નેશનલ સ્પોર્ટ્સ ડે: જાણો ક્યા રમતવીર પાછળ આપણાં દેશમાં ઉજવવામાં આવે છે આ દિવસ, શું છે આજના દિવસનું મહત્વ?
સમગ્ર વિશ્વમાં હોકીમાં મેજર ધ્યાનચંદનો જોટો જડવો મુશ્કેલ છે. આપણાં દેશનું વિશ્વ ફલક પર મેજર ધ્યાનચંદે રોશન કર્યું હતું. 29 ઓગસ્ટના દિવસે 1905માં હોકીના જાદુગર ધ્યાનચંદનો જન્મ થયો હતો, તેમના જન્મદિનને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે.
મેજર ધ્યાનચંદનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્યાનચંદે 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી હતી.પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતા આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતા હતા.બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ ધ્યાનચંદની પ્રતિભાથી આકર્ષાયા હતાં અને હોકીના જાદુગરની ગોલ યાત્રાનો શુભારંભ થયો હતો.
1927માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ધ્યાનચંદની પસંદગી કરવામાં આવી હતી. ભારતે સમગ્ર પ્રવાસમાં 10 મેચમાં કુલ 72 ગોલ કર્યા તેમાંથી અડધોઅડધ એટલે કે 36 ગોલ એકલા મેજર ધ્યાનચંદ દ્વારા કરવામાં આવ્યા હતાં. ધ્યાનચંદે તેમને મળેલી દરેક તકનો બખૂબી ઉપયોગ કર્યો હતો. તેના લીધે તેમની 1928માં નેધરલેન્ડના એમ્સ્ટરડમ ખાતે રમાયેલી સમર ઓલમ્પિક માટે ભારતીય હોકી ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. તેમની હોકી સ્ટીકના જાદુના સહારે ભારતે ફાઈનલમાં નેધરલેન્ડને 3-0થી પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. આ સિવાય પણ મેજર ધ્યાનચંદના નામે અનેક સિદ્ધિઓ નોંધાયેલી છે.
ધ્યાનચંદે ઓલમ્પિકમાં ભારતના 38માંથી 11 ગોલ કર્યા હતાં. જ્યારે પ્રીઓલમ્પિક મેચોમાં ધ્યાનચંદે ભારતના 175માંથી 59 ગોલ કર્યા હતાં. બીજા વિશ્વયુદ્ધ પછી 42ની ઉંમરે પણ ધ્યાનચંદે રમવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે ઈસ્ટ આફ્રિકામાં કુલ 22 મેચમાં 61 ગોલ કર્યા.1948માં તેમણે હોકીમાંથી નિવૃત્તિ લીધી હતી.
ઓસ્ટ્રીયાના વિયેના ખાતે ધ્યાનચંદના હોકી સ્ટીક પરના કાબૂની ખૂબીને ધ્યાનમાં લઈને તેમની એક મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેમાં તેમના ચાર હાથ દર્શાવવામાં આવ્યા છે અને દરેક હાથમાં એક એક હોકી સ્ટીક રાખવામાં આવી છે.
1956માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા હતાં. તે વખતે તેઓ મેજર હતાં. ભારત સરકારે તેમને પદ્મભૂષણ પુરસ્કારથી નવાજ્યા હતાં. દેશના આ મહાન ખેલાડીએ 1979ની ત્રીજી ડિસેમ્બરે દુનિયાથી વિદાય લીધી હતી. તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી હતી. તેમજ નવી દિલ્લી ખાતે ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું છે.
દરેક રમતવીર તેમજ સામાન્ય માણસને મેજર ધ્યાનચંદની સફળતાની યાત્રા પ્રોત્સાહન પુરું પાડનારી છે. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે દેશના આ મહાન ખેલાડીને શત શત નમન છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.