દાઉદના નજીકના ગણાતા છોટા શકીલના બનેવી સલીમ ફ્રૂટની NIA દ્વારા ધરપકડ
- સલીમ ફ્રૂટનું નામ પૂર્વ મંત્રી નબાવ મલિકના કેસમાં પણ સામે આવ્યું હતુંનવી દિલ્હી, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવારરાષ્ટ્રીય તપાસ એજન્સીએ દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ સમાન છોટા શકીલના સંબંધી સલીમ કુરૈશીની મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે. તે સલીમ ફ્રૂટ તરીકે પણ ઓળખાય છે. આતંકવાદ વિરોધી એજન્સીએ ગત મે મહિનામાં પણ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓને શોધવા માટે મુંબઈ અને થાણેના 20થી વધુ સ્થળોએ દરોડો પાડ્યો હતો. તપાસ એજન્સીએ દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને ગેંગસ્ટરના નજીકના સહયોગીઓ સામે પણ એફઆઈઆર દાખલ કરી હતી. એફઆઈઆર પ્રમાણે ભારતમાં આતંકવાદી હુમલાઓનું ષડયંત્ર રચવા અને તેને અંતિમ સ્વરૂપ આપવા માટે દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનથી એક સ્પેશિયલ યુનિટ બનાવ્યું હતું. તે યુનિટ ભારતના નેતાઓને ટાર્ગેટ કરીને તેમના પર હુમલો કરવાનું કામ કરતું હતું. ઉપરાંત દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલે પાકિસ્તાનમાં રહીને ભારતમાં તોફાનો ભડકાવવા ષડયંત્ર રચ્યું હોવાનો પણ ઉલ્લેખ છે. સલીમ ફ્રૂટનું નામ પૂર્વ મંત્રી નબાવ મલિકના કેસમાં પણ સામે આવ્યું હતું. સલીમ ફ્રૂટનું નામ કથિત રીતે તસ્કરી, નશીલા પદાર્થોની હેરફેર, મની લોન્ડ્રિંગ, ટેરર ફન્ડિંગ, સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજા વગેરેમાં સામેલ હતું. ઉપરાંત તે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ તથા અલ-કાયદા જેવા કુખ્યાત સંગઠનોને નાણાં પૂરા પાડવાના કામમાં પણ સામેલ હતો. તપાસ એજન્સીએ આ વર્ષની શરૂઆતમાં ગોરેગામ નિવાસી આરિફ અબુબકર શેખ ઉર્ફે ભાઈજાન અને તેના ભાઈ શબ્બીર અબુબકર શેખની ડી-કંપનીની ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ હોવાના અને ટેરર ફન્ડિંગમાં સામેલ હોવાના આરોપસર ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ 9 મેના રોજ મુંબઈમાં 24 અને મીરા રોડ ખાતે 5 સ્થળોએ દરોડો પાડ્યો હતો. દાઉદના શકમંદ સહયોગીઓના પરિસરોમાં તપાસ દરમિયાન ઈલેક્ટ્રોનિક ઉપકરણો, સ્થાવર મિલકતોમાં રોકાણના દસ્તાવેજો, મોટા પાયે રોકડ અને હથિયાર સહિતની આપત્તિજનક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.