જામનગરમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ
જામનગર તા ૪ ઓગસ્ટ 2022, ગુરુવાર સમગ્ર દેશભરમાં હાહાકાર મચાવી દેનારા નવા મંકીપોક્સ વાયરસનો એક શંકાસ્પદ કેસ આજે જામનગરમાં સામે આવતાં જામનગરના આરોગ્યતંત્રમાં દોડધામ વધી ગઇ છે. જે દર્દીને સરકારી જી.જી. હોસ્પિટલમાં શરૂ કરાયેલા અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે, જેના સેમ્પલો લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.જામનગરના નવા નાગના વિસ્તારમાં રહેતો ૨૯ વર્ષનો એક યુવાન, કે જેને આજે ચામડીમાં તકલીફ થતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં તેનામાં વિશેષ પ્રકારના લક્ષણો જણાયા હતા.જેથી હોસ્પિટલ નું તંત્ર સતર્ક બન્યું હતું, તે દર્દીને મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી ગણી ને જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં એક અલાયદો નવો વોર્ડ શરૂ કરીને તેમાં દાખલ કરવામાં આવ્યો છે. જે દર્દીના સેમ્પલો મેળવી લઇ પૃથ્થકરણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અથવા તો કોની સાથે મળ્યો છે, તે અંગે તેમજ તેના પરિવારજનોના પણ સેમ્પલો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે હાલ દર્દીની તબિયત સુધારા પર છે, અને તેના પર જી.જી. હોસ્પિટલના તબીબોની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. જેના સેમ્પલ નો રિપોર્ટ આવી ગયા પછી આગળની કાર્યવાહી થશે, તેવું જાણવા મળી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.