હિમાચલ-ઉત્તરાખંડમાં વાદળ ફાટતા ભારે તારાજી: 26નાં મોત
- પહાડી રાજ્યોમાં મેઘતાંડવ, હિમાચલમાં 24 કલાકમાં ફ્લેશ ફ્લડની 30 ઘટના - ઉત્તરાખંડ-હિમાચલના અનેક ગામડાઓ તળાવમાં ફેરવાયા, રેલવે બ્રીજ તુટી પડયો, રેસ્ક્યૂ ઓપરેશન માટે હેલિકોપ્ટરની મદદ લેવાઇ- ઓડિશામાં સ્કૂલની દિવાલ પડી, મકાનો ધરાશાયી: એક વિદ્યાર્થી સહિત ચારના મોત, અનેક ઘાયલ: જમ્મુમાં બે સગીરાએ જીવ ગુમાવ્યો- ઝારખંડમાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક શહેરો-ગામોમાં વીજળી ગૂલ, વૃક્ષો પડી જવાથી વાહનોને ભારે નુકસાન- ઉત્તરાખંડમાં અનેક નદીઓએ ભયજનક સપાટી વટાવી, ઋષીકેશ-બદ્રીનાથ-ગંગોત્રી હાઇવે બંધ કરાયોશિમલા : હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ફ્લેશ ફ્લડની ૩૦થી પણ વધુ ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદને કારણે હિમાચલના અનેક વિસ્તારો પૂરને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ તેવી જ સ્થિતિ છે. આ બન્ને રાજ્યોમાં પૂર, ભુસ્ખલન, વાદળ ફાટવાની ઘટનાઓને કારણે કુલ ૨૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો લાપતા છે, ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે કવાયત હાથ ધરાઇ છે અને તેમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. હિમાચલ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશામાં સ્થિતિ હાલ વધુ કફોડી બનતી જાય છે. આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશના હમીરપુર, મંડીમાં વાદળ ફાટવા અને ભુસ્ખલનને કારણે ૧૩ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ચાંબા જિલ્લામાં પણ ભુસ્ખલનની ઘટના સામે આવી છે. પુરા રાજ્યમાં જુદી જુદી વરસાદી ઘટનાઓમાં કુલ ૧૯ લોકોના મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે માર્યા ગયેલા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે અને લોકોને વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. બાઘીથી કટોલા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બાદ અનેક પરિવારે પોતાના ઘર ખાલી કરીને સુરક્ષ સ્થળે આશરો લીધો છે. ગોહાર તાલુકામાં ભુસ્ખલનને કારણે અનેક મકાનો દટાઇ ગયા છે. જેમાં આઠ લોકોના દટાઇ જવાથી મોત નિપજ્યાની ભીતિ છે. હાલ ફસાયેલાને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. બાલ, સદર, થુનાગ, મંડી અને લામાઠચ વિસ્તારમાં પૂરને કારણે અનેક મકાનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પશુઓ, વાહનો પણ પાણીમાં ડુબી ગયા છે. કાંગ્રામાં કાચા મકાન પડી જવાથી એક બાળક સહિત કેટલાકના મોતની ભીતિ છે. અહીંના ચક્કી વિસ્તારનો પુલ તુટી પડવાથી ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો અને અનેક ટ્રેનોને રદ કરી દેવી પડી હતી.હિમાચલ જેવી જ સ્થિતિ ઉત્તરાખંડની પણ છે. ઉત્તરાખંડમાં સવારે વાદળ ફાટવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે, જેમાં રાજ્યભરમાં કુલ ચાર લોકો માર્યા ગયા છે. પૌરી જિલ્લામાં ૧૩ ગામડાઓમાં પાણી ભરાઇ ગયા છે. તેહરીમાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અનેક નદીઓએ તેની ભયજનક સપાટી વટાવી દીધી છે જેને પગલે અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. ઋષીકેશ-બદ્રીનાથ હાઇવે પૂર અને ભુસ્ખલનને કારણે બંધ કરવો પડયો હતો. તેવી જ રીતે ઋષીકેશ-ગંગોત્રી હાઇવેને પણ બંધ કરવો પડયો હતો. જેને પગલે અનેક વાહનો ફસાયા હતા. જ્યારે પૂર, વાદળ ફાટવા અને ભુસ્ખલનને કારણે અનેક લોકો ગુમ અને ફસાયેલા છે તેમને શોધવા અને રેસ્ક્યૂ કરવાની પ્રક્રિયા ઝડપથી ચલાવવામાં આવી રહી છે. ઓડિશામાં પણ ભારે વરસાદને કારણે મકાનો પડી જવાથી ચાર લોકો માર્યા ગયા હતા. કેઓંજાર મકાન પડી જવાથી એક મહિલાનંુ મોત નિપજ્યું હતું જ્યારે તેના પતિને ગ્રામજનોએ રેસ્ક્યૂ કરી લીધો હતો. મયુરભંજ જિલ્લામાં બે બાળકીઓના દટાઇ જવાથી મોત નિપજ્યા હતા. બાલાસોર જિલ્લામાં એક સ્કૂલની દિવાલ પડી જવાથી એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું જ્યારે અનેક વિદ્યાર્થી ઘવાયા હતા. તેવી જ રીતે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં એક માટીનું મકાન ધ્વંસ થવાથી બે સગિરના મોત નિપજ્યા હતા. ઝારખંડમાં પણ ભારે પવન સાથે વરસાદ પડયો હતો, જેથી અનેક મકાનો, વૃક્ષો, વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ઝારખંડના પશ્ચિમ સિંઘભુમ જિલ્લામાં એક મકાનની કાચી માટીની દિવાલ પડવાથી એક મહિલાનું મોત નિપજ્યું હતું. દેશભરમાં અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદે વિરામ લીધો છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે તારાજી જોવા મળી રહી છે અને આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.