જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે એક સગર્ભા મહિલાને બાઇક ચાલકે ઠોકર મારતાં ગોઝારો અકસ્માત - At This Time

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે એક સગર્ભા મહિલાને બાઇક ચાલકે ઠોકર મારતાં ગોઝારો અકસ્માત


- મહિલાના ઉદરમાં રહેલા બે જોડીયા બાળકોના અંતરિયાળ મૃત્યુ: મહિલા તથા તેના અન્ય એક બાળકને પણ ઈજાજામનગર,તા.27 ઓગષ્ટ 2022,શનિવારજામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે પગપાળા ચાલીને જઈ રહેલી એક સગર્ભા મહિલાને બાઇકના ચાલકે  ઠોકરે ચડાવી હડફેટમાં લઈ લેતાં સગર્ભા મહિલાના ઉદરમાં રહેલા બે જોડિયા બાળકોના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. ઉપરાંત મહિલા તથા તેના કાખમાં રહેલા અન્ય એક બાળકને ઈજા થઈ છે. આ બનાવને લઈને ભારે અરેરાટી ફેલાઈ છે. પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ગણપતિના મંદિરની પાછળ ઝૂંપડું બાંધીને રહેતી હંસાબેન અમરભાઈ વાંજા નામની ૩૨ વર્ષની દેવીપુજક સગર્ભા મહિલા, કે જે ગઈકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાના અરસામાં લાલપુર બાયપાસ ચોકડી પાસે પોતાના ૨ વર્ષના પુત્ર સાગરને કાખમાં તેડીને પગપાળા ચાલીને જઈ રહી હતી, દરમિયાન સામેથી પુરપાટ વેગે આવી રહેલા જીજે-૧૦ ડીસી ૨૫૬૪ નંબરના બાઈકના ચાલકે તેણી ને હડફેટમાં લઈ લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સગર્ભા મહિલા હંસાબેન ને ઠોકર વાગતાં નીચે પટકાઈ પડી હતી. જેથી તેણીને ઈજા થઈ હતી, ઉપરાંત તેના કાખમાં તેડેલો બાળક સાગર પણ ઇજાગ્રસ્ત બન્યો હતો. ઉપરાંત મહિલા ના પેટ પર બાઇક ચડી ગયું હોવાથી સગર્ભા મહિલાના પેટમાં જોડિયા બાળકો હતા, જે જન્મે તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. મહિલાને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, અને ત્યાં ગાયનેક વિભાગના તબીબો દ્વારા તાત્કાલિક અસરથી સિઝેરિયન કરીને બંને મૃત બાળકોને બહાર કાઢી લેવાનો વારો આવ્યો હતો. આ બનાવને લઈને ભારે કરુણતા સર્જાઇ હતી. ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદના આધારે પંચકોષી બી. ડિવિઝન પોલીસે જી.જે.૧૦ ડી.સી. ૨૫૬૪ નંબરના બાઈકના ચાલક સામે ગુનો નોંધ્યો છે અને પોતે ભાગી છુટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.