ઘાટલોડીયાના કે.કે.નગરમાં પિતા-ફોઈએ ઘરેથી કાઢી મુકતા યુવતીએ દવા પીધી - At This Time

ઘાટલોડીયાના કે.કે.નગરમાં પિતા-ફોઈએ ઘરેથી કાઢી મુકતા યુવતીએ દવા પીધી


અમદાવાદ,તા.25 ઓગષ્ટ 2022,ગુરૂવારઘાટલોડીયાના કે.કે.નગરમાં આવેલા એપાર્ટમેન્ટમાંથી પિતા અને ફોઈએ સગા ભાઈ-બહેનને ઘરમાંથી કાઢી મુકી ફરી પગ ના મુકવા માટે ધમકીઓ આપી હતી. બાળકોને ઉછેરીને મોટા કરનાર દાદા-દાદીના અવસાન બાદ અંતિમવિધીના બહાને ઘરમાં ઘૂસી આવેલા પિતા-ફોઈએ આ મકાન અમારૂ છે, ફરી અંહીયા પગ મુક્યો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. પિતા-ફોઈની ધમકીઓથી ત્રસ્ત યુવતીએ ફિનાઈલ અને મચ્છર મારવાની દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘાટલોડીયા પોલીસે મંગળવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતી અને તેના ભાઈને મોટા કરનાર દાદાના મૃત્યુ બાદ ઘરમાં ઘુસેલા પિતા-ફોઈ ધમકી આપતા હતા  ઘાટલોડીયાના કે.કે.નગર વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય અને તેનો નાનો ભાઈ વૃદ્ધ દાદા સાથે રહેતો હતો. યુવતીના પિતા કોઈ કામધંધો કરતા ન હોઈ તેમજ મારઝૂડ કરતા હોવાથી માતાએ પુત્રી છ વર્ષની અને પુત્ર દસ માસનો હતો, ત્યારે ઘર છોડી દીધું અને બીજા લગ્ન કર્યા હતા. બંને બાળકોને દાદા-દાદીએ મોટા કર્યા દરમિયાન દાદીનું ૨૦૨૧માં અવસાન થયું તેમજ દાદા જાન્યુઆરી,૨૦૨૨માં મૃત્યુ પામ્યા હતા. દાદાની અંતિમવિધી માટે આવેલા પિતા અને ફોઈએ યુવતીના દાદા-દાદીના ઘરમાં રહેવાનું શરૂ કર્યું હતું. ૧૩મી જૂનના રોજ યુવતી અને તેના ભાઈએ પિતા તેમજ ફોઈએ ઘરમાંથી સામાન સાથે બહાર કાઢી મુકી ધમકી આપી કે, આ ઘર અમારૂ છે, જો ફરી પગ મુક્યો તો જાનથી મારી નાંખીશું તેમ કહી થપ્પડો મારી હતી. યુવતી અને તેનો ભાઈ સબંધીના ઘરે રહેવા માટે ગયા હતા. દરમિયાન પિતા અને ફોઈ ફોન કરીને બંને સતત ધમકીઓ આપતા હોવાથી યુવતીએ ગત ૫મી જુલાઈના રોજ ફિનાઈલ અને મચ્છર મારવાની દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ યુવતીએ મંગળવારે ઘાટલોડીયા પોલીસે સ્ટેશનમાં પિતા અને ફોઈ વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.