બળાત્કારના દોષિતોને રાતોરાત છોડી મૂકવામાં મગજનો ઉપયોગ થયો છે કે નહીં
- બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને સવાલ- દોષિત હોય અને સજા પૂરી કરી હોય તેવા લોકો મુક્તિને લાયક છે, આવા દોષિતોને માફીનો અધિકાર નથી : સુપ્રીમનો સવાલ- ગુજરાત સરકાર તેની દોષિતોને છોડી મુકવાની નીતિના આધાર પર વિચાર કરે : સુપ્રીમ - સુનાવણી બે સપ્તાહ મુલતવી રખાઈનવી દિલ્હી : બિલ્કિસ બાનો કેસમાં અંગે ગુજરાત સરકારને સવાલ કરતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે, એવું તો શું થયું કે દોષિતોને છોડવા માટે રાતોરાત નિર્ણય લેવામાં આવ્યો? આ સાથે સુપ્રીમે વર્ષ ૨૦૦૨માં બિલ્કિસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યાના ૧૧ દોષિતોને છોડી મુકવાને પડકારતી અરજી પર કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણના અધ્યક્ષપદે બેન્ચે આ કેસમાં છોડી મૂકવામાં આવેલા બધા જ ૧૧ દોષિતોને પક્ષકાર બનાવવા જણાવ્યું છે. આ સાથે ન્યાયાધીશો અજય રસ્તોગી અને વિક્રમ નાથને સમાવતી બેન્ચે આ કેસની સુનાવણી બે સપ્તાહ મુલતવી રાખી છે.સીપીએમ નેતા સુભાષિની અલી, લેખિકા રેવતી લાલ અને માનવાધિકાર કાર્યકર રૂપા રેખા વર્માએ બિલ્કિસ બાનો પર બળાત્કારના ૧૧ દોષિતોને છોડી મુકવાના ગુજરાત સરકારના નિર્ણયને જાહેર હિતની અરજી હેઠળ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી માટે તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમારે જોવું પડશે કે દોષિતોને છોડી મુકવાના નિર્ણયમાં ગુજરાત સરકારે મગજનો ઉપયોગ કર્યો છે કે નહીં. આ અદાલતે દોષિતોને છોડી મૂકવાનો આદેશ આપ્યો નહોતો. સરકારને માત્ર દોષિતોને છોડી મુકવાની તેની નીતિના આધાર પર વિચાર કરવા કહ્યું હતું. અરજદારોએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈએ કરી હતી. તેથી ગુજરાત સરકાર દોષિતોને સજામાં છૂટ આપવાનો એક તરફી નિર્ણય લઈ શકે નહીં. ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૪૩૫ હેઠળ રાજ્ય સરકાર માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ લેવી ફરજિયાત છે.દોષિતોની મુક્તિના સંદર્ભમાં બેન્ચે કહ્યું હતું કે, અહીં સવાલ એ છે કે દોષિતોને છોડી મુકવામાં મગજનો ઉપયોગ કરાયો છે અને કાયદાના માપદંડોનું પાલન થયું છે કે નહીં.બેન્ચે નોંધ્યું હતું કે, જે લોકો દોષિત હોય અને તેમની સજા પૂરી કરી હોય તેઓ માફીને લાયક છે... તેમાં અપવાદ શું છે? શું એમ કહેવું પર્યાપ્ત છે કે આ દોષિતો માફીનો અધિકાર નથી ધરાવતા? અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબલે કેસના તથ્યો રજૂ કર્યા હતા અને કહ્યું કે દોષિતોએ બાળકી સહિત કેટલાક લોકોની હત્યા કરી હતી અને એક ગર્ભવતી મહિલા પર બળાત્કાર કર્યો હતો. આ સંજોગોમાં માત્ર સવાલ એ છે કે દોષિતોને મુક્તિના પરિપ્રેક્ષ્યમાં કોર્ટની ન્યાયિક સમીક્ષા શું છે? આ કેસમાં કેન્દ્ર અને ગુજરાત સરકારના મત પણ અલગ અલગ હોવાનું જોવા મળ્યું છે. ગૃહમંત્રાલયે કહ્યું કે તેણે દોષિતોને છોડવા માટે કહ્યું નથી. વર્ષ ૨૦૦૮માં સીબીઆઈની વિશેષ અદાલતે બિલ્કિસ બાનો પર બળાત્કાર અને તેના ૭ પરિવારજનોની હત્યા માટે ૧૩માંથી ૧૧ આરોપીઓને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. વર્ષ ૨૦૧૭માં બોમ્બે હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના ચૂકાદાને જાળવી રાખ્યો હતો.વર્ષ ૨૦૦૨ના ગુજરાતના રમખાણો દરમિયાન બિલ્કિસ બાનોના પરિવારના સાત લોકોની હત્યા કરી દેવાઈ હતી, જેમાં ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ૨૧ વર્ષીય બિલ્કિસ બાનો પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તે સમયે બિલ્કિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. બિલ્કિસ બાનો મરી ગઈ છે તેમ માનીને બળાત્કારીઓ તેને છોડીને ભાગી ગયા હતા. ગુજરાત સરકારના નિર્ણયના પગલે બધા જ ૧૧ દોષિતો હવે જેલમાંથી છૂટી ગયા છે. ગુજરાત સરકારે સારી ચાલ-ચલગતના કારણે દોષિતોને છોડવાનો નિર્ણય કર્યો હતો. દોષિતો આ કેસમાં ૧૫ વર્ષથી જેલમાં હતા.સીજેઆઈ રમણે નિવૃત્તિના આગલા દિવસે મહત્વના કેસોની સુનાવણી કરીમુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) એનવી રમણ શુક્રવારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમણે નિવૃત્તિના આગલા દિવસે પેગાસસ, મની લોન્ડરિંગના કેસ સહિત કેટલાક મહત્વના કેસોની સુનાવણી કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે તેમના કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમે વિવિધ હાઈકોર્ટોમાં ૨૨૪ ન્યાયાધીશોની નિમણૂક કરી હતી.મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે તેમની નિવૃત્તિના આગલા દિવસે પંજાબના ફિરોઝપુરમાં જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીની મુલાકાત સમયે સુરક્ષામાં ચૂક, નેતાઓ, પત્રકારો સહિત દેશના કેટલાક પ્રતિષ્ઠિત લોકોના મોબાઈલ ફોનની પેગાસસ સોફ્ટવેર મુદ્દે જાસૂસીના કેસ, મની લોન્ડરિંગ કાયદા હેઠળ ઈડીની સત્તાઓને પડકારતી કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમની અરજી અને બિલ્કિસ બાનો કેસમાં ૧૧ દોષિતોને છોડી મુકવાના ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી અરજી સહિત મહત્વના કેસોની સુનાવણી કરી હતી.ન્યાયાધીશ એનવી રમણ ૨૬મી ઑગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત તેમના વિદાય સમારંભમાં એનવી રમણે કહ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે ન્યાયાધીશોની નિમણૂકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા બે મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમને દિલ્હી હાઈકોર્ટ માટે કેટલાક નામનોની કેન્દ્રને ભલામણ કરી છે અને તેમને આશા છે કે કેન્દ્ર આ નામોને મંજૂરી આપી દેશે. તેના ચોક્કસ ફિચર્સ અને વિશેષતાઓ અને કાયદાકીય કેસોની સંખ્યાની સરખામણીમાં દિલ્હી હાઈકોર્ટની દેશની અન્ય હાઈકોર્ટો સાથે સરખામણી થઈ શકે તેમ નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.