તાપી નદી અને તટ વિસ્તારમાં 19 જગ્યાઓએ મગર હોવાના પુરાવા મળ્યા : શહેરની સંસ્થાનો વન વિભાગ સાથેનો સર્વે
સુરત,તા.12 ઓગષ્ટ 2022,શુક્રવાર છેલ્લા કેટલાક વર્ષોમાં સુરત અને આસપાસના વિસ્તારોમાંથી મગર જોવાના અનેક કિસ્સા નોંધાયા છે. જેને લઈને શહેરની સંસ્થાએ વન વિભાગ સાથે મળીને એક સર્વે કરાયો હતો. જેમાં મગરની વસ્તી ધરાવતા વિસ્તારોમાં 10 સ્થળોએ મગર જોવા મળ્યા હતા અને 9 સાઇટ પર મગર હોવાના પુરાવા મળ્યા છે. થોડા સમય અગાઉ જ ચોક વિસ્તારમાં મગર દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને અગાઉ નિષ્ણાતો પણ મત આપી ચૂક્યા છે કે તાપી નદીમાં મગરનું બ્રીડિંગ થઈ રહ્યું છે. જેને લઈને નેચર ક્લબ સુરતે વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા વન વિભાગ સાથે મળીને સુરત શહેરમાં માનવ-મગરની વચે થતું ઘર્ષણ સ્થિતિને સમજવા માટે 2020માં એક પ્રોજેક્ટ કર્યો હતો. જેમાં કુલ 19 જગ્યાઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ સંકેતોના આધારે મગર હોવાના પુરાવા મળ્યા છે. જેમાં 10 જગ્યા પર મગર જોવાયા હતા હતા. જ્યારે 9 એવી સાઇટ ધ્યાને આવી હતી જ્યાં મગર હોવાના પુરાવા મળ્યા હતા. આ સ્થળોએ જોવા મળેલા મગરોમાં 3 પુખ્તવયના મગર એટલે કે 1.5 મીટર લંબાઈના , 2 પેટા-પુખ્ત એટલે કે 1 થી - 1.5 મીટર લંબાઈ અને 5 કોઈ પણ કદના અંદાજ વિનાના છે. પાલ, કોઝવે, અમરોલી, પર્વત ગામ, પુણા ગામ, જહાંગીરપુરા, વરિયાવ વગેરે મગરોની વસ્તી ધરાવતા વિસ્તારો છે. હાલમાં જ પ્રોજેક્ટની શોધ અંગે એક વૈજ્ઞાનિક જર્નલમાં એક સંશોધન પેપર પણ પ્રકાશિત થયું હતું. આ પ્રોજેક્ટના ઇન્ચાર્જ કૃણાલ ત્રિવેદીએ કહ્યું કે, “અમાર સંશોધન અનુસાર સુરતમાં 2005 અને 2020 વચ્ચે માનવ-મગરની મૂટભેદ સમય જતાં વધી છે. જો કે કોઈ મનુષ્યોસાથે કોઈ ઘાતક સંઘર્ષ જોવા મળ્યા નથી. મોટાભાગની મગર દેખાવાના કિસ્સા ચોમાસાની ઋતુમાં એટલે કે જુલાઈ-ઓક્ટોબરમાં અને ઉનાળાની ઋતુમાં એટલે કે માર્ચ-જૂનમાં નોધાયા છે. જ્યારે શિયાળાની ઋતુમાં મગર દેખાવાના કોઈ ખાસ બનાવ સામે આવ્યા નથી. માનવ અને મગર વચ્ચેનું ઘર્ષણ વધી રહ્યું છે કારણ કે તેમના વસવાટ માટે ની જગ્યા ઓછી થઈ રહી છે અને મગરની વસ્તી વધી રહી છે. જો કે આ વિસ્તારમાં માનવ-મગર વચ્ચેનો કોઈ મોટો સંઘર્ષ નોંધાયો નથી. તેમ છતાં મગર દ્વારા હુમલા જેવા કોઈપણ ઘર્ષણને ટાળવા માટે સ્થાનિક લોકોમાં જાગૃતિ ઝુંબેશ ચલાવવાની જરૂર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.