જાણો, આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, સુભાષચંદ્ર બોઝ પણ તેમનાથી થયા હતા પ્રભાવિત - At This Time

જાણો, આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, સુભાષચંદ્ર બોઝ પણ તેમનાથી થયા હતા પ્રભાવિત


નવી દિલ્હી, 13 ઓગસ્ટ,2022, શનિવાર ભારતમાં દેશપ્રેમનું પ્રતિક ગણાતા નારા જયહિંદનો જયઘોષ કરવામાં આવે છે. ભાષણ સમાપનના અંતમાં મહાનુભાવો જય હિંદ અચૂક બોલે છે. સ્વતંત્રતા આંદોલનમાં તો જય હિંદનો નારો ઘર ઘરે ગુંજતો થઇ ગયો હતો પરંતુ ખૂબ ઓછા લોકો આ નારાના સર્જકને ઓળખે છે. મોટા ભાગના લોકો એવું માને છે કે આ નારો સુભાષચંદ્ર બોઝે આપેલો પરંતુ જય હિંદનો નારો થિરૃઅન્તપુરના ક્રાંતિકારી ચેમ્પકારમણ પિલ્લાઇએ આપ્યો હતો. જયહિંદએ ભારતનો જય ઘોષ કેવી રીતે બની ગયો તેનો પણ ઇતિહાસ છે.૧૫ સપ્ટેમ્બર ૧૮૯૧માં જન્મેલા પિલ્લાઇ કોલેજમાં ભણતા ત્યારે સાથે  અભ્યાસ કરતા વિધાર્થીઓમાં જોશ જગાવવા માટે જયહિંદનો નારો બોલતા હતા.૧૯૦૮માં વધુ અભ્યાસ માટે પિલ્લાઇ જર્મની ગયા અહીં તેમણે પી એચ ડી સુધીનો અભ્યાસ કરીને છેવટે અંગ્રેજો વિરૃધ  લડાઇ લડવા માટે જર્મન નૌકાદળમાં જુનિયર અફસર તરીકે જોડાઇ ગયા.તેમણે ૨૨ સપ્ટેમ્બર ૧૯૧૪ના રોજ જર્મન જહાજમાં બેસીને ચેન્નાઇ પર બોંબ પણ ફેંકયા હતા.૧૯૩૩માં ઓસ્ટ્રીયાની રાજધાની વિયેના ખાતે તેઓ સુભાષચંદ્ર બોઝને મળ્યા ત્યારે હાથ ઉંચા કરીને જય હિંદ બોલ્યા હતા. બોઝને જયહિંદ બોલીને રજૂ થવાની તેમની યુકિત ગમી ગઇ હતી.સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં જોડાવાની હાંકલ થતા જર્મનીમાં અભ્યાસ કરતો આબિદ હુસેન નામનો બીજો એક વિધાર્થી પણ આઝાદ હિંદ ફોજમાં જોડાયો હતો. આઝાદ હિંદ ફોજની રચના સંબંધિત કાર્યવાહી વિસ્તરી રહી હતી ત્યારે જય હિંદને આઝાદ હિંદ ફોજના જયઘોષ તરીકે લેવાનું સુચન આબિદ હુસેને જ કર્યું હતું.ર નવેમ્બર ૧૯૪૧ના રોજ આઝાદ હિંદ ફોજનો યુદ્ધ ઘોષ બની ગયેલો આ નારો ધીરે ધીરે દેશમાં આઝાદી માટે લડતી મહાસભાએ પણ અપનાવી લીધો હતો.એ પહેલા કોગ્રેસ જિંદાબાદ અને વંદે માતરમ નારા તરીકે વધુ ફેમસ હતા.૧૯૪૬માં એક ચુંટણી સભામાં લોકોએ કોગ્રેસ જીંદાબાદનો નારો લગાવ્યો ત્યારે જવાહરલાલ નેહરૃએ જય હિંદનો જયઘોષ કરવાનું સુચન કર્યું હતું.૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદીની જાહેરાત કરતા પ્રથમ ભાષણનું સમાપન નેહરૃએ જય હિંદ નારો લગાવીને કર્યું હતું. ભારતની પહેલી ટપાલ ટીકિટ બહાર પાડવામાં આવેલી તેના પર પણ જય હિંદ લખવામાં આવ્યું હતું. આઝાદી પછી પોસ્ટ ઓફિસોને પણ ટીકિટ પર જયહિંદનો સિકકો લગાવવાની સૂચના આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.