કન્હૈયાલાલની દુકાન પાસે તાજિયામાં લાગી આગ, હિન્દુ પરિવારોએ આપ્યું કોમી એખલાસનું ઉદાહરણ
- મોહરમના જુલુસ દરમિયાન તાજિયામાં લાગેલી આગને હિન્દુ પરિવારોઓ ઓલવી ઉદયપુર, તા. 11 ઓગસ્ટ 2022, ગુરૂવારરાજસ્થાનના ઉદયપુર શહેરમાં મોહરમના જુલુસ દરમિયાન તાજિયામાં લાગેલી આગને હિન્દુ પરિવારોએ તાત્કાલિક ઓલવી દીધી હતી. આ ઘટના જે વિસ્તારમાં બની હતી તેની પાસે ટેલર કન્હૈયા લાલની દુકાન હતી. બે મુસ્લિમ યુવકોએ લગભગ દોઢ મહિના પહેલા કન્હૈયાનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી હતી. આ કારણે રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં આક્રોશ અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. મળેલી માહિતી પ્રમાણે મોચીવાડા વિસ્તારની સાંકડી શેરીઓમાંથી પસાર થતી વખતે લગભગ 25 ફૂટ ઉંચા તાજિયાના ઉપરના ભાગમાં આગ લાગી ગઈ હતી. તાજિયાની પાછળ ચાલી રહેલા મુસ્લિમોએ આ વાતની નોંધ નહોતી લીધી પરંતુ પોતાના ઘરના બીજા-ત્રીજા માળેથી જુલુસ નિહાળતા સ્થાનિક લોકોનું ધ્યાન ગયું હતું. તે સમયે શેરીના ત્રીજા-ચોથા માળે રહેતા હિન્દુ પરિવારોએ આગ જોતાની સાથે જ ઉપરથી પાણી નાખીને આગ ઓલવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આશિષ ચૌડિયા, રાજકુમાર સોલંકી અને તેમના પરિવારજનોએ બાલ્કની અને ધાબા ઉપરથી પાણી નાખીને આગ ઓલવી હતી. જિલ્લા કલેક્ટર તારાચંદ મીણાએ કહ્યું હતું કે, 'આ ઘટનાથી માત્ર અકસ્માત જ નથી ટળ્યો પરંતુ તે સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદારણ પણ બની ગઈ છે.'વરિષ્ઠ પોલીસ અધિકારી શિપ્રા રાજાવતે જણાનવ્યું હતું કે, મોચીવાડાની જે શેરીમાંથી તાજિયા પસાર થઈ રહ્યા હતા તે ખૂબ જ સાંકડી હતી. જો સમયસર આગ ઉપર કાબૂ મેળવવામાં ન આવ્યો હોત તો મોટી દુર્ઘટના બની શકતી હતી. આગ સૌથી પાછળ ચાલી રહેલા 25 ફૂટ ઉંચા તાજિયામાં લાગી હતી અને આગળ ચાલી રહેલા તાજિયાના લોકો નમાઝ અદા કરી રહ્યા હતા. તાજિયામાં આગ લાગતાની સાથે જ હિન્દુઓએ શેરીની બન્ને બાજુની બાલ્કની અને ધાબા ઉપરથી ડોલથી પાણી રેડવાનું શરૂ કરી દીધુ હતુ. તેના કારણે આગ ઓલવાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના દરમિયાન સ્થળ ઉપર હાજર રહેલા રાજાવતે જણાવ્યું હતું કે, આગ કદાચ શોર્ટ સર્કિટ અથવા અગરબત્તીના કારણે લાગી હતી. હિન્દુઓ આગ બુઝાવી રહ્યા હતા ત્યારે નીચે તાજિયા સાથે હાજર મુસ્લિમોએ તેમનો તાળીઓ પાડીને આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.