સુરતના ડુમસ રોડ પર કેફેમાંથી વોચમેન, નોકરે ત્રણ અજાણ્યા સાથે મળી ચોરી કરી
- કોફી મશીન, ગ્રાઈન્ડર મશીન, મિક્સર, ઓવન, લેપટોપ, એલઇડી સ્ક્રીન, મ્યુઝીક સિસ્ટમ, રોકડ સાથે ડીવીઆર પણ ચોરી ગયા - રૂ.2.44 લાખની મત્તા ચોર્યા બાદ તેઓ જતા હતા તે સામેના બિલ્ડીંગના સીસીટીવી કેમેરામાં કેદ થયા સુરત,તા.27 ઓગષ્ટ 2022,શનિવાર સુરતના ડુમસ રોડ વેલેન્ટાઈન સિનેમાની બાજુમાં ગ્રીન ઓર્ચિડ પાર્ટી પ્લોટમાં આવેલા ધ સ્ટેશન કેફેમાંથી વોચમેન, નોકર અન્ય ત્રણ અજાણ્યા સાથે મળી કોફી મશીન, ગ્રાઈન્ડર મશીન, મિક્સર, ઓવન, લેપટોપ, એલઇડી સ્ક્રીન, મ્યુઝીક સિસ્ટમ, રોકડ સાથે ડીવીઆર પણ ચોરી ગયા હતા.રૂ.2.44 લાખની મત્તા ચોર્યા બાદ તેઓ જતા હતા તે સામેના બિલ્ડીંગના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડુમસ રોડ વેલેન્ટાઈન સિનેમાની બાજુમાં ગ્રીન ઓર્ચિડ પાર્ટી પ્લોટમાં સમીરભાઈ ઈશ્વરભાઈ પટેલ ( રહે.903, મિલાપ રેસિડન્સી, કેનાલ રોડ, વેસુ, સુરત ) ની માલિકીનું ધ સ્ટેશન કેફે આવેલું છે. રોજ સવારે 11 વાગ્યે શરૂ થતું કેફે ગત ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધી શરૂ નહીં થતા અને બહાર તાળું હોય તેમજ મોબાઈલ ફોનમાં કેફેના કેમેરા પણ ઓપરેટ નહીં થતા સમીરભાઈએ મેનેજર સંદીપભાઈ ક્રિષ્નાકાંતભાઇ શાહ ( ઉ.વ.42, રહે. જયનાબેન પટેલના મકાનમાં, રાયન ઇન્ટરનેશનલ સ્કુલની બાજુમાં, મગદલ્લા ગામ, સુરત.મુળ રહે.નેપાળ ) ને જાણ કરતા તે ત્યાં દોડી ગયા હતા. રોજ રાત્રે કેફેમાં જ રોકાતો વોચમેન સોનુ મિશ્રા ત્યાં નજરે નહીં ચઢતા સંદીપભાઈએ તાળું ખોલી અંદર તપાસ કરી તો તે ત્યાં પણ નહોતો.અંદર વધુ તપાસ કરતા કોફી મશીન, ગ્રાઈન્ડર મશીન, મિક્સર, ઓવન, લેપટોપ, એલઇડી સ્ક્રીન, મ્યુઝીક સિસ્ટમ, રોકડ, ડીવીઆર નહીં મળતા સામેના આઈકોન બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો મળસ્કે 3.12 કલાકે વોચમેન સોનુ મિશ્રા અને અન્ય નોકર ગૌરવસિંહ મેહરવાનસિંહ ( રહે.રંડોલી, ચમોલી, ખેતી, ઉત્તરાખંડ )અન્ય ત્રણ અજાણ્યા સાથે પ્રવેશી કેફેમાંથી સામાનની ચોરી કરી ચાર વાગ્યે બહાર નીકળતા નજરે ચઢ્યા હતા. કુલ રૂ.2.44 લાખની મત્તાની ચોરી અંગે મેનેજર સંદીપભાઈએ ગતરોજ ઉમરા પોલીસ મથકમાં વોચમેન, નોકર અને અન્ય ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.