નારી વંદન ઉત્સવ અન્વયે મહિલાલક્ષી સાફલ્યગાથાની શ્રેણી-3
નારી વંદન ઉત્સવ અન્વયે મહિલાલક્ષી સાફલ્યગાથાની શ્રેણી-3
વ્હાલી દિકરી યોજના દ્વારા રાજ્યની પ્રત્યેક દિકરીની કરે દરકાર તેમના પોષણ, રક્ષણ અને શિક્ષણ માટે સતત ચિંતિત રાજ્ય સરકાર
“નારી વંદન ઉત્સવ”ના નામે ગુજરાતે અપનાવી નારી પૂજનની અનોખી રીત
બોટાદ જિલ્લામાં રાજ્ય સરકારશ્રીની વ્હાલી દિકરી યોજના અંતર્ગત કુલ 2,985 અરજીઓ મંજૂર
આપણી સંસ્કૃતિમાં નારીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની સાબિતી છે, ભગવાન મનુએ મનુસ્મૃતિના ત્રીજા અઘ્યાયમાં લખ્યુ છે કે, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता” અર્થાત જયાં નારીની પુજા અને સન્માન થાય છે ત્યાં દેવતા આનંદ પામે છે. આ ઉક્તિ હંમેશા આપણને યાદ અપાવે છે કે નારીનું સ્થાન સર્વો૫રી છે. વૈદિક યુગમાં પણ નારીનું મહત્વ સ્વીકારાયું છે ત્યારે એક સશક્ત સંસ્કૃતિના વાહક બનતા ગુજરાતે નારી પૂજનની અનોખી રીત અપનાવી છે જેને નામ આપ્યું છે નારી વંદન ઉત્સવ. ગુજરાતની મહિલા શક્તિ દરેક ક્ષેત્રે અગ્રેસર રહે તેવું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. જે માટે સરકારશ્રી દ્વારા દિકરીઓ અને મહિલાલક્ષી અનેકવિધ યોજના અમલી બનાવવામાં આવી છે. જેમાં આજે આપણે વાત કરવાના છીયે સરકારશ્રીની વ્હાલી દિકરી યોજના વિશે.
રાજ્ય સરકારશ્રી દ્વારા દિકરીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ઓગસ્ટ 2019 માં વ્હાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દિકરીઓને રૂ 1 લાખ 10 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારની આ પહેલથી પ્રેરાઈ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
ત્યારે હવે વાત કરીયે બોટાદ જિલ્લાની. બોટાદ જિલ્લામાં રાજ્ય સરકારશ્રીની વ્હાલી દિકરી યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ 2,985 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. વ્હાલી દિકરી યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર/સીડીપીઓ કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરીએ પરથી વિનામુલ્યે મળી રહે છે.
વ્હાલી દિકરી યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ ક્યાં ક્યાં ?
પ્રથમ હપ્તો
દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4 હજારની સહાય મળવાપાત્ર થશે.
બીજો હપ્તો
દિકરીઓને નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6 હજારની સહાય મળવા પાત્ર થશે.
ત્રીજો હપ્તો
આ યોજના હેઠળ જ્યારે દિકરીને 18 વર્ષની ઉંમરે ઉચ્ચકક્ષા શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.
આ યોજનાનો લાભ કોને મળી શકે?
વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માગતા દંપતીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે એક સમાન રૂ.2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદાની પાત્રતા દિકરીના જન્મના તરત આગળના 31 માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભના લક્ષમાં લેવાની રહેશે.
વ્હાલી દિકરી યોજના તા.2/08/2019થી અમલમાં મુકવામાં આવી છે. આથી તા.2/08/2019ના રોજ અને ત્યારબાદ જન્મેલી દિકરીઓને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે. દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતીની દિકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલા હોય તેવા દંપતીની દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
શું છે યોજનાનો ઉદ્દેશ?
• દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
• દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ
રેશિયો ઘટાડવો.
• દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં
સર્વાંગી સશક્તિકરણ કરવું.
• બાળલગ્ન અટકાવવા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.