મેળા ટાણે મેઘવર્ષાઃ સૌરાષ્ટ્રમાં બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ - At This Time

મેળા ટાણે મેઘવર્ષાઃ સૌરાષ્ટ્રમાં બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ


- આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી ,કાલથી જોર ઘટશે- બોળચોથ અને નાગપાંચમના દિવસે કોડીનારમાં પાંચ, રાજકોટ, ખંભાળિયા, ઉના, વેરાવળ જુનાગઢ પંથકમાં બે, જામનગર જિ.માં દોઢ ઈંચ રાજકોટ : સૌરાષ્ટ્રમાં રજાનો માહૌલ જામ્યો છે ત્યારે બીજી તરફ પૂર્વ રાજસ્થાન પર ભારે વરસાદ લાવતું ડીપ્રેસન સર્જાયું છે અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, ગુજરાતથી મહારાષ્ટ્ર કાંઠા સુધી ટ્રોફ વગેરે સીસ્ટમથી ગુજરાતમાં ચોમાસુ ગતિશીલ બન્યું છે ગઈકાલે પંદરમી ઓગષ્ટ, શ્રાવણી સોમવારે વ્યાપક ધોધમાર વરસાદ બાદ આજે પણ વરસાદનું જોર જારી રહ્યું હતું અને સૌરાષ્ટ્રમાં   એકથી પાંચ ઈંચ વરસાદ વરસી જતા માર્ગો પર પાણી ભરાયા છે અને ભંગાર રસ્તા વધુ ભંગાર બનવા સાથે રોગચાળાની ભીતિ વધી છે.આજે નાગપાંચમના દિવસે રાજ્યના ૨૫૧ પૈકી ૨૩૪ તાલુકામાં રાત્રિ સુધીમાં ઝાપટાંથી માંડીને સર્વાધિક તાપીના સોનગઢમાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. કોડીનાર પંથકમાં આજે સાંજ સુધીમાં પાંચ ઈંચ વરસાદ વરસી ગયો છે અને ખેતરોમાં પાણી ભરાયા હતા. શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. ડોળાસા પંથકમાં બે દિવસમાં સવા ત્રણ ઈંચ વરસાદથી મોલાતને નુક્શાનની ભીતિ સર્જાઈ છે. ઉનામાં બે દિવસમાં બે ઈંચ વરસાદ તથા રાવલડેમ છલકાવાની તૈયારીમાં છે. રાજકોટમાં ગઈકાલે બે ઈંચ વરસાદ બાદ આજે પણ ઝાપટાં ચાલુ રહ્યા હતા.  ખંભાળિયામાં વધુ બે ઈંચ વરસાદ સાથે મૌસમનો વરસાદ ૧૦૦ ટકાને પાર થઈ ગયો છે. જામનગર જિલ્લાના કાલાવડ અને ધ્રોલમાં દોઢ દોઢ ઈંચ વરસાદ તથા જામનગર, જામજોધપુરમાં પણ અર્ધો ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જુનાગઢ જિલ્લામાં વરસાદનું જોર સતત જારી રહ્યું છે અને બે દિવસમાં જુનાગઢ, વંથલી, વિસાવદર પંથકમાં બે ઈંચ તથા માણાવદરમાં ગઈકાલે દોઢ ઈંચ વરસાદ, મેંદરડામાં દોઢ અને ભેંસાણ અને માંગરોળમાં પોણો ઈંચ તથા કેશોદમાં અર્ધો ઈંચ સુધીના વરસાદ સાથે સમગ્ર સોરઠમાં મેઘવર્ષા તહેવારોમાં જારી રહી હતી. અમરેલીમાં પણ વરસાદનું જોર જારી રહ્યું છે અને સાવરકુંડલાના સરજવડી જળાશય ૯૦ ટકાથી વધુ ભરાઈ જતા હાઈએલર્ટ પર મુકાયેલ છે. ગઈકાલે સ્વાતંત્ર્ય દિવસે  કોડીનારમાં ત્રણ ઈંચ,સૂત્રાપાડામાં અઢી, ખંભાળિયા અને પોરબંદર,રાણાવાવમાં ૨ ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ, વંથલીમાં પોણા બે ઈંચ, જામનગરના કાલાવડ, રાજકોટમાં દોઢથી બે ઈંચ,  જુનાગઢ,ઉનામાં દોઢ ઈંચ, કુતિયાણામાં એક ઈંચ, રાજુલા અને ઉનામાં દોઢ ઈંચ,તલાલા, વિસાવદર, જાફરાબાદ, સહિત વિસ્તારોમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. અન્યત્ર અર્ધો ઈંચથી ઝાપટાં વરસ્યા હતા. આજે સવારે છથી  રાત્રે આઠ સુધીમાં કોડીનાર અને રાજુલામાં માં વધુ બે ઈંચ,  વેરાવળ સોમનાથમાં દોઢ ઈંચ, સૂત્રાપાડા,માળિયા હાટીના, કોટડાસાંગાણી,જસદણ,  જુનાગઢ, ધ્રોલ, વિસાવદર, સહિત વિસ્તારોમાં એક ઈંચ તથા અન્યત્ર  ઝાપટાંથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.