ગીફ્ટ ડીડ કેન્સલ કરવાના કેસમાં કલેકટર સહિતના સત્તાધીશોને હાઇકોર્ટની નોટિસ
- ગીફ્ટ ડીડ કેન્સલ કરવાના કલેકટરના નિર્ણયને પડકારાયોઅમદાવાદ,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારપુત્રીને માતા દ્વારા ગીફ્ટ ડીડથી અપાયેલા પ્લોટ વિખવાદ બાદ માતાએ પરત લેવા અમદાવાદ કલેકટરમાં અરજી કરતાં કલેકટરે માતાની તરફેણમાં ગીફ્ટ ડીડ કેન્સલ કરતો હુકમ કર્યો હતો. કલેકટરના આ હુકમની કાયદેસરતાને પુત્રી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવતાં હાઇકોર્ટે અમદાવાદ જિલ્લા કલેકટર સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. પુત્રીને ગીફ્ટ ડીડથી આપેલા બે પ્લોટ માતાએ વિખવાદ થતાં કલેકટરને અરજી કરતાં ડીડ કેન્સલવડોદરામાં રહેતી અરજદાર પુત્રી દ્વારા કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, અરજદારના માતા-પિતાને એક પુત્ર અને બે પુત્રીઓ એમ કુલ ત્રણ સંતાનો હતા. પરંતુ અરજદારનો ભાઇ અગાઉ ગુજરી ગયો હતો. દરમ્યાન સને ૨૦૧૬માં માતા-પિતાએ અરજદાર પુત્રીની તરફેણમાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના બે પ્લોટ ગીફ્ટ ડીડથી તેમને આપ્યા હતા. એ પછી અરજદારના પિતા ગુજરી ગયા હતા, જેને લઇ પુત્રી માતા સાથે રહેવા અમદાવાદ આવ્યા હતા પરંતુ પાછળથી તેઓ વચ્ચે વિખવાદ થતાં માતાએ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અધિનિયમ-૨૦૦૭ હેઠળ અમદાવાદ કલેકટરમાં અરજી કરી ગીફ્ટ ડીડ રદ કરવા દાદ માંગી હતી. જેને કલેકટરે ગ્રાહ્ય રાખી અરજદારની તરફેણમાં કરાયેલ ગીફ્ટ ડીડ રદબાતલ ઠરાવ્યો હતો. અરજદાર પુત્રી તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, પ્રસ્તુત કેસમાં ગીફ્ટ ડીડ શરતી ન હતો અને તેથી તેને રદ કરવાની સત્તા કલેકટર પાસે નથી. ગીફ્ટ ડીડ રદ કરવાની સત્તા સિવિલ કોર્ટ પાસે છે. કલેકટરે કાયદાનું ખોટી રીતે અર્થઘટન કરી ગેરકાયદે અને અયોગ્ય હુકમ કર્યો હોઇ હાઇકોર્ટે તેને રદ કરવો જોઇએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.