેમજ રાજવી પરિવારના મહત્વપૂર્ણ પ્રદાન બદલ ઋણ સ્વીકાર કરવામાં આવ્યો. શાળામાં બાળકોની અભ્યાસ સુવિધામાં વધારો કરનાર દાતાઓના યોગદાનને બિરદાવવામાં આવ્યુ હતું. દીપ પ્રાગટ્ય,પ્રાર્થના,સ્વાગત ગીતથી શુભારંભ થયેલ કાર્યક્રમમાં શાળા પરિવારે આ ગૌરવશાળી પ્રસંગે ઉમળકાભેર મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં શાળા સ્થાપના સાથે જોડાયેલ મહત્વના ઐતિહાસિક પ્રસંગો રાજવી પરિવારનું યોગદાન અને મહાનુભાવોના સંસ્મરણો યાદ કરવામાં. આવ્યા.બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.અત્રે નોંધનીય છે કે આ શાળાની સ્થાપના તા ૧૩-૧૦-૧૮૬૭ના રોજ લેડી રે ગર્લ્સ સ્કૂલના નામથી શરૂ થઈ આઝાદી બાદ ૧૯૬૫માં કન્યાશાળા નામથી અવિરત ૧૫૫ વર્ષથી સરસ્વતી ઉપાસના કરતી રહી છે. સદ્‌ગુણી હેમંતકુમારી લઘુનવલકથા, વાર્તા પ્રથમ મહિલા વાર્તાકાર તરીકે શ્રીમતી કૃષ્ણગૌરી રાવળ તેમજ ઈ.સ. ૧૯૧૨થી ૧૯૧૫માં આ જ શાળામાં હેડ મિસ્ટ્રેસ રહી ચૂકેલા પ્રસન્નબેન દલસુખરામ રાવળ અને ગુલાબબેન જેવા આદર્શ શિક્ષક આ શાળામાં આજે પણ તસ્વીરરૂપે હાજર રહી સતત પ્રેરણારૂપ બનતા રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં શાળાએ ઝડપથી વિકાસ સાધતાં સંખ્યા વધારાની સાથે પ્રજ્ઞાવર્ગ, પ્રવૃત્તિલક્ષી, શૈક્ષણિક સાધનોથી સુવ્યવસ્થિત છે. શાળામાં યુવા અનસ્ટોપેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટર રૂમ તથા દાતાઓ તરફથી ત્રીજા માળે એક શેડ બનાવેલ છે. તે શેડમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા આવેલ છે. ધોરણવાર-વિષયવાર પૂરતા શિક્ષકો ધરાવતી આ શાળામાં તમામ વર્ગખંડો જરૂરી સામગ્રી ફેનલ બોર્ડ, વાઈટ બોર્ડ, ગ્રીનબોર્ડ તેમજ ટીએલએમથી સજ્જ છે. રાજવી પરિવાર, નગરપાલિકા, દાતાશ્રીઓ તેમજ આ શાળાના ભૂતપૂર્વ આચાર્યો, શિક્ષકો હાલના આ પરિશ્રમી તેમજ નિર્ણાયક આચાર્ય મહેશભાઈ પટેલ તેમજ શિક્ષકો શાળા પરિવારના સંનિષ્ઠ પ્રયાસોથી શૈક્ષણિક વિકાસનું વટવૃક્ષ બની છે.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.