‘હર હર શંભુ’ ભજન ગાયિકા ફરમાની નાઝના સમર્થનમાં ઉતર્યું મુસ્લિમ રાષ્ટ્રીય મંચ
- દેવબંધના ઉલેમાએ ફરમાની નાઝ દ્વારા ગાયેલા 'હર હર શંભુ' ભજનને શરીયતની વિરૂદ્ધનું જણાવ્યું છેદેવબંધ, તા. 02 ઓગસ્ટ 2022, મંગળવાર'હર હર શંભુ' ભજનની ગાયિકા ફરમાની નાઝનો કેટલાક મુસ્લિમ ધર્મગુરૂઓએ વિરોધ કર્યો છે તો હવે કેટલાક તેના સમર્થનમાં પણ ઉતરી આવ્યા છે. ઉત્તરપ્રદેશના દેવબંધના મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંયોજક રાવ મુશર્રફ અલીએ કહ્યું હતું કે, અમે તેમના ભજન અને ગીતોનું સમર્થન કરીએ છીએ અને ટૂંક સમયમાં તેમને સન્માનિત કરવામાં આવશે.રાવ મુશર્રફ અલીએ કહ્યું હતું કે, મેં ફરમાની નાઝનું ભજન સાંભળ્યું છે. મને તેમનું ભજન ખૂબ જ સારૂ લાગ્યું છે અને હું તેમના ભજનનુ સમર્થન કરૂ છું. આ ઉલેમા દીન જ્યારે ગૌ-હત્યા થાય છે ત્યારે કેમ ફતવો બહાર નથી પાડતા. આ મૌલાનાઓ અને તેમના ફતવાના કારણે આપણા દેશમાં કટ્ટરવાદ ફેલાઈ રહ્યો છે.તેમણે આગળ જણાવ્યું હતું કે, તે સિંગર છે અને તેને વિવિધ પ્રકારના ભજનો ગાવાના હોય છે. મોહમ્મદ રફી સાહેબે પણ ઘણા બધા ભજનો ગાયા હતા અને તેમના ભજનો આજે પણ મંદિરોમાં ગવાય છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 'હર હર શંભુ' ગીત સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ ગીત મુઝફ્ફર નગરની રહેવાસી ફરમાની નાઝે ગાઈને પોતાના યુટ્યુબ ચેનલ ઉપર શેર કર્યું હતું. આથી દેવબંધના ઉલેમાએ ફરમાની નાઝ દ્વારા ગાયેલા 'હર હર શંભુ' ભજન અંગે કહ્યું હતું કે તે શરીયતની વિરૂદ્ધ છે.ફરમાની નાઝનું કહેવું છે કે, તે એક કલાકાર છે અને કલાકાર તરીકે તેણે તમામ પ્રકારના ગીતો ગાયા છે. હાલમાં શ્રાવણ મહિનો ચાલી હોવાથી તેમણે 'હર હર શંભુ' ગીત ગાઈને યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યુ હતું. તેમને કોઈએ પણ ઘરે આવીને ગાવાથી નથી રોક્યા પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર આવી ટીપ્પણીઓ કરે છે. ફરમાની નાઝે કહ્યું હતું કે, આજે છોકરીઓ આત્મનિર્ભર બનીને સમાજમાં જીવી રહી છે અને પોતાના ટેલેન્ટના દમ ઉપર આગળ વધી રહી છે. આવામાં કોઈને શું હેરાનગતિ હોઈ શકે છે. તે એક ભક્તિ ચેનલ ચલાવે છે. તેની ઉપર તેણે અનેક ભક્તિ ગીતો ગાયા છે, રાધાકૃષ્ણના પણ અનેક ગીતો ગાયા છે. ફરમાની નાઝે કહ્યું હતુ કે, 'અમે મર્યાદામાં રહીને ગાઈએ છીએ. ક્યારેય કોઈ ધર્મનું અપમાન નથી કર્યું. વર્ષ 2018માં એક પુત્ર થયો હતો તેને બીમારી હતી. ત્યારબાદ પતિ અને સાસરી પક્ષે છોડી દીધી હતી. ત્યારબાદ જીવનનિર્વાહ માટે સખત સંઘર્ષ કરવો પડ્યો હતો. મારી સામે કોઈ વિકલ્પ નહોતો. આવી સ્થિતિમાં એક કલાકાર તરીકે મે ગાવાનું શરૂ કરી દીધું હતું.' તેમણે આગળ કહ્યું હતું કે, 'મારા પતિએ મને તલાક આપ્યા વગર બીજા લગ્ન કરી દીધા હતા ત્યારે કોઈએ મારું દુઃખ નહોતું સમજ્યુ. હવે આજે ગીત ગાઈને મારા પુત્રનો ઉછેરી રહી છું તો લોકોને મુશ્કેલી થઈ રહી છે. આનાથી કોઈને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. લોકો મારા ગીતોને પસંદ કરી રહ્યા છે. હું મારા પુત્રના ભવિષ્ય માટે કરી રહી છુ.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.