બોટાદ મા શિક્ષક દિનની ઉજવણી
શિક્ષકો દ્વારા જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય છે
- જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વિરાણી
બાળકોમા ખૂબ જ ટેલેન્ટ હોય છે તેનામાં રહેલી પ્રતિભાને ઓળખીને સાચી દિશા બતાવવાનું કામ શિક્ષકો કરી રહ્યાં છે
- જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણા
બોટાદ : જિલ્લાકક્ષાના-૦૧ અને તાલુકાકક્ષાના-૦૪ સહિત કુલ-૦૫ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયાં
બોટાદના નાનજી દેશમુખ ઓડિટોરીયમ હોલ ખાતે “બોટાદ જિલ્લા શિક્ષક દિનની ઉજવણી-૨૦૨૨ શ્રેષ્ઠતા સન્માન સમારોહ” યોજાયો
તા.૫ : જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વિરાણીના અધ્યક્ષસ્થાને આજે બોટાદના નાનજી દેશમુખ ઓડિટોરીયમ હોલ ખાતે “બોટાદ જિલ્લા શિક્ષક દિનની ઉજવણી-૨૦૨૨ શ્રેષ્ઠતા સન્માન સમારોહ” યોજાયો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વિરાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટી તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે શિક્ષણક્ષેત્રે આગવી સિધ્ધી હાંસલ કરી છે. રાજ્ય સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. આ સુવિધાઓ થકી રાજ્યના દરેક બાળકને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. સરકારશ્રીએ શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓના માધ્યમથી બાળકો આધુનિક ટેક્નોલોજીથી શિક્ષણ મેળવી રહ્યાં છે. શિક્ષકો દ્વારા જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય છે. સરકારશ્રીએ અનેક નવા વિષયોને ઓપ આપ્યો છે. જેમાં આગામી સમયમાં પ્રાકૃતિક વિષયની સમજ પણ વિદ્યાર્થીઓ મેળવી શકશે રાષ્ટ્રનિર્માણના ગુણો ભાવિ પેઢીમાં કેળવવા શ્રી વીરાણીએ શિક્ષકોને પ્રેરણા આપી હતી. શ્રેષ્ઠ કામગીરી કરનારા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યાં હતાં.
શિક્ષક દિનની ઉજવણીમાં સહભાગી થતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણાએ જણાવ્યું હતું કે, શિક્ષકો ઉપર વિદ્યાર્થીઓના ભવિષ્યની ઘડતરની મોટી જવાબદારી છે. શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવાથી અન્ય શિક્ષકોને કંઇક નવું કરવાની પ્રેરણા મળતી હોય છે. સમાજ પ્રત્યે શિક્ષકોનું દાયિત્વ વિશેષ હોય છે. જે દરેક શિક્ષકો પુરી નિષ્ઠાથી નિભાવતા હોય છે. બાળકોમા ખૂબ જ ટેલેન્ટ હોય છે તેનામાં રહેલી પ્રતિભાને ઓળખીને સાચી દિશા બતાવવાનું કામ શિક્ષકો કરી રહ્યાં છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિનને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ડૉ.સર્વપલ્લીએ પોતાનો જન્મદિન નહી ઉજવીને શિક્ષકોને સાચા અર્થમાં સન્માનિત કર્યાં છે. શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા તમામ શિક્ષકકર્મીઓને શ્રી પલસાણાએ શુભેચ્છા પણ પાઠવી હતી.
બોટાદ નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પ્રતિકભાઈ વડોદરીયાએ પ્રસંગોચિત્ત પ્રવચન અને ઝીઝાવદર પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકશ્રી જયેશભાઈ સાકરીયાએ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વિરાણી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાકક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર ગઢડીયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હિમાંશુભાઇ પંડ્યાને રૂ.૧૫ હજારનો ચેક આપી શાલ અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયાં હતાં. તેમજ તાલુકાકક્ષાએ ઝીઝાવદર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ સાકરીયા, રામપરાના શ્રી અશ્વિનભાઈ બારૈયા, લાખણકાના શ્રી મનિષભાઈ જેઠવા અને ખોખરનેશ શાળાના શિક્ષકશ્રી ઘનશ્યામભાઈ પંચાળાને રૂ.૫ હજારનો ચેક આપી શાલ અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયાં હતાં. આ ઉપરાંત ધો. ૬ થી ૮ ના પ્રતિભાશાળી ૧૫ બાળકોને પ્રતિકરૂપે પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા.
પ્રારંભમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ધારાબેન પટેલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં શ્રી સાગરભાઇ પંડ્યાએ આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી નરેન્દ્રભાઇ જોશી અને જી.ડી.મકવાણાએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના અગ્રણીશ્રી ચંદુભાઈ સાવલીયા, પૂર્વ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણવિદશ્રી મનોજભાઈ ઉપાધ્યાય, શ્રી ઇશ્વરભાઇ ઝાપડીયા સહિત જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત શિક્ષકકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર :ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.