ભારતમાં રૂ. 12,000 થી સસ્તા ચાઇનીઝ સ્માર્ટફોનના વેચાણ પર પ્રતિબંધની સંભાવના
- ચીની કંપનીઓને સકંજામાં લેવામાં નિષ્ફળ સરકાર હવે પ્રજાને સસ્તા સ્માર્ટફોનથી વંચિત રાખશે- મેક ઈન્ડિયાના નામે અનેક પ્રકારની લહાણી અને છૂટ મળતી હોવા છતા સ્થાનિક કંપનીઓ ભારતના સ્માર્ટફોન માર્કેટ પર કબજો મેળવવામાં અસમર્થનવી દિલ્હી : વિશ્વના સૌથી ઝડપથી વધી રહેલ સ્માર્ટફોન માર્કેટ, ભારતમાં હવે ચાઈનીઝ કંપનીઓ પર સકંજો કસવા અને ભારતીય કંપનીઓને પ્રોત્સાહન અને બજાર મોકળાશ મળી રહે તે માટે મોદી સરકાર એક નવી નીતિ લાગુ કરવા જઈ રહી છે. અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર હવે રૂ. ૧૨,૦૦૦થી સસ્તા ચાઈનીઝ સ્માર્ટફોન ભારતમાં વેચવા પર પ્રતિબંધ મુકી શકે છે.જોકે સરકારની આ પોલિસીની વિરૂદ્ધમાં શરૂઆતથી જ સૂર ઉઠી રહ્યો છે. મેક ઈન્ડિયાના નામે અનેક પ્રકારની લહાણી અને છૂટ મળતી હોવા છતા સ્થાનિક સ્માર્ટફોન માર્કેટ પર ભારતીય દેશી કંપનીઓ કબ્જો નથી જમાવી શકી. ચાઈનીઝ કંપનીઓ તરફથી મળતી તીવ્ર સ્પર્ધાને કારણે અનેક ભારતીય કંપનીઓને અસ્તિત્વ ટકાવવું ભારે પડી રહ્યું છે તેથી હવે સ્માર્ટફોન માર્કેટમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા રૂ. ૧૨,૦૦૦થી સસ્તા ચાઈનીઝ ફોન પર પ્રતિબંધ લાગી શકે છે.અહેવાલ અનુસાર ભારત ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદકોને ૧૫૦ યુએસ ડોલર એટલે કે રૂ. ૧૨,૦૦૦ કરતાં સસ્તા મોડલ વેચવા પર પ્રતિબંધ મૂકવા માટેની નીતિ ઘડી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ચાઈનીઝ કંપનીઓની યાદીમાં શાયોમી સહિતની બ્રાન્ડ્સનો પણ સમાવેશ થઈ શકે છે,જે અમુક હદે ભારતમાં ઉત્પાદન પણ કરે છે.ભારતીય બજારમાં ચાઈનીઝ કંપનીઓનું પ્રભુત્વસરકારની આ યોજના વિશ્વના બીજા સૌથી મોટા મોબાઈલ માર્કેટના સસ્તા અને લો બજેટ સેગમેન્ટમાંથી ચાઈનીઝ જાયન્ટ્સને બહાર લાવવાનો છે. માર્કેટ ટ્રેકર કાઉન્ટરપોઇન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર જૂન ૨૦૨૨ સુધીના ત્રિમાસિક ગાળામાં ૧૫૦ ડોલરથી ઓછી કિંમતના સ્માર્ટફોને ભારતના કુલ સ્માર્ટફોન માર્કેટના વેચાણ વોલ્યુમમાં ત્રીજા ભાગનો ફાળો આપ્યો હતો અને તેમાં ચીનની કંપનીઓનો હિસ્સો ૮૦% જેટલો હતો. શાઓમી, રિયલમી, ઓપ્પો જેવી હાઈ-વોલ્યુમ બ્રાન્ડ્સની ચિંતા મોદી સરકારની આ નીતિ સાથે વધી શકે છે.જો સરકાર આ પ્રતિબંધ લાગુ કરે તો શાયોમીના સ્માર્ટફોન શિપમેન્ટમાં વર્ષે ૧૧-૧૪% એટલે કે ૨થી ૨.૫ કરોડ યુનિટનો ઘટાડો થઈ શકે છે, વેચાણમાં ૪-૫%નો ઘટાડો થઈ શકે છે. ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ૨૫% હિસ્સો ધરાવતા શાયોમીનું સૌથી મહત્વપૂર્ણ વિદેશી બજાર ભારત છે, જેમાં તેના ૬૬% સ્માર્ટફોનની કિંમત ૧૫૦ ડોલરથી ઓછી છે.કેન્દ્ર સરકાર જો આ નવી પોલિસી લાગુ કરશે તો પણ એપલ ઇન્ક અને સેમસંગને કોઈ અસર થશે નહીં કારણકે તેમના ફોનની કિંમત આ નિર્ધારિત બજેટ કરતા વધારે છે. ચીની કંપનીઓની કર ચોરી પર પણ નજરઆ સિવાય ચાઈનીઝ કંપનીઓ કથિર ટેક્સ ચોરીના આરોપોસર ભારત સરકારની નજરમાં છે. દેશમાં કારોબાર કરતી ચાઈનીઝ કંપનીઓ શાયોમી અને પ્રતિસ્પર્ધીઓ ઓપ્પો અને વિવોએ રોયલ્ટી અને અન્ય નામે મની લોન્ડરિંગ કર્યાના આરોપો લાગ્યા છે. સરકારે અગાઉ હુવેઇ ટેકનોલોજીસ અને ઝેડટીઇ કોર્પ ટેલિકોમ ઈક્વિપમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.સસ્તા સ્માર્ટફોનથી પ્રજા વંચિત થશે :મોદી સરકારની આ નીતિ એકંદરે દેશ અને સ્થાનિક કંપનીઓ માટે સારી જ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સતત પ્રયાસ કરવા, છૂટછાટ આપવા છતા પણ સ્થાનિક કંપનીઓ બજારમાં ટકી રહેવા માટે, ચાઈનીઝ કંપનીઓની ટક્કર ઝીલવા માટે સક્ષમ ન બની શકે તો એમાં જનતાનો વાંક શું છે ? સસ્તા દરે આયાત થતા ફોન પર ઉંચો ટેક્સ લાદીને હાલ સરકાર તો કમાણી કરી જ રહી છે પરંતુ જો આ ચાઈનીઝ ફોન પર પ્રતિબંધો લાદશે તો અંતે ડામ તો જનતાને જ પડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.