બે દિવસમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના ૫૮૦૬ પશુઓનું રસીકરણ કરાયું
લમ્પી વાયરસ સામે સાબરડેરી સર્તક
******************
બે દિવસમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના ૫૮૦૬ પશુઓનું રસીકરણ કરાયું
*******************
માણસોમાં હજુ કોરોનાના કહેરથી માંડ શાંતિ મળી છે ત્યારે રાજ્યમાં પશુઓ ઉપર મોટી આફત આવી પડી છે. રાજ્યના પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ છે જે અત્યાર સુધીમાં રાજ્યના ૨૦ જિલ્લાઓ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થયા છે અને તેના માટે પશુપાલન વિભાગ ખડેપગે પશુઓની સારવારમાં દોડી રહ્યું છે સાથે સાબરકાંઠા જિલ્લામાં લાખો પશુપાલકોની ચિંતા કરતી સાબરડેરીએ લમ્પી સામે સર્તકતા દાખવી પશુઓનું રસીકરણ હાથ ધર્યુ છે.
લમ્પી વાયરસની ગંભીરતા જોઇને લાખો પશુપાલકોના હિતમાં સાબરડેરી દ્વારા સઘન રસીકરણ અભિયાન હાથ ધરીને બે દિવસમાં ૫૮૦૬ પશુઓનું રસીકરણ કર્યુ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આમ તો પશુઓમાં લમ્પી વાયરસની અસર નહિવત છે પરંતુ સાબરડેરી દ્વારા અગમચેતીના ભાગરૂપે ૧૩ વેટનરી સેન્ટર પર ૧૫૦ વેટનરી ડૉકટરોની ટીમ સજ્જ રાખી છે.
આ અંગે વાત કરતા ડેરીના પશુ ચિકિત્સક શ્રી પરેશ પટેલ અને જયેશ પટેલે જણાવ્યું હતું કે, જે પશુઓ લમ્પીગ્રસ્ત થયા છે તેમણે ડેરીની સાબર સુદર્શન દવાથી સારવાર કરવામાં આવી રહી છે જેનાથી ઘણા સારા પરીણામ મળી રહ્યા છે. પરંતુ તેની સાથે રહેતા પશુઓને આ રોગનીઅસર ન થાય તે માટે રોગપ્રતિકાર શક્તિ વિકસાવવા રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા બે દિવસમાં ૫૮૦૬ પશુઓનું રસીકરણ કરાયું છે. ખાસ કરીને જે વિસ્તારોમાં લમ્પીના લક્ષણો જોવા મળ્યા હતા તેવા તાલુકામાં અગમચેતીરૂપે અરવલ્લીના બાયડ તાલુકામાં ૭૦૦, માલપુરમાં ૧૪૫, મેઘરજમાં ૭૦૦ અને મોડાસામાં ૧૭ જયારે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ૬ ગામોના ૩૧૨૫ અને પ્રાંતિજના ૩ ગામોના ૫૬૪ પશુઓનું રસીકરણ કરાયું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા ૩૫,૦૦૦થી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેના પરીણામે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે પશુઓમાં લમ્પી વાયરસની અસર નહિવત જોવા મળી રહી છે. તેમણે પશુપાલકોમાં જાગૃતિ આવે તે માટે દરેક દૂધ મંડળીઓમાં લમ્પી વાયરસ સામે પશુઓનું રક્ષણ કઇ રીતે કરી શકાય તે અંગે જાગૃતત્તા લાવવા ખાસ અભિયાન હાથ ધર્યુ છે.
સાબરકાંઠા
આબીદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.