જસ્ટિસ યુયુ લલિત દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ, 74 દિવસ પદ પર રહેશે
નવી દિલ્હી, તા.૪જસ્ટિસ ઉદય ઉમેશ લલિત દેશના ૪૯મા મુખ્ય ન્યાયાધીશ બનશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ ૨૬મી ઑગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે તેમના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ યુયુ લલિતના નામની ભલામણ કરી છે. જોકે, યુયુ લલિતનો કાર્યકાળ દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી નાનો હશે. યુયુ લલિત માત્ર ૭૪ દિવસ માટે જ મુખ્ય ન્યાયાધીશ બનશે.કાયદા મંત્રાલયે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ પાસે બુધવારે તેમના ઉત્તરાધિકારીનું નામ માગ્યું હતું. રમણે ગુરુવારે યુયુ લલિતના નામની ભલામણ કરી છે. જસ્ટિસ યુયુ લલિત ૨૭મી ઑગસ્ટે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે અને ૮મી નવેમ્બરે નિવૃત્ત થશે. જસ્ટિસ યુયુ લલિત દેશમાં સામાજિક વ્યવસ્થા પર મોટી અસર કરનારા ત્રણ તલાક જેવો મહત્વપૂર્ણ ચૂકાદો આપનારી બેન્ચનો ભાગ હતા. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે ૨૪મી એપ્રિલ ૨૦૨૧ એસ.એ. બોબડેના ઉત્તરાધિકારી તરીકે સીજેઆઈનું પદ સંભાળ્યું હતું. હવે ૧૬ મહિનાથી વધુની મુદત પછી તેઓ ૨૬મી ઑગસ્ટે નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ૬૫ વર્ષની વયે નિવૃત્ત થાય છે. જસ્ટિસ યુયુ લલિત મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ કૌલ, જસ્ટિસ નજીર અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીને સમાવતા કોલેજિયમનું નેતૃત્વ કરશે. જસ્ટિસ ઈન્દિરા બેનર્જી ૨૩ સપ્ટેમ્બરે નિવૃત્ત થતાં જસ્ટિસ કે.એમ. જોસેફ કોલેજિયમમાં પ્રવેશ કરશે. જસ્ટિસ લલિતની નિવૃત્તિ પછી જસ્ટિસ ચંદ્રચૂડ ૫૦મા મુખ્ય ન્યાયાધીશ બને તેવી શક્યતા છે.જસ્ટિસ લલિત ૧૩મી ઑગસ્ટ ૨૦૧૪ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટના અનેક મહત્વપૂર્ણ ચૂકાદાઓનો તેઓ ભાગ રહ્યા છે. કેરળના પદ્મનાભ સ્વામી મંદિરના મેઈન્ટેનન્સ સંબંધિત કેસમાં તેમણે ચૂકાદો સંભળાવ્યો હતો. તેમણે પદ્મનાભ સ્વામી મંદિરનું સંચાલન ત્રાવણકોર રાજપરિવારને સોંપવાનો આદેશ આપ્યો હતો. પોક્સો એક્ટ અંગે પણ મહત્વપૂર્ણ ચૂકાદો આપનારી બેન્ચમાં તેઓ સામેલ હતા. આ ચૂકાદામાં કહેવાયું હતું કે જો કોઈ ખોટા ઈરાદાથી બાળકના ગુપ્તાંગોને સ્પર્શ કરે તો તેને પણ પોક્સો એક્ટની કલમ ૭ હેઠળ જાતીય સતામણી મનાશે. આ જ ચૂકાદામાં તેમણે સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ ન થાય તો તેને જાતીય સતામણી માનવામાં ન આવે તેવા બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાને ફગાવી દીધો હતો.૯મી નવેમ્બર ૧૯૫૭ના રોજ જન્મેલા જસ્ટિસ યુયુ લલિતે જૂન ૧૯૮૩માં એડવોકેટ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેઓ ૧૯૮૫ સુધી બોમ્બે હાઈકોર્ટના વકીલ હતા. એપ્રિલ ૨૦૦૪માં તેમણે સુપ્રીમ કોર્ટમાં સિનિયર એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે એપ્રિલ ૨૦૦૪માં ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં વિશેષ સરકારી વકીલ તરીકે સીબીઆઈને મદદ કરી હતી. જસ્ટિસ લલિત દેશના એવા બીજા મુખ્ય ન્યાયાધીશ હશે, જે બાર કાઉન્સિલથી આવીને જજ બન્યા અને તેમને મુખ્ય ન્યાયાધીશ બનવાની તક મળી. આ પહેલા માર્ચ ૧૯૬૪માં જસ્ટિસ એસ.એમ. સિકરી બાર કાઉન્સિલમાંથી આવીને સુપ્રીમના જજ બન્યા અને પછી ૧૯૭૧માં મુખ્ય ન્યાયાધીશ પણ બન્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.