છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ ! સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !
: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની અમર રચના
ગાંધી જયંતિ વિશેષ: મહાત્મા ગાંધી સાથે અનોખી રીતે જોડાયેલું છે બોટાદ
*****
બાપુએ આજની પેઢીને મહાનતા અને આદર્શવાદનો વારસો આપ્યો છે
2 ઓક્ટોબરનાં દિવસે સમગ્ર દેશમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બોટાદમાં પણ ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરાઈ રહ્યાં છે. બોટાદ સાથે ગાંધીજીનો અનોખો ઈતિહાસ જોડાયેલો છે. આજે ગાંધી જયંતિ નિમિત્તે આપણે વાત કરીશું કે કેવી રીતે ગાંધીજી અને બોટાદ વચ્ચે ઘનિષ્ટ સંબંધ રહ્યો હતો.
એપ્રિલ, 1925માં મહાત્મા ગાંધીજી બોટાદનાં રાણપુરની મુલાકાતે આવ્યાં હતાં. રાણપુર ગ્રામ પંચાયતે બાપુનું ભાવભેર સ્વાગત કરી તેમને માનપત્ર અર્પણ કર્યુ હતું. મહાત્મા ગાંધી સાથે શ્રી ઝવેરચંદ મેઘાણીની પહેલી મુલાકાત રાણપુરમાં થઈ હતી. તે સમયે મહાત્મા ગાંધીજીએ અમૃતલાલ શેઠ દ્વારા સ્થપાયેલા સૌરાષ્ટ્ર-ફૂલછાબ પ્રેસમાં રાત્રી રોકાણ કર્યુ હતું અને લીમડાનાં વૃક્ષ નીચે બેસીને ગાંધીજી, એ.ડી.શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ સાથે મળીને સ્વતંત્રતા મેળવવા માટેની ચર્ચાઓ કરી હતી. બાપુ રાણપુરમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચેનો ભાઈચારો જોઈને ખુબ જ પ્રભાવિત થયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાણપુર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભુમિ રહ્યું છે. 1937માં ગાંધીજીના જન્મદિને મેઘાણીએ કાવ્ય ‘ખમા ખમા લખવાર’માં ત્રણ પંક્તિનાં દુહા રચ્યાં હતાં.
વર્ષ 1931માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જઈ રહેલા મહાત્મા ગાંધી ખૂબ વ્યથિત હતા. તેઓ જાણતા હતા કે દેશની સ્વતંત્રતાનો પ્રસ્તાવ બ્રિટિશ સરકાર નહીં સ્વીકારે અને અપમાનના કડવા ઘૂંટ પીવા પડશે. ગાંધીજીની આ મનોવ્યથાનું સચોટ નિરૂપણ કરીને ઝવેરચંદ મેઘાણીએ તેમને સંબોધતું ‘છેલ્લો કટોરો ઝેરનો’ કાવ્ય 27 ઑગસ્ટે રાણપુરમાં રચ્યું હતું અને ઊપડતી સ્ટીમરે તે ગાંધીજીને પહોંચાડ્યું હતું. જે વાંચીને મહાત્માનાં મુખેથી ઉદગાર સરી પડ્યો- “મારી હાલની સ્થિતિનું આમાં સચોટ વર્ણન છે”. શ્રી મેઘાણી ગાંધીજી પાસેથી જ “રાષ્ટ્રીય શાયર”નું ગૌરવભર્યું બિરુદ પામ્યા હતાં. ગાંધીજીએ રાણપુરની ત્રણ વાર મુલાકાત લીધી હતી.
યુગના મહાપુરુષની પદવીથી સન્માનિત મહાત્મા ગાંધી સમાજ સુધારક તરીકે પણ ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 15 જૂન,2007ના દિવસે જાહેરાત કરી હતી કે દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મનાવવામાં આવશે. મહાત્મા ગાંધી દેશના મહાન અને ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ હતા, જેઓ આજે પણ તેમની મહાનતા, આદર્શવાદ અને અહિંસાના ગુણોનાં વારસા દ્વારા યુવા પેઢીને અને દેશ-વિદેશના લોકોને પ્રેરણા આપે છે. આ મહાન હસ્તીને શત શત નમન!
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.