શિવ-કાલીનું વિવાદાસ્પદ ચિત્ર છાપનારા મેગેઝિન સામે ફરિયાદ
ધ વીક મેગેઝિને ૨૪મી જુલાઈના અંકમાં એક લેખમાં શિવ અને કાલીનું વિવાદાસ્પદ ચિત્ર પ્રસિદ્ધ કર્યું હતું. એ મુદ્દે કાનપુરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. જે લેખમાં એ ચિત્ર પ્રસિદ્ધ થયું હતું, એના લેખકે પણ મેગેઝિન છોડવાની જાહેરાત કરી હતી.ધ વીક મેગેઝીનના ૨૪મી જુલાઈના અંકમાં ભગવાન શિવ અને મા કાલીના એક લેખમાં વિવાદાસ્પદ ચિત્ર પ્રસિદ્ધ થયું હતું. એ મુદ્દે મેગેઝિનના તંત્રી ફિલિપ મેથ્યૂ સામે કાનપુરમાં ફરિયાદ દાખલ થઈ છે. કાનપુરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને એ અંગે તપાસ હાથ ધરાઈ છે. ભાજપના નેતા પ્રકાશ શર્માએ ફરિયાદ દાખલ કરી હતી. બજરંગ દળના કાર્યકરોએ મેગેઝિનની કોપીઓ બાળીને વિરોધ નોંધાવ્યો હતો.દરમિયાન જે લેખકના લેખમાં એ ચિત્ર મૂકાયું હતું, તેમણે પણ મેગેઝિન છોડી દીધું હોવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાનની આર્થિક સલાહકાર કમિટીના ચેરમેન વિવેક દેબરોય ધ વીકના કટારલેખક છે. તેમના લેખમાં એ ચિત્ર પ્રસિદ્ધ થયું હતું. તેમણે એ બાબતે ભારે નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું કે મેગેઝિને મને પૂછ્યા વગર શિવ અને મા કાલીનું આપત્તિજનક ચિત્ર પ્રસિદ્ધ કર્યું હતું, જે બિલકુલ અયોગ્ય છે અને મેં મેગેઝિનમાં લખવાનું બંધ કરી દીધું છે.અગાઉ મેગેઝિનના મેનેજમેન્ટે આ મુદ્દે માફી માગી હતી. મેગેઝિનની વેબસાઈટમાં સ્પષ્ટતા કરતા કહેવાયું હતું કે લેખ માટે ૧૮૨૦નું એક ચિત્ર પ્રસિદ્ધ થયું હતું. હિમાચલ પ્રદેશની કાંગરા પેઈટિંગ શૈલીનું એ ચિત્ર એજન્સી પાસેથી મેળવીને મેગેઝિને પ્રસિદ્ધ કર્યું હતું, એ બદલ દિલગીર છીએ અને વેબસાઈટની આવૃત્તિમાં એને બદલી નાખવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.