યુ.પી.થી આવેલો મિત્ર ATM માં ચેડા કરી પૈસા કમાવવાની ટ્રીક શીખવી ગયો - At This Time

યુ.પી.થી આવેલો મિત્ર ATM માં ચેડા કરી પૈસા કમાવવાની ટ્રીક શીખવી ગયો


- SBI ના ATM માં છેડછાડ કરી બેન્કને ચૂનો ચોપડનાર બે ઝડપાયા : પૈસા ઉપાડી લીધા પણ પૈસા નહીં મળ્યાની બેન્કને ફરિયાદો કરી રૂ.75 હજાર મેળવી લીધા હતા- મિલમાં નોકરી કરતા મિત્રોએ વિવિધ બહાને સંબંધીઓ, મિત્રો પાસેથી કાર્ડ-પીન લઈ ખેલ કરવાનું શરૂ કર્યું : 26 કાર્ડ કબજે કરાયા સુરત, : SBI ના એટીએમમાં છેડછાડ કરી પૈસા ઉપાડયા બાદ પણ પૈસા નહીં મળ્યાની ફરિયાદો કરી બેન્કને ચૂનો ચોપડનાર બે શ્રમજીવીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તેમની પાસેથી 26 એટીએમ કાર્ડ, રોકડ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.29,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બંનેએ ગામથી આવેલો મિત્ર એટીએમમાં છેડછાડ કરી પૈસા કમાવાની ટ્રીક શીખવી ગયા બાદ બેન્કને ચૂનો ચોપડવાનું શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લાલ દરવાજા, સ્ટેશન રોડ અને બેગમપુરા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ત્રણ એટીએમમાં ગત જુલાઈ માસમાં છેડછાડ કરી ભેજાબાજે પૈસા ઉપડયા હતા છતાં પૈસા નહીં ઉપડયાની ખોટી ફરિયાદો કરી બેન્કને રૂ.75 હજારનો ચૂનો ચોપડતા મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આવી જ ફરિયાદ સુરતના વરાછા, ઉમરા અને અઠવાલાઈન્સ પોલીસ મથકમાં પણ નોંધાઈ હતી. દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે ગતરોજ બેગમપુરા મોતી ટોકીઝ પાસેથી દિલીપ દયાશંકર પ્રજાપતી ( ઉ.વ.26, રહે. રૂમ નં.1, પોલીસ વાળી ચાલ, શાંતીનગર, વરેલી ગામ, તા.કડોદરા, જી.સુરત. મુળ રહે. પાઇ, તા.ખાગા જી.ફતેહપુર, ઉત્તર પ્રદેશ ) અને સુરજકુમાર ધર્મનારાયણ પ્રજાપતિ ( ઉ.વ.18, રહે.47, પ્રિયંકા ગ્રીનસીટી, કડોદરા, સુરત. મુળ રહે.કેસરીયા ગામ, તા.સીરાતુ, જી.કૌસાંબી, ઉત્તર પ્રદેશ ) ને ઝડપી પાડી તેમની પાસેથી 26 એટીએમ કાર્ડ, રોકડા રૂ.19 હજાર અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.29,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે મિલમાં નોકરી કરતા બંનેની પુછપરછ કરતા જણાવ્યું હતું કે ગામથી તેમનો એક મિત્ર અહીં આવ્યો હતો અને અઠવાડીયું રોકાયો હતો ત્યારે એટીએમમાં છેડછાડ કરી પૈસા કમાવાની ટ્રીક શીખવી ગયો હતો.આથી બંનેએ સંબંધીઓ અને મિત્રો પાસેથી બહાનું કાઢી એટીએમ કાર્ડ અને પીન મેળવી કડોદરા અને સુરતના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં જઈ તે ટ્રીક અપનાવી બેન્કને ચુનો મારવાનું શરૂ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે બંનેનો કબજો મહિધરપુરા પોલીસને સોંપ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.